ATUL N. CHOTAI

a writer – since 2014


સુરતમાં ફક્ત એચ.આઈ.વી પોઝીટીવ લોકો માટે વિશિષ્ટ પ્રકારનો મેરેજ બ્યુરો ચાલે છે

Marriage in Gujarat

Marriage in Gujarat

સુરતમાં એક વિશિષ્ટ પ્રકારનો મેરેજ બ્યુરો ચાલે છે જે પોતાની કોમ્યુનિટીના જ લોકોના મેરેજ કરવા સાથે સમાજમાં અસાધ્ય રોગ ફેલાતા અટકાવવાનું કામ કરી રહ્યો છે. આ મેરેજ બ્યુરો માત્ર એચ.આઈ.વી. પોઝીટીવ લોકો માટે જ કામગીરી કરે છે. ૨૦૦૭ માં શરૃ થયેલા આ મેરેજ બ્યુરો થકી એચ.આઈ.વી.ના રોગનું વહન કરતાં ૨૨૭ યુગલોના લગ્ન થઈ ચુક્યા છે. ૬ ફેબુ્રઆરી – ૨૦૦૩ ના રોજ જી.એસ.એન.પી.પ્લસ (ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ વિવીંગ વીથ એચ.આઈ.વી.પોઝીટીવ ગ્રુપ) ની સ્થાપના થઈ હતી અસાધ્ય રોગનો ભોગ બનેલા એચ.આઈ.વી. ગ્રસ્ત લોકોની સમસ્યાને ઘટાડવા માટે આ સંગઠન બનાવવામાં આવ્યું હતું. પોઝીટીવ પીપલ્સના અન્ય નેગેટિવ પીપલ્સ સાથે લગ્ન થકી દર્દીની સંખ્યા ન વધે તે માટે સંસ્થા દ્વારા ૨૦૦૭ માં મેરેજ બ્યુરો શરૃ કરાયો હતો.

સંસ્થાએ જણાવ્યું હતું કે આ પહેલાં અમે એપ્રિલ ૨૦૦૪ માં એક એચ.આઈ.વી કપલના લગ્ન ધામધુમથી કર્યા હતા. કેટલીક સમસ્યા બાદ મેરેજ બ્યુરો ૨૦૦૭ માં શરૃ થયો ત્યારથી અત્યાર સુધી આ બ્યુરોમાં ૨૨૬ યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા છે. ૧૭૦૦ જેટલા લોકોએ મેરેજ બ્યુરોમાં નોંધણી કરાવી છે. માત્ર સુરત ગુજરાત કે ભારત જ નહી પરંતુ આ મેરેજ બ્યુરોની માહિતી જોઈને છેલ્લા દોઢ વર્ષથી ભારત બહારથી પણ મુરતિયાઓ ઈન્કવાયરી કરી રહ્યાં છે. થોડા સમય પહેલાં અમેરિકા અને ઓસ્ટ્રેલીયાથી ઈન્કવાયરી આવી હતી. જ્યારે હાલમાં મેરેજ બ્યુરોમાં કેનેડા અને નેધરલેન્ડ જેવા દેશોમાંથી પણ ઈન્કવારી કરવામા આવે છે. અમારા મેરેજ બ્યુરોમાં પાત્રોને સામ સામે બેસાડી દેવામાં આવે છે ત્યાર બાદ એક બીજાની પસંદથી લગ્ન કરવામાં આવે છે. આ સંસ્થાના આ પ્રયાસના કારણે અમારી કોમ્યુનીટીના લોકોની જીવન શૈલી સુધારી એક બીજાને સપોર્ટ મળે તેવી કામગીરી કરવામાઆવે છે. વધુ માહિતી માટે આ સંસ્થા નો ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ વિવીંગ વીથ એચ.આઈ.વી પોઝીટીવ ગ્રુપ, ૬૭ – સહયોગ સોસાયટી, બરફીવાલા કોલેજ પાસે, સુમુલ ડેરી રોડ, સુરત – ૩૯૫ ૦૦૮ ઉપર સંપર્ક કરી શકાય છે


સુરતની આ શાળામાં વિદ્યાર્થીઓને કડવી શિક્ષા આપવામાં આવે છે

Teacher Punishment

Teacher Punishment

શિક્ષક વિદ્યાર્થીના જીવનના મધૂર માળી ગણાય છે. શિક્ષક જ્યાં સુધી વિદ્યાર્થીઓને પ્રેમથી વિદ્યા આપતા હોય છે ત્યાં સુધી તેઓ બાળકોની ગૂડબુકમાં રહે છે પરંતુ જ્યારે શિક્ષક વિદ્યાર્થી સાથે કડક વર્તન દાખવે તો તેઓ અણગમા બની જાય છે. પહેલાંના સમયમાં સોટી વાગે ચમ ચમ, વિદ્યા આવે રમઝમ ના પ્રયોગથી વિદ્યાર્થીઓ શિસ્ત અને નિયમિતતાના પાઠ ભણતા હતા. જો કે આજે સમય બદલાઈ ગયો છે. કોઈ શિક્ષક આ પ્રયોગ અપનાવવા જાય તો વાલીઓ સીધા પોલીસ મથકે જ પહોંચી જાય છે. આ સમસ્યાના મૂળમાં જઈ સુરતની અડાજણ સ્થિત વિદ્યાકૂંજ સ્કૂલના આચાર્ય મહેશભાઈ પટેલે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. જેમાં તેઓ અનિયમિત અને અશિસ્ત દાખવતા બાળકોને શિક્ષારૂપે સોટીના મારની જગ્યાએ ચાના પ્લાસ્ટિક કપમાં લીમડાનો કડવો રસ પીવડાવી દે છે. આચાર્યના આ નવતર પ્રયોગને માંડ થોડા દિવસો થયા છે અને તેમાં તેમને ઘણી સફળતા મળી રહી છે. નવાઈની વાત એ છે કે ઘણા વિદ્યાર્થીઓ તો સામે ચાલી પોતાની ભૂલ કબૂલી કડવી શિક્ષાની માંગણી પણ કરી રહ્યા છે.


સુરતના ભીમપોરના વયોવૃદ્ધ આજે ૮૮ વર્ષે પણ સંગીત શીખવાડે છે

Prabhubhai Bhagat - Bhimpor

Prabhubhai Bhagat – Bhimpor

સુરત : નાનપણમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે સંગીત શીખવાની ઇચ્છા અધુરી રહી પરંતુ ૫૦ વર્ષની ઉંમરે ફરી આ તક મળતા સુરતના ભીમપોરનાં પ્રભુભાઇ રામજીભાઇ ભગતે સંગીત શીખવાનું શરૃ કર્યું અને આજે ૮૮ વર્ષની ઉંમરે તેઓ સંગીત પ્રેમીઓને સંગીત શીખવાડી રહ્યાં છે. આ નવયુવાન વડીલની બીજી ખાસિયત એવી છે કે, તેઓ સંગીતના તમામ સાધનો જાતે જ બનાવે છે. વાત છે સને ૧૯૩૪-૩૫ની, હું પાંચમા ધોરણમાં હતો ત્યારે શિક્ષકે જોયું કલાસમાં બે જ છોકરાઓ છે છઠ્ઠા ધોરણમાં આવશો તો હું બે છોકરાઓને ભણાવીને શું કરીશ એના કરતાં તું ઉઠી જાય. બસ ત્યારથી સ્કૂલ છોડી એ છોડી ફરીવાર ભણવાની તક ક્યારેય મળી નહીં. નાનપણમાં સંગીત શીખવાની અદમ્ય ઇચ્છા હતી પણ શીખવા માટે પૈસા ન હતા. એટલે એ ઇચ્છા પણ અધુરી રહી. જીવનચક્ર આગળ વધ્યું અને ભણ્યા ન હતા છતાં પણ કન્સ્ટ્રકશનના ધંધામાં ફાવટ આવી ગઇ અને અચાનક ૫૦ વર્ષની ઉંમરે સંગીત શીખવાની તક ફરી સામે આવી. નાનપણની અધુરી ઇચ્છા પૂર્ણ કરવા આ તકને ઝડપી લઇને સંગીત શીખવાનું શરૃ કરી દીધું. સુરતના કાંઠા વિસ્તારના ભીમપોર ગામને પ્રભુભાઇ રામજીભાઇ ભગતની આ વાત છે. જીવનના ઉતરાર્ધમાં તેમણે જાણીતા સંગીતકાર પાસે તાલીમ લઇ સંગીતમાં જબરજસ્ત નિપૂર્ણતા મેળવી છે. આજે તેઓ ૮૮ વર્ષના થયા છે પરંતુ આજે પણ તેમના રોમરોમમાં સંગીત વસેલું છે. વયોવૃદ્ધ ઉંમરે હવે તેઓ સંગીત શીખવી રહ્યાં છે. નિઃસંતાન અને પત્નીના અવસાન બાદ તેઓ એકલા છે, યાદશક્તિ ઘટી ગઇ છે પરંતુ સંગીત તેમનો સૌથી મોટો સહારો બન્યો છે. સંગીતમાં ઓતપ્રોત પ્રભુભાઇ સંગીતના તમામ સાધનો પણ જાતે જ બનાવે છે. તેમણે હાથે બનાવેલા સાધનો જોઇને કોઇપણ વ્યક્તિ દંગ રહી જાય છે. જો કે, તેમને પ્રસિધ્ધિ કે નામના મેળવવાની કોઇ ઇચ્છા નથી. તેઓ માત્ર સંગીતમાં જ લીન રહે છે. પ્રભુભાઇએ અત્યાર સુધી સંગીતના ઘણાંબધા પ્રોગ્રામો કર્યા છે. સુરત અને ગુજરાતની બહાર પણ પરંતુ આ તમામ પ્રોગ્રામો વિનામૂલ્યે કર્યા છે. તેમને સંગીત વેચવું નથી. તેઓને સંગીત પ્રત્યે એટલો બધો લગાવ છે કે, તેમણે એક રૃપિયો પણ સંગીત માટે નથી લીધો. આજેપણ તેઓ પોતાના ઘરે વિનામૂલ્યે બધાને સંગીત શીખવાડે છે. પ્રભુભાઇને તબલાવાદન ખૂબ જ ગમે છે. તેમને આગ્રા ઘરાના, દિલ્હી ઘરાના, પંજાબ ઘરાના, કલકતા ઘરાના આવડે છે. આ તમામ તબલા વગાડવાની રીતો છે. તેઓ સમગ્ર ગુજરાત ઉપરાંત બોમ્બેમાં પણ સંગીતના પ્રોગ્રામો કરી ચૂક્યા છે. તેમણે સિતારવાદન, ગીટાર, તાનપુરો, દિલરૃબા, હારમોનિયમ જેવા વાદ્યો વગાડવામાં પણ નિપૂર્ણતા મેળવી છે. પ્રભુભાઇ સંગીત શીખવાડવાની સાથે સાથે સંગીતના સાધનો પણ બનાવે છે. જેમાં સિતાર, તાનપુરો, દિલરૃબા, ગીટાર, ઇલેક્ટ્રીક ગીટાર બનાવે છે. હારમોનિયમ સાગના લાકડામાંથી બનાવવામાં આવે છે. સંતુર અખરોટના લાકડામાંથી બને છે, જે લાકડું ખાસ કાશ્મીરથી મંગાવવું પડે છે. જયારે ગીટાર ઓખના લાકડામાંથી બનાવવામાં આવે છે. સંગીતના મહાન કલાકારો સાથે પ્રભુભાઇ સંગીતના કાર્યક્રમો આપી ચૂક્યા છે. તેઓ પંડિત રવિશંકર મહારાજ સાથે કામ કરી ચૂક્યા છે. તે સિવાય બોમ્બેના મહાન સંગીતકાર નિખિલ ઘોષ, સુરતના સંતૂરવાદક ભૂપેન્દ્ર મોદી અને ખૈય્યામ સાહેબના કાર્યક્રમમાં તેમણે સાથ આપ્યો હતો.


ગુજરાતી શોર્ટહેન્ડ લિપીની રચના સુરતના એક પારસીએ કરી હતી

નૌશીરવાન બાપુજી કરંજીયાએ ઇંગ્લીશ શોર્ટહેન્ડમાં લંડનની ઇન્સીટીટયુટમાંથી મેડલ મેળવ્યા બાદ માતૃભાષાનું શોર્ટહેન્ડ બનાવ્યું

Nausirvan Bapuji Karanjiya

Nausirvan Bapuji Karanjiya

સુરત:  હાલમાં નવી જનરેશન ખાસ કરીને ઇંગ્લીશ ભાષા શબ્દો શોર્ટમાં લખતી થઇ ગઇ છે. સોશિયલ મીડિયા તેમજ પર્સનલ મેસેજ ચેટમાં આ ટુંકા શબ્દોવાળી ભાષાનો ઉપયોગ થાય છે આ ભાષા અનઓફિશીયલી ‘નેટ લેંગ્વેજ’ તરીકે જાણીતી છે પણ સીધી સરળ ભાષાનું શોર્ટહેન્ડ નજર સામે હોય તો કરોળીયાનું જાળું વિખેરાઇ ગયેલું પડયું હોય તેમ લાગે છે  જ્યારે ઇન્ટરનેટ નહોતું, ટેકનોલોજીનો વિકાસ થયો નહોતો ત્યારે શોર્ટહેન્ડની ડિમાન્ડ હતી અને ગુજરાતી શોર્ટહેન્ડની રચના તો સુરતના એક પારસીએ કરી હતી. નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ, સોનિયા ગાંધી કે અન્ય રાજનેતા અથવા ધર્મગુરુઓના વ્યાખ્યાનોના શબ્દ – શબ્દ વાક્ય રચનાની ભૂલ વિના વર્તમાન પત્રો કે સામાયિકોમાં આપણે વાંચી શકીએ છીએ. જેનું કારણ ટેકનોલોજી છે. પ્રવચનના રેકોર્ડિંગ બાદ આખું પ્રવચન સાંભળી કે વાંચી શકાય છે. પરંતુ આજથી ત્રણ ચાર દાયકા અગાઉ જ્યારે રેકોર્ડીંગની સુવિધા ન હતી ત્યારે પણ રાજનેતાઓના પ્રવચનોનો સમગ્ર ચિતાર વર્તમાનપત્રોમાં અહેવાલરૃપે જોવા મળતો. જે માટે ખાસ બનાવાયેલી લિપીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તે લિપી એટલે  શોર્ટહેન્ડ લિપી તેમાંયે ગુજરાતી શોર્ટહેન્ડનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. આ લિપીની રચના કરનાર સુરતના રહીશ હતા. વર્ણાક્ષરોને રેખા ચિહ્નો દ્વારા તૈયાર કરવામાં આવેલી લિપીને શોર્ટહેન્ડ એટલે કે લઘુલિપી કહેવામાં આવે છે. સૌપ્રથમ ગુજરાતી શોર્ટહેેન્ડની રચના નૌશીરવાન બાપુજી કરંજીયાએ કરી હતી. તેમનો જન્મ ૧૮ – ૯ – ૧૯૧૨ના રોજ વલસાડમાં એક ગરીબ પરંતુ ઉમદા અને ખાનદાન દસ્તૂરજીને ત્યાં થયો હતો. તેમના પિતા બાપુજી કરંજીયા ખંભાતની અગિયારીના વડા ધર્મગુરુ હતા. તેઓ પાંચ ભાઇઓ હતા. ખંભાતમાં ધોરણ ૪ પછીનું શિક્ષણ ઉપલબ્ધ ન હોવાથી ઉચ્ચ શિક્ષણ માટે નૌશીરભાઇ સુરત આવીને વસ્યા અને ઇ.સ. ૧૯૨૧માં ઓર્ફનેજ (અનાથાલય)માં દાખલ થયા. નૌશીરભાઇએ તેમના ગુરુ સાવકશા બહેરામજી અમરોલીયા પાસેથી શોર્ટહેન્ડની શ્રેષ્ઠ તાલીમ મેળવી હતી. શોર્ટહેન્ડ શિખવાની તેમની ધગશ એટલી બધી હતી કે, મોડીરાત સુધી કેરોસીનના દિવાના અજવાળામાં ભોજનાલયના ટેબલ પર બેસીને તેઓ અંગ્રેજી શોર્ટહેન્ડ લખતા હતા. ઇ.સ. ૧૯૩૧માં તેમણે અંગ્રેજી શોર્ટહેન્ડ પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું હતું અને લંડનની પીટ્સમેન ઇન્સ્ટીટયુટ તરફથી શોર્ટહેન્ડના વિષય માટે તેમને તામ્રચંદ્રકો (બ્રોન્ઝ મેડલ) પ્રાપ્ત એનાયત થયા હતા. આઠ વર્ષ ઓર્ફનેજમાં રહીને શોર્ટહેન્ડ ટાઇપ રાઇટીંગ અને ટીચર્સ ડિપ્લોમાનો અભ્યાસ કરીને ૧૮ વર્ષની વયે તેમાં ખંભાત ગયા અને ત્યારબાદ ફરી ૧૯૪૦માં સુરત આવ્યા અને સુરત આવ્યા બાદ તેમણે ગુજરાતી શોર્ટહેન્ડના મુળાક્ષરો લખવાની શરૃઆત કરી હતી. સદ્ગત નૌશીરવાન કરરંજીયાના પુત્ર રોહિતભાઇ કહે છે કે, ”મારા પિતાજીએ સુરત આવ્યા પછી ગુજરાતી શોર્ટહેન્ડના સર્જન માટે ગુજરાતી ભાષાના વ્યાકરણના નિયમોનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી તેના પર પ્રભુત્વ મેળવ્યું હતું. ૨૦મી જુને ૧૯૬૧ના દિવસે તેમણે ગુજરાતી શોર્ટહેન્ડ લખવાની શરૃઆત કરી હતી. જેમાં અમારા પરિવારના તમામ સભ્યોએ સહકાર આપ્યો હતો. મે તેમના બ્લોક માટેની ડિઝાઇન તૈયાર કરી અને ત્યારબાદ પુસ્તક તૈયાર થયું અને સરકારે ગુજરાતી લઘુલીપીને માન્યતા આપી હતી. જાતે આ લિપીની કરી હોવા છતાં આ લિપીને ”નૌશિરવાન લઘુલિપી” અથવા ”કરંજીયા લઘુલિપી” એવું નામ આપી શકાયું હોત. પણ પ્રભુની મહેરબાનીથી આ ભગીરથ કાર્ય પાર પડયું હોવાથી તેને ”મહેર લઘુલિપી” નામ આપવામાં આવ્યું અને આ રીતે ગુજરાતી શોર્ટહેન્ડની શરૃઆત થઇ હતી.


એક જ છત નીચે રહેતા સાવલિયા પરીવારમાંથી આપણે સહુએ શીખ લેવાની જરૂર છે..

Joint Family - Surat

Joint Family – Surat

સુરતના વરાછા વિસ્તારમાં હિરાબાગમાં ત્રણ માળનો હરિદર્શન નામનો એક બંગલો આવ્યો છે. અહીં સુરતનું સૌથી મોટું પરિવાર સાવલિયા પરિવાર રહે છે. તેંત્રીસ સભ્યોનો આ પરિવાર સાથે રહે છે અને સવારે અને સાંજે બે ટાઇમ સાથે જ જમે છે. જેના અન્ન ભેગા એનાં મન ભેગા સાવલિયા પરિવારના તેંત્રીસ સભ્યો જાણે આ કહેવતને જીવી રહ્યા છે.

છેલ્લા ૪૭ વર્ષથી આ ઘરના તમામ સભ્યો સાથે જ રહે છે અને મજાની વાત એ છે કે, ૪૭ વર્ષમાં આ બંગલાને ક્યારેય તાળું મારવામાં નથી આવ્યું. જેમ દરેક ઘરને એક અભરાઇ હોય છે, જેમાં નકામી ચીજ વસ્તુઓને મૂકી રાખવામાં આવે છે એમ આ પરીવારે આવી અભરાઇ પોતાના મનમાં બનાવી છે જેમાં નકામી વાતોને મૂકી દે છે અને સમયાંતરે એને ખાલી પણ કરી નાખે છે. આ કારણે કોઇપણ જાતના રાગ દ્વેશ વિના સાથે રહેવાનું સહેલું થઇ જાય છે. તેંત્રીસ જણાનું કામકાજ સંભાળવાનું હોય તો ભૂલો તો થાય પણ આવી ભૂલોને માટે ક્યારેય કોઇને સંભળાવવામાં નથી આવતું. જેની ભૂલ હોય એણે ભૂલ સ્વીકારી લેવાની. ઘરના વડીલોને પણ આ જ નિયમ લાગુ પડે છે. વડીલો પોતાની ભૂલનો એકરાર જાહેરમાં જ કરે જ છે. એમણે બનાવેલા મજાના દરેક નીયમો નું બધા પાલન કરે છે. આપણે સહુએ આ પરીવાર માંથી શીખ લેવાની જરૂર છે..


સુરતમાં કિન્નરો પારીવારિક ઝઘડાઓમાં ન્યાય અપાવે છે

third gender

third gender

સુરત શહેરમાં પારીવારિક ઝઘડાઓમાં સમાધાન કરાવીને પરીવારને તૂટતો બચાવા માટે કિન્નર સમાજ આગળ આવ્યો છે. તેમણે પોતાના જ મોબાઈલ નંબર પર હેલ્પલાઈન જેવી સેવા શરૂ કરીને અબળાને રક્ષણ આપવાનું બીડુ ઝડપ્યું છે. એક વર્ષથી શરૂ કરેલી આ સેવામાં તેમણે ઘણા પરીવારોને વિખૂટા પડતા અટકાવ્યા છે અને મહિલાઓને ન્યાય અપાવ્યો છે.

કિન્નરોએ શરૂ કરેલી હેલ્પલાઈનમાં શહેરની એક સેવાભાવી સંસ્થા લોક સમસ્યા નિદાન કેન્દ્ર પણ પોતાનુ પુરૂ યોગદાન આપી રહી છે. સુરત શહેરના સહારા દરવાજા વિસ્તારમાં આવેલા સાકાર કોમ્પ્લેક્ષમાં લોક સમસ્યા નિદાન કેન્દ્રની ઓફિસમાં સુરત શહેરનાં કિન્નર સમાજનાં ૬૦ જેટલા સભ્યોએ મહિલાઓ માટે એક હેલ્પલાઈન શરૂ કરી છે. આ કિન્નર સમાજનાં પ્રમુખ શ્વેતા કુંવરનાં મોબાઈલ નંબર ૭૩૫૯૦ ૩૭૩૬૯ –  ૯૮૭૯૪ ૪૦૯૧૯ છે. જેના ઉપર હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ નંબર પર કોઈપણ મહિલા તેની સાથે થઈ રહેલા અન્યાય વિશે રજુઆત કરીને મદદ માંગી શકે છે. કોઈપણ મહિલાનો કોલ આવે પછી કિન્નરો ભેગા મળીને તે મહિલાને મળે છે અને તેને થઈ રહેલી તકલીફોનું નિરાકરણ લાવવા કોશિષ કરે છે. જો સમસ્યાનો હલ નહિ આવે તો કાનૂની સલાહ પ્રમાણે મહિલાને ન્યાય અપાવવા કોશિષ કરે છે.

સુરતનાં કિન્નર સમાજનાં સભ્યોમાં થોડા વર્ષ પહેલા વિસ્તાર માટે ઝઘડો થયો હતો. શહેરનાં અમુક વિસ્તારમાં દાપુ ઉઘરાવવાનાં મુદ્દે કિન્નર સમાજનાં બે ભાગ પડી ગયા હતા. આ ઝઘડામાં શ્વેતા કુંવર અને દીપા કુંવર નામનાં બે કિન્નરોએ ઘણુ બધુ સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યારે કિન્નર સમાજનાં આ ઝઘડામાં વચ્ચે પડીને તેમની સમાધાન કરાવવા માટે કોઈ પણ આગળ આવ્યુ ન હતુ. તેમની વચ્ચે ઉભી થયેલી તકરારનુ નિરાકરણ લાવવા માટે શહેરમાંથી કોઈએ પણ તૈયારી બતાવી ન હતી. આથી કિન્નર સમાજનાં આજે પણ બે ભાગ પડેલા જોવા મળે છે. બસ આ ઝઘડામાંથી શ્વેતા કુંવરે પ્રેરણા લઈને તેમણે વિચાર્યુ કે જો કિન્નર સમાજમાં કોઈ સમધાન કરાવનાર નથી તો સમાજની મહિલાઓને શુ સ્થિતિ હશે..?? આથી સુરત શહેર અને સમાજમાં મહિલાઓની વ્હારે આવવાનુ તેમણે નક્કી કર્યુ અને પોતાના જ મોબાઈલ નંબર પરથી હેલ્પલાઈન શરૂ કરી દીધી. હેલ્પલાઈનનાં પ્રચાર માટે તેમણે પેમ્પલેટ છપાવીને શહેરનાં ખૂણે ખૂણામાં પહોંચાડ્યા છે. ઉપરાંત સમાજની તમામ મહિલાઓ સુધી તેમની હેલ્પલાઈનનો નંબર પહોંચે તે માટે તેઓ જ્યારે પણ પોતાના વિસ્તારોમાં દાપુ લેવા જાય છે ત્યારે પોતાની સેવાકિય પ્રવૃતિની પણ વાતે કરીને હેલ્પલાઈનનો પ્રચાર કરે છે. કિન્નર સમાજની આ સેવાકિય પ્રવૃતિ ખરેખર પ્રસંશનીય છે.


વિશ્વના શ્રેષ્ઠતમ સર્જકોના ૧૦૦૦ દુર્લભ પુસ્તકો વિના મૂલ્યે વાંચવા મળશે

પુસ્તકો આંગળીનાં ટેરવે નહી પણ હવે આંખના પલકારે વંચાશે. પ્રિય પુસ્તકો વાંચવા માટે લાઇબ્રેરી સુધી ધક્કા ખાવાની કે રીન્યુ કરવાની અથવા તો લેઇટ ભરવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે. કારણ કે હવે યુગ છે ઇ-બૂકનો સુરતમાં  આ ઇ-લાઇબ્રેરીમાં વિશ્વનાં મહાન સર્જકો દ્વારા લખાયેલા ૭૦ થી ૨૦૦ વર્ષ જુના દુર્લભ પૂસ્તકો વિના મૂલ્યો વાંચવા મળશે.

આ  ઇ-લાઇબ્રેરીનો વિચાર કરનાર નરેશ કાપડિયાએ કહ્યુ કે આજની યુવાપેઢી જેને આ દુર્લભ પુસ્તકો કદાચ હાર્ડકોપી રૃપે નસીબ થાય તેમ નથી. તેમના સુધી આ જ્ઞાાનખજાનો પહોંચાડવામાં એકમાત્ર આશય સાથે આ  ઇ-લાઇબ્રેરી શરૃ કરાઇ છે. પ્રાર્થનાસંઘ ભદ્રાશ્રમ લાઇબ્રેરી સાથે ઇ-લાઇબ્રેરી સંયુક્ત રીતે જોડાશે. આ લાઇબ્રેરીમાં એરીસ્ટોટલ, પ્લેટો, શેક્સપીયર, જ્યોર્જ બર્નાડ શો, માર્ક ટવેઇન, ટીજી વુડ હાઉસ, ટોલ્સટોય, હેનરીક ઇબસન, એમર્સન, શૈલી, કીટચ, રવિન્દ્રનાથ ટેગોર, ગાંધીજી તથા ભારતના રામાયણ અને મહાભારત પણ મળશે. આ એવા પુસ્તકો છે જેમાંથી ૮૦% થી વધારે બૂક ટેક્સબૂક બની છે. જેને વાંચીને, ભણીને લોકો મોટા થયા છે. જ્ઞાનસભર બન્યા છે.

આ પુસ્તકો અને સર્જકોની પ્રેરણાથી નવુ લખવા પ્રેરાઇ છે. ઇ-લાઇબ્રેરીના પુસ્તકોમાના કેટલાક પુસ્તકો હાર્ડ કોપીમાં મળવા શક્ય નથી તેવા પણ છે. યુવાપેઢીને તેમની વિચારધારાને ધ્યાનમાં રાખીને આ પુસ્તકનું પરબ બાંધવામાં આવ્યુ છે. જેનો દરેક વ્યકિત નિઃશુલ્ક લાભ લઇ શકશે. ૧૮ મી અને ૧૯ મી સદીના પુસ્તકો અહીથી પ્રાપ્ત થશે. હાલ ઇ બૂકનો જમાનો છે બધુ જ નેટ દ્વારા થાય છે. ત્યારે ઇ-લાઇબ્રેરીથી ફાયદોએ થશે કે કાગળ બચશે. આ પુસ્તકોને વિદેશથી લાવવા માટેનો ખર્ચ પણ બચશે. ગમે ત્યારે વાંચો અને ન ગમે તો એક ક્લીક કરો એટલે ડિલિટ અને મોટાભાગના પુસ્તકો ઓછી સ્પેસના છે એટલે સરળતાથી ડાઉનલોડ કરી શકાશે. વળી કોપી રાઇટ ફ્રી છે તેથી કાનુની ચિંતા પણ નથી. મોટી બેગમાં ૧૦૦૦ પુસ્તકો ભરવાની જરૃર નથી. સીડી કે પેન ડ્રાઇવ અથવા મોબાઇલમાં પણ આ જ્ઞાન ખજાનો તમે રાખી શકો છો.  સુરતની ૨૦૦ જેટલી શૈક્ષણિક સંસ્થા અને લાઇબ્રેરીમાં આ ૧૦૦૦ પુસ્તકો ભેટ આપવામાં આવશે તથા તેનો પ્રચાર થાય તેવા પ્રયાસો કરાશે.

આ રીતે મેળવી શકશો પુસ્તક


prarthnasangh.elib@gmail.com એડ્રેસ પર સાદો મેઇલ મોકલો
– તમારી પાસે ૧૦૦૦ બૂકનું લીસ્ટ આપશે.
– બૂકનું સિલેકશન કરી ફરી એજ એડ્રેસ પર મેઇલ કરો.
– ૪૮ કલાકમાં પુસ્તક તમારી પાસે હશે