ATUL N. CHOTAI

a writer – since 2014


પાટડીના મહેન્દ્રભાઇ છેલ્લા ૧૫ વર્ષથી બ્લેક બોર્ડ પર સુવિચારો લખે છે

mahendrasinh zhala

mahendrasinh zhala

આજકાલ વોટ્સઅપ અને ફેસબુકના જમાનામાં સુવિચારો અને કોટેશનનું ફાસ્ટ ફોરવર્ડિગ વધી રહયું છે,પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં રહેતા વેપારી મહેન્દ્રસિંહ ઝાલા છેલ્લા ૧૫ વર્ષથી પોતાના દિવસની શરુઆત કાળા પાટિયા પર એક સુવિચાર લખીને કરે છે. તેઓ એક સામાન્ય વેપારી છે. એસએસએસી સુધી અભ્યાસ કરનાર આ માણસે કોઇ ફિલોસોફરો કે વિદ્વાનોના પુસ્તકો પણ વાંચ્યા નથી.તેમ છતાં તેમને જયાંથી પણ સારું વાંચવા મળે કે તેમના મનમાં ઉગી નિકળે તેવી સરસ વાત લખે છે. ખાસ કરીને વાર તહેવાર કે પ્રસંગ હોય ત્યારે તેને અનુરુપ વાકયો શોધીને વિચારીને લખે છે.આ દ્વારા લોકોને શુભેચ્છાઓ અને અભિનંદન પણ આપે છે.સવારે પોતાની દુકાન ખોલે તે પહેલા પાટિયા પર સુવિચાર લખે છે.તેમણે અત્યાર સુધી જેટલા પણ સુવિચારો લખ્યા છે તે તમામનો નોટબુકમાં સંગ્રહ કરી રાખ્યો છે.આ રીતે સુવિચારોની પાંચ જેટલી નોટબુક ભરાઇ ગઇ છે. આજકાલ લોકો ફેસબુક જેવા સોશિયલ માધ્યમો પર લાઇક માટે મથતા રહે છે.જયારે આ માણસ નવા જમાનાથી દૂર રહીને કોઇ તેના લખાણને વખાણે છે કે નહી તેની પરવા કર્યા વિના રોજનો ક્રમ જાળવી રાખે છે. બજારમાં નિકળતા માણસો તેમની દુકાનના પાટિયા પર લખેલા સુવિચાર પર અચૂક નજર ફેરવે છે.અંદાજે એક દિવસમાં ૪૦૦ થી પણ વધુ લોકો ઉભા રહીને સુવિચાર વાંચે છે.ઘણા તો સારા સુવિચારના આધારે એક બીજા સાથે ચર્ચા કરવા લાગે છે.જો કે ખૂબ જ સ્પર્શી જાય તેવું ચોટદાર સુવાકય લખાયું હોય ત્યારે લોકો તેમને અભિનંદન પણ આપે છે. મહેન્દ્રભાઇ આ પ્રવૃતિ કોઇના વખાણ સાંભળવા નહી પરંતુ પોતાના શોખથી કરે છે.સુવિચાર લખવાની પ્રવૃતિની શરુઆત કેવી રીતે થઇ તે અંગે વાત કરતા તેઓ જણાવે છે એક સાર મને વિચાર આવ્યો કે એક સારુ વાકય પણ ઘણી વાર જીવન બદલી નાખતું હોય છે.માણસોનું મગજ નાની નાની વાતમાં ગરમ રહેતું હોય તો તેને સુવિચારોથી જ શાંત કરી શકાય છે. (તસ્વીર – અંબુ પટેલ – ગુજરાત સમાચાર)


પ્રાચીન પાઘડીઓને કળા ને થાનગઢમાં અમિતભાઈ એ જીવંત રાખી છે

Pagri Collection in Thangadh

Pagri Collection in Thangadh

પાઘડીની વાત આવે એટલે રાજાશાહીનો જમાનો યાદ આવે રાજા મહારાજાઓએ પહેરેલી પાઘડીથી વિશેષ રીતે ઓળખાતા હતાં. અને આજે પણ આ લૂપ્ત થતી કલાને સુરેન્દ્રનગર જીલ્લા ના થાન ગામના કારીગરે સાચવી રાખી છે. સૌરાષ્ટ્રભરમાં અને પાંચાળ પ્રદેશમાં ફક્ત એક જ  જગ્યાએ થી પાઘડીઓ બનાવીને મોકલવામાં આવે છે  તે પછી સૌરાષ્ટ્રનાં કોઇપણ ગામ કે શહેર હોય કે કોઇ નેતા કે અભિનેતાના સન્માનમાં થાનથી જ એક જગ્યાએથી પાઘડી બનાવીને મોકલવામાં આવે છે. થાનનાં તરણેતરનાં મેળામાં નેતાઓને પાઘડી પહેરાવતા જોઇને થાનના અમીતભાઈને તૈયાર પાઘડી બનાવવાની પ્રેરણા પ્રાપ્ત થઇ હતી તેમણે સૌ પ્રથમ સાદી પાઘડી બનાવવાની શરૂઆત કરી હતી પછી તેમાં ધીરે ધીરે કલાત્મક રીતે શણગારીને પાઘડીને બજારમાં વહેંચવામાં મૂકવામાં આવી  સારા કપડા અને હેન્ડવર્કનાં બોકાનાવાળી પાઘડીની કિંમત રૂ. 2500 થી માંડીને 5000 સુધીની હોય છે જ્યારે મશીનવર્ક અને એમ્બ્રોડરીવાળી પાઘડીની કીમત 1500 રૂપિયાથી લઇને 2500 સુધીની હોય છે.  આ અંગે અમીતભાઈ એ જણાવ્યું હતું કે કલાનાં વારસાને સાચવવા માટે તેમના પિતા ભાયાભાઈના વારસાને આગળ ધપાવવા આજ પણ તેઓ પાઘડીઓ બનાવી રહ્યાં છે. પાઘડીઓમાં ઝાલાવાડી, કાઠીયાવાડી અને રાજસ્થાની પાઘડીઓની વિશેષ માંગ હોય છે. કચ્છ પ્રદેશમાં વર્ષ દરમિયાન 200 જેટલી પાઘડીઓ. જ્યારે રાજસ્થાનમાં 100 થી વધુ પાઘડીઓનું વેચાણ થાય છે.


પાટડી ના ૧૦૫ વર્ષનાં માજી પરિવારના ગુજરાન માટે શાકની લારી ચલાવે છે

Kanuben Thakor - Patdi

Kanuben Thakor – Patdi

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી ગામમાં જીવનની અનેક તડકી – છાંયડી જોયા બાદ પોતાની બોબડી પુત્રવધુ અને અપંગ પુત્રની ૧૦૫ વર્ષની વૃદ્ધ માતા આજેય શાકભાજીની લારીથી પોતાના ગરીબ પરિવારનું ગુજરાન ચલાવે છે. જીવનમાં આવેલા એક પછી એક દુ:ખનાં પહાડને પાર પાડવા આ વૃદ્ધાએ અનેક માનતાઓ સાથે બહુચરાજી, અંબાજી, રણુંજા અને છેક દ્વારકા સુધીની પગપાળા યાત્રાઓ પણ કરી છે. પાટડી ખાતે આવેલી શાકમાર્કેટની મુલાકાત લો તો તમને યુવાનોને પણ શરમાવે એવા ૧૦૫ વર્ષનાં વૃધ્ધા કનુબેન  ઠાકોર વટથી શાકભાજીનો ધંધો કરતો જોવા મળે છે.  પોતાની આંખોમાં ઝળહળિયા સાથે તેઓ પોતાનું દુઃખ જણાવતા કહે છે કે  હું અને  મારા પતિ ચકાજી સડલીયા (ઠાકોર) દરબારી નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. મારે સંતાનમાં સાત દિકરા અને ૧  દિકરી હતી પરંતુ પતિનાં મોત બાદ કુદરતની ક્રૂર થપાટ સામે મારા ૭ દિકરામાંથી પાંચ દિકરા અકાળે મોતને  ભેટ્યા હતાં મારો મોટો દિકરો જીવો દુદાપર ગામે મજૂરી કામ કરે છે અને એનાથી નાનો દિકરો બળદેવ અપંગ છે. જ્યારે એની પત્ની બોબડી છે અને જીવનમાં આવેલા એક પછી એક દુઃખનાં પહાડ સામે મે અનેક માનતાઓ રાખી હતી અને  સતત ૨૫ વર્ષ સુધી દર પૂનમે પગપાળા બહુચરાજી પણ ગઇ હતી આ સિવાય માનતાઓ પુરી કરવા અંબાજી, રણુંજા અને છેક  દ્વારકા સુધીનાં પગપાળા યાત્રાઓ કરી છે. અને આજની તારીખે પણ હું મારા અપંગ દિકરાને લઈને સવારે નવ થી બપોરનાં એક વાગ્યા સુધી શાકભાજીની લારી પર બેસવા અચૂક જવુ છું. ખરેખર ૧૦૫  વર્ષની વયે પોતાના અપંગ દિકરા અને બોબડી પુત્રવધુ માટે શાકભાજીની લારી દ્વારા પેટીયુ રળતા પાટડી ના ૧૦૫ વર્ષના વૃદ્ધાની જીંદાદિલીને ચાલો તેમને દિલથી સલામ  કરીએ


ધ્રાંગધ્રાના મજૂર યુવાને રક્તદાનમાં સેન્ચુરી મારી

Sargamhai Ravjibhai - Blood Donor - Dhargandhra

Sargamhai Ravjibhai – Blood Donor – Dhargandhra

ધ્રાંગધ્રા :  જીવનમાં મજૂરી કરી પોતાના પરિવારની ગાડી ચલાવનાર ધ્રાંગધ્રાના યુવાને જીવનમાં મજૂરી કામ કરવાની સાથે રકતદાન પણ  કરવાનો સંકલ્પ કર્યો હતો. જેમાં ૧૦૦ વાર રકતદાન કરી અનેક લોકોને નવી જીંદગી બક્ષવામાં ફાળો આપ્યો છે. ત્યારે આ યુવાન રકતદાન સમયે જ્ઞાતિ – જાતિના ભેદભાવ વગર નિ:શ્વાર્થ ભાવે રકતદાન કરવા દોડી જાય છે. ધ્રાંગધ્રા શહેરમાં રહેતો સરગમભાઇ રાવજીભાઇ નામનો યુવાન હાલમાં મજૂરી કામ કરી પરિવારને નીભાવી રહ્યો છે. આ સરગમભાઇ રાવજીભાઇએ 25 વર્ષ પહેલા પ્રેરણાદાયક કામ સંકલ્પ લીધો હતો. જેમાં શહેરમાં અકસ્માતના સમયે કે કોઇ મહિલાને પ્રસૂતીના સમયે કે બિમાર, ગરીબ કે અમીર લોકોને લોહીની જરૂરિયાત પડે તો સરગમ રાવજીભાઇએ પોતાની મજૂરી કામ છોડી હોંશે હોંશે નિ:શ્વાર્થ ભાવે લોહી દેવા દોડી ગયો હતો. આ યુવાન દ્વારા લોહી આપવા માટેનું સત્કાર્ય છેલ્લા 25 વર્ષથી ચાલુ રહ્યુ છે. ત્યારે આ યુવાન દ્વારા ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૫ ના રોજ લોહી આપવાના સત્કાર્યની સેન્ચુરી પૂર્ણ કરી છે. આથી સરગમભાઇ રાવજીભાઇને અનેક સંસ્થાઓ દ્વારા રકતદાન કાર્ય કરવા બદલ સન્માન કરવામાં આવ્યુ છે. આ અંગે સરગમભાઇ રાવજીભાઇએ જણાવ્યુ કે  ભગવાને માનવી રૂપી જીંદગી આપી છે. જયારે માણસ લોકો ઉપયોગી બને તે માટે મારે કંઇ કરવાની ધગશ હતી. તેથી ૨૫ વર્ષથી  નીસ્વાર્થ ભાવે રકતદાન કરૂ છુ જેમાં જ્ઞાતિ – જાતિના ભેદભાવ વગર ધ્રાંગધ્રા શહેર સીવાય સુરેન્દ્રનગર, અમદાવાદ કે કોઇ અન્ય શહેરમાં પણ  કોઇને લોહીની જરૂર પડે અને મારા ગ્રૂપનું લોહી મેચ થતુ હોય તો હું વિના સંકોચે ખુદનું ભાડુ ખર્ચી દર્દીને લોહી દેવા જાઉ છુ. આમ, આ સત્કાર્ય કરવા મને મનની શાંતિ અને માણસે માણસ ઉપયોગી બને તેનો સંતોષ થાય છે.


સહુએ દેશ માટે શક્ય બને તેટલું પોતાનું યોગદાન આપવું જોઈએ – અલખગીરી બાપુ

Alakhgiri Bapu and kishorbhai padhariya - Thangadh

Alakhgiri Bapu and kishorbhai padhariya – Thangadh

આજનો યુવાન એ આપણા દેશની ધરોહર છે અને આપણા દેશની દરેક વ્યક્તિઓએ પોતાના દેશ તથા ધર્મ માટે પોતાનું યથાયોગ્ય યોગદાન આપવું જ જોઈએ. આવી ઉમદા શિખામણ આપનાર સ્વામીશ્રી અલખગીરી મહારાજ સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે આવેલ અલખ ફાઉન્ડેશન નાં ચેરમેન છે તથા તેઓ વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય માર્ગદર્શક મંડળના સદસ્ય પણ છે.  તેઓ હિંદુ ધર્મ જાગરણ પ્રવૃત્તિ તથા સમાજ ઉપયોગી કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહે છે.

અલખગીરી બાપુ નાંધુ પીપળીયા જે રાજકોટ જીલ્લાના લોધિકા તાલુકાનું ગામ છે. ત્યાંના તેઓ વતની છે. છેલ્લા પચીસેક વર્ષથી સુરેન્દ્રનગરનાં લાખામાચી રોડ પર આવેલ શાંત અને કુદરતી વાતાવરણ વચ્ચે અલખમઢી નામના નાના આશ્રમમાં રહે છે અને મૂળ પાલનપુરના શ્રી શ્રવણગીરી મહારાજ તેઓના ગુરુ છે. અલખગીરી બાપુએ ૧૨ જ્યોર્તિલિંગની યાત્રા પગપાળા પણ કરેલ છે. અલખગીરી બાપુ સનાતન ધર્મ પરિષદ જે સંતો દ્વારા ચાલતું સંતોનું જ સંગઠન છે. જેના નેજા હેઠળ મુખ્ય જવાબદારી લઇ વિવિધ સામાજીક કાર્યો કરી રહયા છે

શ્રી અલખગીરી બાપુ વાંચનનાં ઘણા શોખીન છે. સાહિત્યને લગતી ઘણી બાબતો તેની પાસેથી જાણી શકાય છે. તેઓ આ પ્રવૃત્તિ સાથે  અલખ ફાઉન્ડેશનનાં નામે એક સંસ્થા પણ ચલાવે છે. જેના દ્વારા તેઓ લોકજાગૃતિ અને સામાજિક પ્રવૃતિઓ કરે છે. આ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે શ્રી કિશોરભાઈ પઢારિયા જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓની સાથે મુખ્ય કાર્યકર્તા તરીકે શ્રી હિતેશભાઈ દવે, શ્રી ઇન્દ્રદાન ગઢવી, શ્રી મહેન્દ્રભાઈ ગઢવી સહિતના કાર્યકર્તાઓ સતત સાથે રહીને પ્રવૃતિઓ કરે છે.

૬૬ માં પ્રજાસતાક પર્વ નિમિતે શ્રી અલખગીરી બાપુએ રાજકોટના પત્રકાર અને લેખક અતુલભાઈ ચોટાઈ ને એક વિશેષ મુલાકાત આપી હતી અને તમામ પ્રજાજનોને પ્રજાસતાક પર્વની શુભકામનાઓ આપી દેશ માટે પોતાનું યોગદાન આપવા શીખ આપી હતી. આ સમગ્ર મુલાકાત દરમ્યાન આ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ પઢારિયાનો વિશેષ સહયોગ મળ્યો હતો. આ સંસ્થા અંગે વધુ માહિતી માટે નીચેના સરનામે સંપર્ક કરી શકાય છે.

શ્રી કિશોરભાઈ પઢારિયા :  મેનેજીંગ ટ્રસ્ટી – અલખ ફાઉન્ડેશન.
C/o. ફોરસાઈટ, ૪૧ – મનહર કોમ્પ્લેક્ષ, રેલ્વે સ્ટેશન રોડ,
થાનગઢ – ૩૬૩ ૫૩૦. (તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગર)
  મોબાઇલ :  ૯૪૨૭૦ ૪૫૪૪૬


બેટી બચાવવાનો મેસેજ આપવા માટે સુરેન્દ્રનગરના વિદ્યાર્થીની અનોખી પહેલ

Save Girl Message in Egg

Save Girl Message in Egg

સમગ્ર દેશમાં સ્ત્રી અને પુરૂષોના રેશીઓમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. અનેક સ્થળોએ દિકરીઓને ગર્ભ પરીક્ષણ કરી મોતને ઘાટ ઉતારાય છે. જયારે અમુક જગ્યાએ દિકરીઓને જન્મતા વેંત જ દૂધ પીતી કરી મારી નાંખવામાં આવે છે. ત્યારે સમગ્ર દેશમાં રાજય સરકાર બેટી બચાવોનો નારો લગાવી દિકરીઓનું મહત્વ સમજાવી દિકરીઓને દિકરા સમોવડી ગણાવે છે. આવા સમયે સુરેન્દ્રનગરના ૮૦ ફૂટ રોડ પર રહેતા અને રાણપુરની કોલેજમાં ડિપ્લોમા મિકેનીકલનો અભ્યાસ કરતા ૨૦ વર્ષીય અમીત ચીમનલાલ મકવાણાએ બેટી બચાવો ઝૂંબેશને અનોખી રીતે શરૂ કરી છે.

માઇક્રો આર્ટનો શોખ ધરાવતા અમીતે બે ઇંડા પર ૫૦૦ થી વધુ વાર બોલપેનથી બેટી બચાવો લખી દિકરીઓને દિકરા સમોવડી ન ગણતા સમાજને નવો રાહ ચીંધ્યો છે. આ અંગે અમીત ચીમનલાલ મકવાણાએ જણાવ્યુ કે મને બાળપણથી જ નાની વસ્તુઓ બનાવવાનો શોખ છે. અગાઉ મેં નાના ગ્રીટીંગ કાર્ડ બનાવ્યા છે. આ ઉપરાંત સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહન આપવા ૨ સે.મી. ના સાવરણા બનાવ્યા છે. ત્યારે ૧ ઇંડા પર બોલપેનથી બેટી બચાવો લખી એવા ૧ ઇંડા પર ૫૦૦ થી વધુ વાર બેટી બચાવો લખ્યુ છે. આ અંગે મેં ગીનીઝ બુક અને લીમ્કા બુકમાં પણ વાત કરી છે. માઇક્રો આર્ટ દ્વારા સોશ્યલ મેસેજથી લોકોને જાગૃત કરવાનો મારો પહેલો ધ્યેય આ આર્ટમાં સમાયેલો છે.


ગુજરાતી કલાજગતના દિગ્ગજ હાસ્ય કલાકાર શ્રી શાહબુદીનભાઈ રાઠોડ સાથે ખાસ મુલાકાત

Meet Atul Chotai With Shahbudin Rathod

Meet Atul Chotai With Shahbudin Rathod

શ્રી શાહબુદીન રાઠોડ આ આઠ અક્ષરોનું નામ સાંભળતા જ સૌના ચહેરા પર હાસ્ય ફરી વળે. કેમ કે સમગ્ર વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જે શાહબુદીનભાઈ રાઠોડને ઓળખતો નહીં હોય પોતાની જીંદગી દરમ્યાન તેમણે સગવડો અને તકલીફોમાં પણ સંઘર્ષ કરી હાસ્યની ટોચ ઉપર છેલ્લા તેતાલીસ વર્ષથી પરિવાર સાથે બેસીને માણી શકાય તેવું શુદ્ધ,સાત્વિક અને સુરુચીભર નિર્દોષ હાસ્ય આપનાર શાહબુદીનભાઈ રાઠોડ સાથે રાજકોટના પત્રકાર અને લેખક અતુલભાઈ ચોટાઈ ની વર્ષ ૨૦૧૨ ના દીપાવલીના પર્વ નિમિત્તે એક ખાસ મુલાકાત ગોઠવાઈ હતી.

તારીખ ૦૯-૧૨-૧૯૩૭ ને ગુરુવારના રોજ સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે તેઓનો જન્મ થયો અને માઘ્યમિક શિક્ષણ તેઓએ થાનગઢમાં જ લીધું. અને જે શાળામાં ભણ્યા ત્યાં જ શિક્ષક થયા, ત્યાં જ પ્રિન્સીપાલ થયા અને ત્યાંજ નિવૃત થયા. તેઓ જે સ્કુલમાં આચાર્ય હતાં ત્યારે સ્કુલમાં ૧૦૦૦૦ થી વધુ પુસ્તકો હતા. તેના વાંચનના શોખના કારણે તેઓ વાંચતા વાંચતા તેઓ લેખક પણ થઇ ગયા. તેઓએ અત્યાર સુધીમાં દસેક જેટલા પુસ્તકો પણ લખ્યા છે. આ બધી વ્યસ્તતા વચ્ચે તેઓ આજની તારીખમાં પણ રામનવમીના દિવસે તેના દરેક મિત્રો અને સંબંધીઓને નિયમિત મળે છે. આ ક્રમ ૧૯૫૪થી ચાલ્યો આવે છે. તેઓએ  ૩૫ વર્ષ નવરાત્રીનું સુંદર સંચાલન કરેલ છે  તથા ૩૦ વર્ષથી વોલીબોલ ટુર્નામેન્ટ પણ યોજે છે અને થાનગઢ માં યોજાતા ગણપતી મહોત્સવ માં સુંદર સહયોગ પણ આપે છે.

શાહબુદીનભાઈ રાઠોડ ગામના દરેક પ્રસંગે પોતે હાજરી આપતાં અને તેની રમુજ વૃત્તિના લીધે લોકો તેને બોલવાનું કહેતા આ રીતે નાના નાના કાર્યક્રમો આપતાં આપતાં તેઓ આજે વિશ્વ કક્ષાના હાસ્ય કલાકાર થઇ ગયા છે  તેમનો સૌ પ્રથમ કાર્યક્રમ ૧૪-૧૧- ૧૯૬૯ ના રોજ લીમડી ખાતે યોજાયો હતો અને તેની જિંદગીનો ૧૭૫ રૂપીયા નો પ્રથમ પુરસ્કાર તેમને ત્યારે મળ્યો હતો. તેઓએ જણાવેલ કે હાસ્ય એટલે કરુણતાની ચરમસીમા ગણાય અને શાહબુદીનભાઈ ભવિષ્યમાં પણ જીવનના સાદા સત્યને હળવાશ તરીકે રજુ કરવાની ઈચ્છા ધરાવે છે.

તેઓની આ હાસ્ય યાત્રા દરમ્યાન તેમને સબીરાબેન જેવા ધર્મપત્નિ અને સ્વ.રમેશ મહેતા જેવા ઉમદા મિત્રોનો હમેશા સાથ મળ્યો છે. શાહબુદીનભાઈ રાઠોડના દામ્પત્ય જીવનમાં તેઓને બે પુત્રો અને બે પુત્રીઓ છે. તેઓ ફુરસદના સમયમાં ચિત્રોનો શોખ હોવાથી તે સારા ચિત્રો પણ દોરે છે. એ જમાનામાં ગીત  સંગીત અને લોકસાહિત્યનું મહત્વ હાસ્યરસ જેટલુ નહોતું. એ સમયે શાહબુદીનભાઈ રાઠોડે ડાયરાઓમાં પડેલી હાસ્યની ખાલી જગ્યા પોતાના  કાર્યક્રમોથી ભરી દીધી અને ત્યાર પછી લોકો મનભરીને માણી શકે તેવા હાસ્ય દરબારોનો સિલસિલો ચાલુ થયો અને હાસ્ય કલાકારોને લોકો માનથી જોતા થયા.

હાસ્ય જગતની આ સફળતા પાછળ શાહબુદીનભાઈ રાઠોડ જેવા હાસ્યના ભીષ્મ પિતામહનો અથાગ પરિશ્રમ પડેલો છે. આજે શાહબુદીનભાઈ રાઠોડ નામથી જ દેશ વિદેશના શો હાઉસફૂલ થઈ જાય છે અને તેની રજુઆતની વિશિષ્ટ્તાથી તેઓ આબાલ વૃદ્ધ, ગરીબ, અમિર, શિક્ષિત કે અભણ તમામ પ્રકાર વર્ગને સમાન અસરથી રાજી કરતા હોવાથી આજે ભારતનાં વિશ્વ વંદનીય સંતો, મોટા ગજાના નેતાઓ, ઉદ્યોગપતિઓથી લઈ અધિકારીઓ અને નાનામાં નાના માણસ તેને આદરથી સાંભળે છે જે તેના વક્તવ્યનો જાદુ છે. તેઓની ૪૩ વર્ષની આ હાસ્યયાત્રા દરમ્યાન તેમની ૨૦૦૬માં વિશ્વ ગુજરાતી કોન્ફરન્સમાં પસંદગી પણ થઈ હતી અને નાના મોટા ઘણા એવોર્ડ અને સન્માન પણ મેળવેલ છે. પણ આ બધાથી સહુથી મોટી બાબત તેમને મળી છે જે છે તેનો મોટો ચાહકવર્ગ….

શ્રી શાહબુદીનભાઈ  રાઠોડે તેના વાંચનના ઉત્તમ જ્ઞાનને વાંચવા સાથે સમજ્યું પણ છે. તેથી તેના કાર્યકર્મોમાં તેઓ ક્યારેય મર્યાદા ઓળંગતા નથી જે  તેનું જમાપાસું છે. તેમના પ્રત્યે પ્રસંગોમાં હાસ્યની સાથે જિંદગીની ઘણી બાબતો શીખવા અને સમજવા પણ મળે છે. જેમને સંભાળવા એ તો મોટી તક ગણાય જ, પણ તેમને મળવું તેનાથી પણ વઘુ મોટી તક ગણાય જે  અતુલભાઈ ચોટાઈને મળી હતી.

દિપાવલી તેમજ નૂતન વર્ષના પર્વ નિમિત્તે શ્રી શાહ્બુદીનભાઈ રાઠોડ સાથે અમારા મિડિયા પરીવારને પણ આ ખાસ મુલાકાતમાં હાજર રહેવાનો અનેરો અવસર મળ્યો હતો. આ મુલાકાત દરમીયાન શાહ્બુદીનભાઈએ અમારા સહુ સાથે ખૂબ જ નિખાલસતા પૂર્વક વાતો કરી હતી અને અમારી પ્રગતિ માટે આશીર્વાદ પણ આપ્યા હતા. શાહ્બુદીનભાઈ રાઠોડ સાથેની આ મુલાકાતમાં શ્રી અલખગીરીબાપુ (થાનગઢ) તથા શ્રી કિશોરભાઈ પઢારિયા (અલખ ફાઉન્ડેશન-થાનગઢ) અતુલભાઈ ચોટાઈની સાથે રાજકોટ ના જાણીતાં વેબ ડીઝાઈનર શ્રી અલ્પેશભાઈ સાપરિયા અને પ્રેસ ફોટોગ્રાફર શ્રી વિપુલભાઇ પડાલીયા હાજર રહ્યા હતા. શ્રી શાહ્બુદીનભાઈ રાઠોડનો શ્રી શાહ્બુદીનભાઈ રાઠોડ, “આશીયાના”, મંગલદીપ સોસાયટી, થાનગઢ-૩૬૩ ૫૩૦ (જી – સુરેન્દ્રનગર) ના સરનામે પત્ર વ્યવહારથી સંપર્ક કરી શકાય છે.


સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સતત સંસ્કૃત બોલતો વઢવાણનો પરિવાર

Satishbhai Gajjar and family

Satishbhai Gajjar and family

ભાષાને કોઇ સીમાડા હોતા નથી એ પંકિત મુજબ વિશ્વની સૌથી પ્રાચીન ભાષા સંસ્કૃત ભાષાને જનમાનસમાં પુન:સ્થાપિત કરવા માટે ઝાલાવાડમાં એક પરિવાર સંસ્કૃત ભાષાને માતૃભાષા બનાવવાનો ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે. સુરેન્દ્રનગરમાં રહેતા આ પરિવારનાં ઘરમાં સૂર્યોદયથી માંડી સૂર્યાસ્ત સુધી તમામ ક્રિયાઓ સંસ્કૃતમાં વાતચીત થાય છે. આથી ગુજરાતમાં સૌપ્રથમ સંસ્કૃતને માતૃભાષા બનાવનાર દશ વર્ષીય દેવકી એન પાંચ વર્ષનો પુત્ર વિદિત બન્યા છે. દેવોની ભાષા ગણાતી સંસ્કૃત ભાષા કલીયુગમાં લુપ્ત થઇ રહી છે. ત્યારે સંસ્કૃત ભાષાને જનમાનસમાં પુન: સ્થાપિત કરવા માટે સુરેન્દ્રનગરમાં રહેતા એક પરિવારે સંસ્કૃત ભાષાને માતૃભાષા બનાવવા માટે સફળ પ્રયાસ કર્યો છે.

સુરેન્દ્રનગર શહેરના માનવ મંદિર રોડ પર રહેતા સતિષભાઈ ગજ્જર, આર.એસ.એસ. સંચાલિત સંસ્કૃત ભારતીની શિબિરમાં ભાગ લીધો હતો. આથી સંસ્કૃત ભાષામાં રસ, રૂચિ વધતા સંસ્કૃત ભાષના પ્રચાર અને પ્રસારનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન તેઓનાં લગ્ન થતા પતિ સતીષભાઈ ગજ્જર અને ગાયત્રીબેને ઘરમાં સંસ્કૃતમાં જ બોલવાના સંકલ્પ કર્યો હતો. આ દરમિયાન પુત્રી દેવકીનો જન્મ થયો હતો. માતા-પિતા સંસ્કૃતમાં જ બોલચાલને કારણે દેવકીની માતૃભાષા સંસ્કૃત બની હતી.ત્યારબાદ વિદિત નામનો પુત્ર થતા માતા-પિતા અને બહેનને સંસ્કૃતમાં વાતચીત કરતા જોઇને વિદિત પણ સંસ્કૃત ભાષા ઝડપથી શીખ્યો હતો.

સુરેન્દ્રનગર રહેતા આ અનોખા પરિવારનાં ઘરમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી તમામ ક્રિયાઓ અને વાતચીત સંસ્કૃતમાં જ થાય છે. સંસ્કૃત ભાષાને વ્યવહારની ભાષા બનાવનાર સંસ્કૃત પરિવારમાં પાંચ વર્ષનો વિદિત પણ સંસ્કૃત ફટાફટ બોલે છે. ધો. ૧ માં પ્રવેશની તૈયારી કરતો વિદિત સંસ્કૃતમાં વાર્તા કહે છે. આ ઉપરાંત શ્લોક અને પ્રશ્નોતરી સંસ્કૃતમાં બોલે છે. સુરેન્દ્રનગર શહેરમાં રહેતા સતિષભાઇ ગજ્જર અને તેમની પત્ની ગાયત્રીબેન સંસ્કૃત ભાષા જ બોલતા હોવાથી ૧૦ વર્ષની પુત્રી દેવકીની માતૃભાષા ગુજરાતી નહીં પણ સંસ્કૃત છે. આ અંગે ગુજરાત પ્રદેશ સંસ્કૃત ભારતીના મંત્રી જયશંકરભાઈ રાવલે જણાવ્યું કે, દેવકીએ ગુજરાતની સૌપ્રથમ માતૃભાષા સંસ્કૃત બોલતી દીકરી છે. ત્યારે સંસ્કૃત બોલતા આ પરિવારનું રાજય સરકારે તાજેતરમાં સન્માન કર્યુ છે.