ATUL N. CHOTAI

a writer – since 2014


જામનગરમાં આંગણવાડી ઓન વ્હીલ દ્વારા બાળકો શિક્ષણ મેળવે છે..

teaching jamngar

teaching jamngar

ભારતનું ભવિષ્ય ભારતના બાળકોના હાથમાં છે. આજના બાળકો આવતીકાલના યુવા છે અને ભારતનું યુવાધન તેના વિકાસ રથનું પૈડું છે. ત્યારે ભારતના છેવાડાના વિસ્તારનું બાળક પણ તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણની સુવિધાઓ, આરોગ્યની સુવિધાઓ મેળવતું થાય અને બાળકને સંપૂર્ણ સર્વાંગી વિકાસ માટે દરેક સવલતો મળી રહે તે માટે ગુજરાત સરકાર સતત નવા નિર્ણયો લઇ યોજના, નવા પ્રોજેકટ દ્વારા સતત કાર્યરત રહી છે.

ગુજરાતના જામનગર જિલ્લામાં મોટી ખાવડી અને જોગવડ વિસ્તારમાં ગ્રામવિસ્તારથી દુર સતીવાડી અને રાજદૂતનગર જેવા સીમ વિસ્તારોમાં ખેત મજુરો, ખાવડીમાં રિલાયન્સ જેવા ઉદ્યોગોમાં કાર્યરત મજુરોના બાળકો પણ આ જ ભારતના ભવિષ્યનો ભાગ છે અને આ ભાગને મજબૂત કરવા માટે ગુજરાત સરકારના જામનગર ખાતેના પંચાયત વિભાગ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે બાળકોને શિક્ષણ પૂરુ પાડવા માટે આંગણવાડી ઓન વ્હીલ મોબાઈલ આંગણવાડીના પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં બંને સ્થળો પરની આંગણવાડીમાં થઈ કુલ ૧૭૬ થી વધુ બાળકો હાલમાં શિક્ષણ મેળવી રહ્યા છે.

આ બાળકોને બન્ને સ્થળ પરની સૂર્યઉર્જાથી ચાલતી આંગણવાડી બસોમાં વીજળી, પંખાની સુવિધાઓ સાથે અભ્યાસ કરાવવામાં આવે છે. મહત્તમ વાલીઓએ બાળકોને ભણાવવામાં આવતું ગીત વ્હીલસઓન ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ સાંભળ્યું જ હશે પરંતુ આ આંગણવાડીના બાળકો તો તે બસમાં જ ખૂબ જ ઉત્સાહથી અભ્યાસ કરે છે.

આ આંગણવાડીઓમાં બાળકોને નવતર અભિગમ સાથે શિક્ષણ અને પૌષ્ટિક નાસ્તો ઉપલબ્ધ કરાવવામાં છે. અહીં અભ્યાસ કરતા દરેક બાળકની શાળા આરોગ્ય ચકાસણી અભિયાન અંતર્ગત આરોગ્ય તપાસ પણ પૂર્ણ થયેલ છે. આંગણવાડીઓમાં કાર્યરત આંગણવાડી કાર્યકરો અને શિક્ષકો બાળકોના ભવિષ્યના નિર્માણમાં માતૃ લાગણી સાથે જોડાઈ સતત સમર્પિત કાર્ય કરી રહ્યા છે.

જ્ઞાન સાથે ગમ્મત અને બાળકોને ગુડ ટચ બેડ ટચ વિશેની સમજણ પણ પૂરી પાડતા આ બહેનોની નિષ્ઠાનો પ્રતિસાદ બાળકોના ઉત્સાહ દ્વારા અહીં જોવા મળે છે. અહીં બાળકોને શાળાએ આવવાની તાલાવેલી છે, નવું શીખવાની ધગશ છે અને તે નવું જાણી વિશ્વને જણાવી પોતાના પરિવર્તિત અસ્તિત્વને દર્શાવવાની ખુશી પણ છે. બાળકોના કલરવથી ગુંજતી આ આંગણવાડી બસો બાળકોના બીજા ઘરથી ઓછી નથી અને આ માટે આ બાળકોના દરેક પરિવારજન સરકારશ્રીનો પાડ માનતા અને સંતોષ વ્યક્ત કરતા થાકતા નથી.. (માહિતી બ્યુરો – જામનગર)


પ્રભાસતિર્થમાં માત્ર ૪ વર્ષનાં હેમાંગ ઠાકરને યજુર્વેદના શુધ્ધમંત્રો કંઠસ્થ છે..

hemang thakar

hemang thakar

પ્રભાસપાટણના સોમનાથ તીર્થક્ષેત્રના મુખ્ય એરિયા ગણાતા રામરાખ ચોક વિસ્તારમાં સમસ્ત બ્રહ્મસમાજની વાડીમાં ભગવાન બાલાજી (શ્રીકૃષ્ણ) તથા હનુમાનજીનું મંદિર છેલ્લા ૧૧૧ વર્ષથી વિદ્યમાન છે. જયા સંત પરંપરા મુજબ નિત્ય સવાર – સાંજ આરતી અને પૂજાઓ થાય છે. સમગ્ર ગુજરાતમાંથી બ્રહ્મસમાજના અનેક પરિવારો આ જગ્યાની મુલાકાતે આવે છે.

સોમનાથ સમસ્ત બ્રહ્મસમાજના વર્તમાન પ્રમુખ હિતેશભાઇ જોષીના સક્રિય પ્રયાસોથી બ્રહ્મસમાજની આ વાડીમાં છેલ્લા ત્રણેક વર્ષથી બ્રાહ્મણોને વેદ અને શાસ્ત્રોકત પુજા વિધિઓ શિખવતી તદન નિઃશુલ્ક સંસ્કૃત પાઠશાળા શરૂ કરવામાં આવી છે. જેમાં બ્રહ્મસમાજના ઘણા વિદ્યાર્થીઓ વડીલો અને બહેનો આ પાઠશાળામાં સંસ્કૃતાભ્યાસ માટે આવે છે. જેમાં ગુજરાત સરકારના એસ.ટી. ખાતાના નિવૃત કર્મચારી અનિલભાઇ ઠાકર તેની દિકરી ઇલાબેન નો માત્ર ૪ વર્ષનો પુત્ર હેમાંગ પણ આવે છે.

જેમાં ભાગ્યેજ જોવા મળે તેવું આશ્ચર્ય એ છે કે આ નાનો બાળક હેમાંગ સ્કુલે પણ જતો નથી, ગુજરાતી ભાષાનો એકડો પણ તે લખી – વાંચી શકતો નથી છતા પાઠશાળાના આચાર્ય શાસ્ત્રીજી ભાસ્કરભાઇ જોષી જયારે વિદ્યાર્થીઓને યજુર્વેદના મંત્રો ઉચ્ચ સ્વરે બોલીને નિત્ય જે પાઠ આપે છે ત્યારે આ નાનો બાળક હેમાંગ બાલ સહજ સ્વભાવ પ્રમાણે રમત કરતો – કરતો તેની માતાના ખોળામાં માંથુ રાખી આડે પડખે સુતો સુતો એક ધ્યાનથી સાંભળે છે અને બીજા દિવસે બધા વિદ્યાર્થીઓ ગુરૂજી પાસે પોતાનો પાઠ રજૂ કરે ત્યારે આ ચાર વર્ષનો બટુક શુધ્ધ અને કંઠસ્થ બોલી પોતાનો પાઠ પણ પ્રસ્તુત કરે છે.

આમાં ધ્યાન ખેંચતી બાબત એ છે કે ગુજરાતી લખતા કે વાંચતા જેને નથી આવડતું એ બાળક લેશ માત્ર અટકયા વિના યજુર્વેદના શુધ્ધ મંત્રો બોલે છે. હૃદયસ્થ કરેલું આ જ્ઞાન ત્યારથી ઉત્તરોત્તર ગુરૂશિષ્ય પરંપરા પધ્ધતિથી શ્રુતિ જ્ઞાન આપવામાં આવતું જેને ભારતીય ઋષિ સંસ્કૃતિમાં શ્રુતિ પરંપરા કહેવામાં આવે છે. આ પાઠશાળાની વિશેષતા એ જોવા મળે છે કે પિતા-પુત્ર, પિતા-પુત્રી-પૌત્ર એક સાથે ત્રણ પેઢી સંસ્કૃતાભ્યાસ માટે આવે છે. માત્ર ચાર વર્ષના આ બટુકને જોતા પૂર્વ કાલિન ઋષિ પરંપરાનું ચોકકસ સ્મરણ થાય છે. વેદમંત્રોની ઋચાઓ બોલતા આ નાના બાળકની વિડીયો કલીપ મેળવવા ઇચ્છતા શિવ ભકતોએ વિવેકભાઇ જોષી મો. ૯૬૮૭૫ ૪૬૦૨૪, પિનાકભાઇ જોષી મો. ૭૯૯૦૪ ૫૩૦૫૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

hemang thakar veraval somnath gir prabhas patan gujarat india bhaskarbhai joshi brahma samaj brhmin temple sanskrit language study studen techer professor free education


જામનગરના દેવાંશુભાઈ દવે દ્વારા તૈયાર કરેલ આ એજ્યુકેશનલ વેબસાઈટ ઉપયોગી છે..

જામનગરના દેવાંશુભાઈ દવે દ્વારા http://www.dkdave.in નામની એક ખુબજ સરસ એજ્યુકેશનલ વેબસાઈટ તૈયાર કરવામાં આવેલી છે. જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે ઘણી ઉપયોગી બને છે અને આ સિવાય પ્રશ્નપત્રો, જનરલ નોલેજ સહીતની ઘણી બધી એજ્યુકેશનલ માહિતીની પીડીએફ ફાઈલ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. તો શિક્ષણક્ષેત્રના દરેક લોકોને આ એજ્યુકેશનલ વેબસાઈટ ઉપયોગી બની શકે છે.

 


વગર શિક્ષણે પણ જિંદગીનું બેલેન્સ જાળવવું જોઈએ…

little girl in rope

little girl in rope

ધોરણ ૧૦ તથા ૧૨ ના જયારે પરિણામો આવે છે ત્યારે નાપાસ થનારા વિદ્યાર્થીઓ નિરાશામાં ગરકાવ થઇ જાય છે. આ તસવીર આવા છાત્રોને પ્રેરણા આપે છે. નટ સમાજની આ પાંચ વર્ષની ઢીંગલી કોઈપણ ઋતુમાં ટાઢ-તડકો કે વરસાદની પરવા કર્યા વગર રસ્તા વચ્ચે દોરડા ઉપર બેલેન્સના ખેલ કરીને પરિવારને ઉપયોગી થાય છે અને પોતાની કારકિર્દી ઘડે છે. જીવનની કોઇપણ સ્થિતિમાં કે કોઇપણ સંજોગોમાં બેલેન્સ જાળવીને આગળ વધવું એ જ સાચું શિક્ષણ છે. પાંચ વર્ષની આ દીકરી ક્યારેય સ્કૂલે નથી ગઇ પણ આ શિક્ષણ મેળવી ચૂકી છે. બોર્ડનું પરિણામ ગમે તેવું આવ્યું હોય તો પણ બેલેન્સ રાખતા જો આવડી જાય તો મન કે જિંદગી ક્યારેય અપસેટ ન થાય…


રાજકોટમાં આવેલી પોલીસ અશ્વ તાલીમ શાળા બ્રિટીશ અને રાજા રજવાડા વખતની છે

police horse training

police horse training

:: સંકલન ::
અલ્તાફ કુરેશી

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં માઉન્ટેન્ડ પોલીસ હેડ હવાટર ખાતે આવેલી પોલીસ અશ્વ તાલીમ શાળા અને આર.ડી.ઝાલા હોર્સ રાઇડીંગ કલબનો ઇતિહાસ રજવાડા અને બ્રિટીશ એજન્સી જેટલો પુરાણો છે. અહી ૩પ જેટલા અશ્વોનો રાખ-રખાવ પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવે છે. પોલીસ તાલીમ શાળા અને હોર્સ રાઇડીંગ વિશે ઘણુ જાણવા જેવુ છે. આમ તો રાજા રજવાડા અને બ્રિટીશ એજન્સી વખતથી પોલીસ દળમાં અશ્વોનો ઉપયોગ કરવામાં આવે છે તે વખતે રાજા રજવાડા પોતાના સૈનિકોને અને બ્રિટીશ એજન્સીમાં પોતાના કર્મચારીઓને અશ્વસ્વારીની ખાસ તાલીમ આપવામાં આવતી હતી અને શહેરમાં પેટ્રોલીંગમાં કરવામાં આવતુ. ભારત દેશ આઝાદ થયા બાદ ભારત સરકારે આ અશ્વસ્વારીની કળાને જીવંત રાખવા માટે તાલીમ શાળામાં ફેરવી નાખી હતી. આ રીતે ગુજરાતમાં અમદાવાદ ખાતે અને રાજકોટમાં પોલીસ તંત્ર દ્વારા ઘોડેસ્વારીની તાલીમ આપવામાં આવે છે.

રાજકોટની વાત કરીએ તો રાજકોટના રેલવે સ્ટેશન પાસે જીલ્લા જેલની પાછળ આવેલી માઉન્ટેન્ડ લાઇનમાં પોલીસ તંત્ર દ્વારા ગુજરાત પોલીસ અશ્વદળ તાલીમ સ્કુલ કાર્યરત છે. આ તાલીમ શાળા બ્રિટીશ અને રાજા રજવાડા વખતની છે. આઝાદી પહેલાની આ તાલીમ શાળામાં ત્યારે પણ આ જ જગ્યાએ અશ્વ સવારીની તાલીમ આપવામાં આવતી અને આજે પણ અશ્વ સવારીની તાલીમ આપવામાં આવે છે. સૌ પ્રથમ આ ગુજરાત પોલીસ અશ્વદળ તાલીમ સ્કુલમાં ટ્રેઇન થયેલા ઘોડાઓ અને ઘોડેસ્વારો માટેની ઓલ ઇન્ડિયા ગેઇમ ટુર્નામેન્ટ યોજવામાં આવતી હતી ત્યારે આ તાલીમ સ્કૂલમાં પી.આઇ તરીકે જે. બી. ગોહિલ ફરજ બજાવતા હતાં અને તેને વિચાર આવ્યો કે આ અશ્વ સવારીની તાલીમ માત્ર પોલીસ જવાનોને તો આપવામાં આવે જ છે પરંતુ આ કળાની લોકોને જાણકારી મળે તે હેતુથી તેણે ર૦૦પ ની સાલમાં માઉન્ટેન્ડ પોલીસ હેડ કવાર્ટર ખાતે આર.ડી. ઝાલા હોર્સ રાઇડીંગ કલબની શરૂઆત કરી હતી અને હાલમાં આ આધુનિક સમયમાં પોલીસ ડીપાર્ટમેન્ટમાં પેટ્રોલીંગ માટે ટુ વ્હીલર અને ફોર વ્હીલરનો ઉપયોગ થવા લાગ્યો છે ત્યારે આ અશ્વસવારીને જીવંત રાખવા માટે લોકોને ઘોડેસવારી શીખાડવામાં આવે છે. આ અશ્વસવારી શું છે..?? અને ઘોડેસવારી કેવી રીતે કરવી જોઇએ..?? તેની તાલીમ આપવામાં આવે છે.

આ તાલીમ સ્કૂલમાં હાલમાં અરબી, કાઠીયાવાડી અને મારવાડી એમ ૩પ જેટલા ઘોડાઓ છે. આ ૩પ ઘોડાઓને ટ્રેઇન કરવા માટે હેડ કોન્સ્ટેબલ અથવા કોન્સ્ટેબલ ટ્રેઇનર હોય છે તથા ચાર સાઇસ અને બે જેટલા સફાઇ કામદારો હોય છે. ટ્રેનર ઘોડાને ટ્રેઇન કરે છે જયારે સાઇસ ઘોડાને ટાઇમસર નીણ આપવું, માલીશ કરવું, પાણી આપવુ અને ઘાસની પથારી કરવી તેવી કામગીરી બજાવે છે અને સફાઇ કામદાર ઘોડાની જગ્યાની સફાઇ કરે છે. હાલમાં રાજકોટમાં નાઇટ પેટ્રોલીંગમાં પોલીસ દ્વારા ઘોડાનો ઉપયોગ થાય છે અને હાઇવે પેટ્રોલીંગ, સીમ પેટ્રોલીંગ તમામ પ્રકારના વીઆઇપી બંદોબસ્ત તથા મેળા બંદોબસ્તમાં પણ પોલીસ દ્વારા ઘોડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઘોડેસ્વારી પોલીસ તો ઠીક પણ આર.ડી.ઝાલા હોર્સ રાઇડીંગ કલબમાં પોલીસ સિવાયના લોકોને પણ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ સવારે ૬-૩૦ થી ૮-૦૦ વાગ્યા સુધી તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ સ્કુલમાં તાલીમાર્થીઓને ત્રણ માસની તાલીમ આપવા આવે છે. આ તાલીમ ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ માટે ફરજીયાત છે.  વધુ માહિતી માટે આ તાલીમ સ્કૂલના બ્લોગ rdzalahorseridingclub.blogspot.in ની મુલાકાત લઇ શકાય છે.


કોચિંગ ક્લાસ એટલે વિદ્યાર્થીઓની આકાંક્ષાને મોતમાં ધકેલતો ધંધો ગણાય છે

Tuition Classes

Tuition Classes

– નિધિ ભટ્ટ

વિદ્યાર્થીઓનાં જીવનમાં ધોરણ ૧૦ ની પરીક્ષાનું પરિણામ બાળકની હોંશિયારી માપવા માટેનું હથિયાર ગણાતું આવ્યું છે. ભારતીય શિક્ષણ પ્રથાએ સમાજના વિવિધ સ્તરના કુટુંબોમાં એવો ભય ફેલાવી દીધો છે કે ધોરણ ૧૦ માં સારા માર્ક્સ ન મેળવી શકનાર બાળક જીવનમાં ઉચ્ચ અભ્યાસ માટે સક્ષમ નથી બાળક ધો. ૧૦માં આવે એટલે તેની આઝાદી છીનવી લેવામાં આવે છે. ઘરના સભ્યો પોતાના તેમજ સંતાનનાં મોજશોખ, લગ્ન સમારંભ, સામાજિક મેળાવડા, પર્યટન કે પ્રવાસ ઉપર પ્રતિબંધ મૂકી દેતા હોય છે. સંતાનને ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં ફક્ત બે જ કામ કરવાની મંજૂરી આપવામાં આવે છે જેમાં શાળા – કૉલેજ – કોચિંગ ક્લાસમાં હાજરી આપવાની અને વિવિધ પરીક્ષાની તૈયારી કરવાની. દરેક માતા – પિતાની ઈચ્છા હોય છે કે તેમનું બાળક ડૉક્ટર કે એન્જિનિયર જ બને.. આ માટે તેઓ મોંઘીદાટ ફી ચૂકવીને બાળકોને કોચિંગ ક્લાસમાં મોકલે છે. કોચિંગ ક્લાસ એટલે શિક્ષણના મેદાનમાં ચોગ્ગા અને છક્કા મારવાની ટેકનિક શીખવાડતું હથિયાર ગણાય છે.

દેશમાં કોચિંગ ક્લાસનું હબ ગણાતું કોટા શહેર આજકાલ વિદ્યાર્થીઓમાં વધી ગયેલી આત્મહત્યાને કારણે ચર્ચામાં છે. આ વર્ષે કુલ ૨૬ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે. ગયા વર્ષે ૧૧ વિદ્યાર્થીઓએ આપઘાત ર્ક્યો હતો. ૨૦૧૩ માં ૧૩ વિદ્યાર્થીઓએ મોતને વહાલું ર્ક્યું હતું. જીવનમાં સફળતાનાં શિખરો સર કરવાની તાલીમ લેવા અનેક અરમાન સાથે આવેલા વિદ્યાર્થીઓના જીવનમાં કોચિંગ ક્લાસ મૃત્યુનો ઘંટ વગાડી દે છે. આત્મહત્યાની વધતી ઘટનાઓએ કોચિંગ ક્લાસની એક ભયાવહ છબી સમાજ સામે ઊભી કરી છે. માસૂમ બાળકોમાં જાણે કે ‘મોતને વહાલું કરવાની સ્પર્ધા’ વેગ પકડી રહી છે. હાલમાં તો એવું કહેવાઈ રહ્યું છે કે દર તેરમાં દિવસે એક વિદ્યાર્થી મોતને ભેટી રહ્યો છે! કારણ એકદમ સાફ છે – પરીક્ષાઓમાં સફળ થવાનું ભારે દબાણ, વિવિધ ક્ષેત્રે આગળ વધી શકાય તેવા વિકલ્પનો અભાવ, શાળામાં શિક્ષકોનો ઉપેક્ષા ભરેલ વ્યવહાર જવાબદાર ગણાય છે. માતા – પિતા – સંબધી અને સમાજની માસૂમ બાળકો પાસેથી વધુ પડતી અપેક્ષાઓ અને દેખાદેખીનો માહોલ ઊભો કરાય છે. બાળકોને ફક્ત પરીક્ષાલક્ષી જ્ઞાન અને સૂચનાઓ આપવામાં આવતી હોય છે તેમને જીવનના સાચા રસ્તાથી અજાણ રાખવામાં આવે છે.

આઈઆઈટી, જેઈઈ તથા મેડિકલની પ્રવેશ પરીક્ષાઓની તૈયારી ધોરણ ૧૨ ના અભ્યાસની સાથે જ કરવામાં આવે છે. આઈઆઈએમની પ્રવેશ પરીક્ષા એટલે કે કેટની તૈયારી ગ્રેજ્યુએશન કે તેના સમકક્ષ અંતિમ વર્ષની સાથે કરવામાં આવતી હોય છે જેથી વિદ્યાર્થીઓેનું એક વર્ષ બચાવી શકાય વિદ્યાર્થીઓ બધું જ સાથે કરવા જતાં ગૂંચવાઈ જઈને ભારે મૂંઝવણ અનુભવે છે. નવા નિયમો પ્રમાણે આઈઆઈટીમાં બેની જગ્યાએ ત્રણ મોકા મળશે. આવા નિયમો જ વિદ્યાર્થીઓને માટે જાન લેવા સાબિત થાય છે. પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ૧૭ – ૧૮ વર્ષની કાચી ઉંમરના હોય છે. કોચિંગ ક્લાસ વિદ્યાર્થીઓ પાસેથી ઓછામાં ઓછી બે લાખની ફી વસૂલ કરે છે. બાળકો પણ માતા – પિતાની આર્થિક હાલત અને વધતા ખર્ચના વિચારને કારણે એક પ્રકારની તાણ અનુભવતા હોય છે. કોચિંગ ક્લાસમાં જતા મોટાભાગના વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોચિંગ ક્લાસમાં શિખવતા અધ્યાપકો દ્વારા પણ ભેદભાવ રાખવામાં આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને ક્લાસમાં આગળ બેસાડવામાં આવે છે. ક્યારેક તેમને માટે અલગ કલાસ લેવામાં આવે છે. અભ્યાસમાં સામાન્ય વિદ્યાર્થીઓની અધ્યાપક દ્વારા ચાલુ કલાસમાં હાંસી ઉડાવવામાં આવે છે , તેમને ધિક્કારવામાં આવે છે.

અધ્યાપકો તો છડેચોક કહેતા હોય છે કે જ્યારે માતા – પિતા જાણતા હોય છે કે તેમનું સંતાન શાળામાં પણ સારો દેખાવ કરી શકવા સક્ષમ ન હતું તો સ્પર્ધાત્મક પરીક્ષાની કસોટી માટે તેમણે સંતાનને મોકલવા જ ન જોઈએ. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાને બદલે તેમને નાસીપાસ કરવામાં આવે છે. કોટા શહેર પહેલાં દક્ષિણ ભારત સ્પર્ધાત્મક પરીક્ષાનો ગઢ ગણાતો હતો. કેરળ એક એવું રાજ્ય છે કે જ્યાં સાક્ષરતાની ટકાવારી ૧૦૦ ટકા જોવા મળે છે. તેમ છતાં દક્ષિણ ભારત અને તેમાં પણ કેરાલા તો આત્મહત્યાનું હબ ગણાતું હતું. શાળા – કોલેજના અભ્યાસની સાથે કોચિંગ ક્લાસનું ચલણ દક્ષિણ ભારતમાંથી પૂરા દેશમાં ફેલાયેલું છે. સંસ્થાઓને ફાયદો એ જ છે કે તેમને પરીક્ષાનાં સારાં પરિણામ લાવવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મળી રહે છે તેથી જ કોચિંગ ક્લાસમાં તગડી રકમ અધ્યાપકો મેળવે છે. વર્ષના ૧૫ થી ૨૦ લાખ રૂપિયા તો સામાન્ય અધ્યાપકો મેળવે છે. ખ્યાતનામ અધ્યાપકો બે કરોડ રૂપિયા જેટલું અધધધ વેતન મેળવે છે. જેમની ઉપર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સફળ બનાવાવાની જવાબદારી પણ હોય છે જેને માટે તેઓ વિવિધ તરકીબો અપનાવતા રહે છે.

શાળા – કોલેજની જેમ કોચિંગ ક્લાસમાં એવો કોઈ કાયદો અમલમાં હોતો નથી જેનો ઉપયોગ વિદ્યાર્થીઓની તરફેણમાં હોય, કોચિંગ ક્લાસમાં તો ફક્ત એક જ મંત્ર હોય છે કે ‘ભણો કે મરો’ (પરફોર્મ ઔર પેરિશ). વિદ્યાર્થીઓને શિક્ષણ આપી પ્રગતિના પંથે લઈ જતા કોચિંગ ક્લાસ હવે ધીકતો ઉદ્યોગ ગણાવા લાગ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા વધી ગયેલ આત્મહત્યાની ઘટનાઓને ધ્યાનમાં લઈને જિલ્લા પ્રસાશને ૧૨ સૂત્રી કાર્યક્રમ જાહેર ર્ક્યો છે. કોચિંગ ક્લાસ દ્વારા પણ વિદ્યાર્થીઓને મનોચિકિત્સક અને કરિયર કાઉંન્સેલર દ્વારા યોગ્ય જાણકારી બાદ જ દાખલ કરવામાં આવે તે જરૂરી છે. વિદ્યાર્થીઓને યોગાની સાથે ક્લાસમાંથી ગાયબ રહેતા વિદ્યાર્થીઓને સમજાવટ કરવી અને એક સાથે ફી ભરવાની માગણીને બદલે હપ્તામાં ભરી શકે તેવી સુવિધાઓ આપવામાં આવે તેવી વ્યવસ્થા પણ હોવી જોઈએ. નાણાં છાપવાના કારખાના ફેરવાઈ ગયેલા કોચિંગ ક્લાસ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓને ક્યારે સમજશે..? કુદરતી બક્ષિસ મેળવેલ હોશિંયાર વિદ્યાર્થીઓની વાત બાજુ પર રાખીને સામાન્ય વિદ્યાર્થીઓની સમસ્યાઓને સાંભળવાનો સમય કોચિંગ ક્લાસના માલિકો ક્યારે કાઢશે..? તગડું વેતન મેળવતા અધ્યાપકો ક્યારે વિદ્યાર્થીઓની લાગણી સમજશે..? કોચિંગ ક્લાસને જ સર્વસ્વ માનતા વિદ્યાર્થીઓની લાંબી કતારો લાગતી હોય તો વિદ્યાર્થીઓની મુશ્કેલીઓની સામે આંખ આડા કાન જ થાય તે સત્ય સમજવું સમાજ માટે પણ એટલું જ અગત્યનું બની રહે છે…  (Courtesy : Mumbai Samachar)


આણંદની શિક્ષિકાએ ૪૮ લાખ ભેગા કરી શિષ્યવૃત્તિ ફંડ બનાવ્યું

Ilaben Teacher in Ananad

Ilaben Teacher in Ananad

૮મી માર્ચે વિશ્વ મહિલા દિવસ ઉજવાઇ ગયો. ઠેરઠેર સંમેલનો યોજાયાં, ભાષણો થયાં ને મહિલા વિકાસની, મહિલા શિક્ષણની વાતો થઇ છતાં દર વર્ષની માફક મહિલા હોય કે મહિલાની દીકરી કોઇની સ્થિતિમાં ખાસ કોઇ સુધારો નથી થયો ત્યારે આણંદના ગામડી વિસ્તારની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક મહિલા કન્યા કેળવણીના અભિગમને સાચા અર્થમાં સાકાર કરી રહી છે. કારણ કે એમણે આદિવાસી અને ભરવાડ કોમની આઠ બાળકીઓને દત્તક લઇ પોતાના ઘેર ભણાવી બાદમાં શાળામાં એડમિશન અપાવ્યું અને સાથેસાથે શિષ્યવૃત્તિ પણ અપાવી છે. આ માટે પ્રારંભે પોતાના ૧ લાખ રૃપિયાથી શરૃઆત કરી હતી, ત્યારબાદ ધીમે ધીમે એમની સેવાની સુવાસ ચોતરફ ફેલાતા એમનાં નાણાં અને દાનની મદદથી એમની પાસે આજે ૪૮ લાખનું શિષ્યવૃત્તિ ફંડ એકઠું થયું છે. જેના વ્યાજમાંથી તેઓ કન્યાઓને જ નહીં કુમારોને પણ શિષ્યવૃત્તિ આપીને ભણાવે છે.

ઈલાબેન ઈમાનુએલ નામના આ શિક્ષિકાના સેવા યજ્ઞને પ્રારંભમાં રૃા. પાંચ લાખ સહાય મળી ત્યારબાદ સિનિયર સિટીઝન મંડળે ૧ લાખ આપ્યા જેથી કુલ ૭ લાખનું ફંડ ભેગું થતા એમનો ઉત્સાહ વધતો ગયો ને ધીમે ધીમે ફંડ વધીને ૪૮ લાખ સુધી પહોંચી ગયું. આ રકમથી પ્રથમ તબક્કે ૫૪ જેટલા ધો. ૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓને રૃા. એક હજાર સહાય આપી ને પછી ૪૮ લાખના વ્યાજમાં થી વધુ ને વધુ ગરીબ વિદ્યાર્થીઓને સહાય આપવાના હેતુથી ધો. ૧ થી ૫ ના ૨૦૦ બાળકોને રૃા. ૧૫૦૦ તથા ધો. ૬ થી ૮ના વિદ્યાર્થીઓને રૃા. ૨૫૦૦ ની શિષ્યવૃત્તિ આપવાનું શરૃ કર્યું. ગરીબ વિદ્યાર્થીઓને પૂરતી સહાય અપાઇ રહી છે છતાં તેઓ દર વર્ષે શિષ્યવૃત્તિ ફંડમાં પોતાના રૃા. ૧ લાખ ઉમેરતા જાય છે.

શિક્ષિકા તરીકે નિવૃત્ત થયા બાદ તેઓ ત્યજી દેવાયેલાં બાળકો તથા વૃધ્ધો માટે આશ્રમ પણ શરૃ કરવા માગે છે ને નિવૃત્તિ સમયે પોતાની પાસે જે કંઇ પૂંજી હશે તે આ કામમાં લગાડી દેશે એવું તેઓ કહે છે. તેઓ પોતે એકલા નથી. પતિ અને સંતાનો છે છતાં પોતાનું સર્વસ્વ અન્યને અર્પણ કરવાની તેમની ભાવના દાદ માગી લે તેવી છે. ઈલાબેનને આ સેવાકીય પ્રવૃત્તિ માટે ૨૦૦૬ માં અખિલ ભારતીય સન્માન પુરસ્કાર મળ્યો હતો તો ટીચિંગ લર્નિંગ મટીરિયલ ઉપર કામ કરી જ્ઞાાન સાથે ગમ્મત આપતા પ્રોગ્રામ બનાવી બાળકોને અભ્યાસમાં રૃચિ લેતા કરવા બદલ એમના પ્રોજેક્ટને ૨૦૦૫માં રતન ટાટા ઈનોવેટિવ પુરસ્કાર પણ અર્પણ કરાયો હતો.


ગુજરાતની જમિયતપૂરા ગામની સરકારી શાળા રાજ્યની મોડલ શાળા છે

Gandhinagar Government School

Gandhinagar Government School

રાજ્યમાં સરકાર દ્વારા શિક્ષણ માટે છેલ્લા ઘણા સમયથી બાળકોના વિકાસ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જેમ કે ગુણોત્સવ, શાળા પ્રવેશોત્સવ, સર્વ શિક્ષા અભિયાન વગેરે.. આ બધા કાર્યક્રમોનો ઉદ્દેશ માત્ર એક છે કે બાળકોનો નિરંતર વિકાસ…

આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં બાળકોને ટેકનોલોજીથી જ શિક્ષણ અપાય અને બાળકો નાનપણથી જ ટેકનોસેવી બને એવા ઉદ્દેશથી ગામના જ એક માણસ દ્વારા આખી સ્કૂલને અધત્તન ટેકનોલોજીથી સજ્જ કરી દેવાય અને એ પણ ગામલોકોના સહયોગથી તો..??  જ્યાં બાળકો કમ્પ્યુટર દ્વારા અભ્યાસ કરતા હોય, બાળકો જ પરીક્ષાના પેપર તપાસતા હોય, અને જો શિક્ષક ના હોય તો ટેકનોલોજીના ઉપયોગથી પહેલા ધોરણના બાળકો પણ અન્ય વર્ગમાં ભણાવે એવી સંપૂર્ણ ફિલ્મી લાગે એવી આ કહાની ગુજરાતના પાટનગરથી એકદમ નજીકની શાળામાં સાર્થક થઈ છે.

ગાંધીનગરથી નજીક આવેલા જમિયતપૂરા ગામની શાળા રાજ્યની તો મોડલ શાળા છે પરંતુ દેશની પણ પ્રથમ અને એકમાત્ર મોડલ સ્કૂલ છે એવું આ શાળાને રાજ્ય અને દેશ સમક્ષ મોડલ સ્કૂલ તરીકે મુકનાર ગોવિંદભાઈ પટેલનું માનવું છે. આ શાળામાં વાઈ ફાઈ દ્વારા કોઈ પણ બાળક પોતાના લેપટોપ, ટેબલેટ કે મોબાઈલથી પોતાની જાતે કોઈ પણ એકમ ભણી શકે છે. આ પ્રોજેક્ટ દ્વારા લોકોને સરકારી શાળાઓમાં દાન કરવા પ્રેરી ગામડાની સરકારી શાળાઓને અધ્યતન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આખી શાળામાં માત્ર એક જ કમ્પ્યુટરનો ઉપયોગ કરી થીન ક્લાયંટ ટેક્નોલૉજી દ્વારા ઓછા ખર્ચે અને ઓછામાં ઓછો જાળવણી ખર્ચ આવે તેવી સિસ્ટમ ઉભી કરવામાં આવી છે.

શાળામાં એક અદ્યતન કમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે જેમાં ૧૨ થીન ક્લાયંટ લગાવી તેને લોકલ એરીયા નેટવર્કથી સરવર સાથે જોડવામાં આવ્યા છે.  શાળાના તમામ વર્ગોમાં ૪૨ ઈચના LCD લગાવવામાં આવ્યા છે અને તેને થીન ક્લાયંટ દ્વારા લોકલ એરીયા નેટવર્કથી સર્વર સાથે જોડવામાં આવ્યા છે. સર્વરમાં ગુરૂજી ઑનલાઈન સોફ્ટ્વેર ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે અને તેમાં દરેક ધોરણનું ગુણવત્તાસભર અને રસપ્રદ શૈક્ષણિક સાહિત્ય મૂકી શિક્ષકો પોતાના વર્ગખંડમાં જ બાળકોને જુદા જુદા વિષયોનું વાંચન સાહિત્ય, આકૃતિ, ફોટોગ્રાફ, શ્રાવ્ય સાહિત્ય અને દ્રશ્ય શ્રાવ્ય સાહિત્ય સરળતા થી બતાવી જેતે એકમનું ઉંડાણ પૂર્વકનું જ્ઞાન આપી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે.

શિક્ષક વર્ગખંડમાં કોઈપણ એકમનું જુદા જુદા ચાર પ્રકારના પ્રશ્નો દ્વારા વારંવાર પુનરાવર્તન કરાવી પોતાના બાળકોને હાજર જવાબી બનાવી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. આનંદીબેને મુખ્યમંત્રી બન્યા બાદ સૌથી પ્રથમ મુલાકાત આ મોડલ સ્કૂલની લીધી હતી. આનંદીબેન પટેલે સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ ની મુલાકાત લઈ આ પ્રોજેક્ટ રાજ્યની વધુમાં વધુ શાળાઓમાં શરૂ કરવાનો આદેશ કરી આ અનુકરણીય કાર્ય માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ શાળાને રાજ્યની મોડલ સ્કૂલ તરીકે અપનાવીને આખા રાજ્યમાં આવી શાળાઓ સ્થાપવાનો અનુરોધ કર્યો હતો.જેમાં આ શાળાને મોડલ તરીકે અપનાવીને વિદ્યાર્થીઓને અધત્તન ટેકનોલોજીથી ગુણવત્તા લાવવાની વાત કરી હતી.


બાળગીત, હાલરડાં અને શૌર્યગીતના રસથાળની જરૂર છે

ગુજરાતી સાહિત્યમાં પ્રતિ વર્ષ સર્જન પ્રક્રિયા ખૂબ જ સારી રીતે થઈ રહી છે. લેખકો અને કવિઓ તેમજ નવલકથા સર્જકો, લઘુવાર્તાના લેખકો નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતાં પુસ્તકોની સંખ્યા પણ અન્ય ભાષામાં પ્રસિદ્ધ થતાં પુસ્તકોની સમકક્ષ થવા જાય છે. ગુજરાતી ભાષાની સમૃદ્ધિ અન્ય ભાષાની સમૃદ્ધિ જેટલી જ છે. વાંચનથી વ્યક્તિ ભાષા સમૃદ્ધ બને છે તેનો વૈચારિક વૈભવ ઊંચી કક્ષાએ જાય છે. તેનું ચિંતન પણ વધે છે. તર્ક અને વિચારની કક્ષા ઉર્ધ્વગામી બને છે તેનો લાભ સ્વયંને મળે છે.

ગુજરાતી ભાષાના લેખકોની સર્જનયાત્રા એ વ્યક્તિગત આત્મસંતોષ માટે છે તેમ સ્વીકારીએ તો તે વખતે તેમની મહેનત, લગન અને સમર્પણની પણ પ્રશંસા કરવી રહી.. કળા, સાહિત્ય અને સંગીતથી સમાજની ઓળખ પ્રસ્થાપિત થાય છે. ગુજરાતી સમાજમાં વાંચનની ટેવ વિકસે, વાંચનનું સ્તર ઊંચું આવે અને ગુણવત્તા વધે તે માટે યુવાન પેઢીએ વધુ વાંચન માટે પ્રયત્ન કરવો જોઈએ.

આવી બાબતમાં માતા પિતા દ્વારા સંન્નિષ્ઠ પ્રયાસ થાય તેમ ગોઠવણ થવી જોઈએ. ૧૦-૧૨ કે ૧૪-૧૫ વર્ષ સુધીના વિદ્યાર્થી, બાલિકામાં વાંચન વધે તે માટે માતા પિતાએ સપ્તાહમાં એક કલાક પ્રયાસ કરવા રહ્યા. આખા સપ્તાહ દરમ્યાન બાળકે ઈતર વાંચન (અભ્યાસ સિવાય) કેટલું કર્યું..?? તેમાં તેને શું પસંદ પડયું..?? અને તેની રૂચિ કયા પ્રકારના વાંચનમાં છે..?? તે બાબતે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. નાના બાળકોને સંગીતમય કાવ્ય અને કંડિકા, જોડકણામાં રસ પડે છે. આવું સાહિત્ય બાળક સમક્ષ રજૂ કરવું જોઈએ. ગુજરાતી ભાષામાં બાળગીતોનો રસથાળ એ વિષય પર બાળગીતોનું અન્ય કવિઓનું સંકલન મનસુખલાલ ઉપાધ્યાય (પ્રવીણ) દ્વારા થયું છે. તેમાં જૂની પેઢીના કવિઓના યાદગાર કાવ્યો રજૂ થયા છે. આપણે ત્યાં બાળગીતો હમણાં હમણાં બહુ ઓછા થયા છે. અલબત્ત ઘણા શિક્ષકોએ બાળગીતોની રચના કરીને પ્રસિદ્ધ કરી છે પરંતુ કોઈ કારણથી તે લોકભોગ્ય બન્યા નથી. જૂની પેઢીમાં ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ દ્વારા રચિત બાળગીતો સૌરાષ્ટ્ર સરકારની ભારતી વાંચનમાળામાં ભણવામાં આવ્યા હતા.

કવિ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ ચુસ્ત ગાંધીવાદી હતા અને તેઓ રાજકોટ સ્વામીનારાયણ ગુરૂકુળની સ્કૂલમાં આચાર્ય હતા. તેમણે શિક્ષાપત્રી પર સુંદર વિશ્ર્વલેષણ પણ લખ્યું હતું. તેમણે ઘણા બાળગીતો લખ્યા છે. જે બધા જ લોકપ્રિય બન્યા હતા અને આજે પણ ગણગણવા ગમે તેટલી તાજગી તેમાં છે. મેં એક બિલાડી પાળી છે, તું દોડ તને દાવ મઝાની ખિસ્કોલી આજે પણ ઘણાને યાદ છે. ખારા ખારા ઉસ જેવા આછા આછા તેલ જેવા પોણી દુનિયા ઉપર એવા પાણી રેલમછેલમ મહાસાગર પરનું કાવ્ય તાલબદ્ધ ગાવું ગમે છે. બાળકોને પ્રકૃતિ અને પશુ પંખી પરના કાવ્ય બહુ પસંદ પડે છે. આવા તો અનેક કાવ્યો છે જે માતા પિતા ગાઈ બતાવે તો ગુજરાતી ભાષાનો વૈભવ દીપી ઊઠશે અને બાળકોને ભાષા પ્રતિ રૂચિ થશે. તેવી જ રીતે નાના બાળકોને હાલરડાં બહુ ગમે છે. માતા પોતાના બાળકને પારણામાં સૂવરાવતી વખતે જે મધુર ભાવથી ગીત ગાય છે તે હાલરડું છે તેમાં લય અને તાલ સાથે પવનનું મિશ્રણ થાય છે અને માતા જે શબ્દો બોલે છે તેમાં માતૃત્વનો ભાવ ભળે છે. આથી બાળકના મગજમાં સુરક્ષાનો ભાવ આવે છે જેથી તેને ઊંઘ આવે છે.  હાલરડું એ માત્ર ભારતીય સંસ્કૃતિની જ વિશિષ્ટતા છે. આટલી સુંદર બાબતો આપણા સાહિત્ય  બાળગીતોમાં છે. હાલરડા અંગે ડૉ. પ્રભાશંકર રામશંકર તેરૈયા (નિવૃત્ત હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ગુજરાતી ભાષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) દ્વારા વિશ્ર્લેષણ કરીને અભિપ્રાય આપવામાં આવ્યો છે. તેમણે ડૉ. હરિવલ્લભ ભાયાણી પાસે પીએચ.ડી. કર્યું છે.

આંગણવાડી,  બાલમંદિર અને સમાજના મેળાવડામાં જો બાળગીતોને પ્રોત્સાહિત કરવામાં આવે તો ભાષાનું માધુર્ય જળવાઈ રહેશે અને દરેક વયની વ્યક્તિને તેમાંથી આનંદ મળશે. ભાષા એ માહિતી સંચારનું માધ્યમ છે તેની સાથે થયેલા કાર્ય કે સંદેશાની પૂર્તિ કરવાનું સાધન પણ છે. બાળગીતો – હાલરડાં જેટલું જ મહત્વ શૌર્ય ગીતો એટલે કે દેશભક્તિના ગીતોનું છે. આજે ઝાકઝમાળની આ દુનિયામાં આ બધી બાબતો સાવ ઝાંખી પડી ગઈ છે. બાળકોમાં દેશદાઝની ભાવના કેળવાય તો લાંબાગાળે સમગ્ર દેશને ફાયદો થાય તે વાતને ભૂલવા જેવી નથી. પ્રત્યેક શબ્દ બ્રહ્મ છે અને પ્રત્યેક શબ્દની પોતાની સંસ્કૃતિ છે આથી તો તેની અસર છે અને તેના મનોવૈજ્ઞાનિક પ્રત્યાઘાત છે. ભાષા અને સાહિત્યનું મહત્ત્વ વિજ્ઞાન, ગણિત અને અન્ય વિષય જેટલું જ છે. દરેક વ્યક્તિ તેને સમજે અને સ્વીકારે તે સમયની માગ છે.. (courtesy : mumbai samachar)


પાટણની ખોડિયાર બચત બેન્ક બાળકો દ્વારા જ સંચાલીત છે

Child Bank in Patan

Child Bank in Patan

આ તસ્વીર કોઇ ક્લાસરૂમની નથી પણ સ્કૂલનાં બાળકોની બેન્ક છે તેમાં ક્લાર્કથી લઇને મેનેજર સુધી તમામ બાળકો છે. આ બાળકોએ બેન્કિંગમાં એવી પકડ જમાવી છે કે બેન્કનું બેલેન્સ ૧.૪૦ લાખ રૂપિયા જેટલું થઈ ગયું છે. તેનું સમગ્ર સંચાલન માત્ર ત્રીજાથી પાંચમા ધોરણનાં બાળકો જ કરે છે.

આ બાળ બેન્કના અસ્તિત્વમાં આવવાનું કારણ પણ બાળકો જ છે. તેની  શરૂઆત એટલા માટે કરાઈ હતી જેથી કોઇ બાળક દર વર્ષે યોજાતા પ્રવાસથી વંચિત ન રહે. વાસ્તવમાં ગુજરાતમાં દર વર્ષે વર્ષમાં એક વખત સ્કૂલનાં બાળકો માટે ક્યાંકને ક્યાંક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. અનેક વખત ટોકન રકમ જમા ન કરાવવાના કારણે ઘણા બાળકો તેનાથી વંચિત રહી જાય છે. વરાણા પ્રાથમિક સ્કૂલના શિક્ષકોએ આ વાતની જાણકારી આપી હતી.આખરે ૨૦૧૧ માં સ્કૂલના પ્રિન્સિપાલ મોહન પટેલે બાળ બેન્કની યોજના બનાવી. તેમણે બાકીના બધા શિક્ષકોને તૈયાર કર્યા. બધાએ વિચાર્યુ કે બેન્કિંગની ટ્રેનિંગ પણ થઇ જશે. આ રીતે ૨૬ જાન્યુઆરી ૨૦૧૧ ના રોજ સ્કૂલની બાળબેન્ક શરૂ થઇ. આ બાળબેન્કને ખોડિયાર બચત બેન્ક નું નામ અપાયું. હવે સ્કૂલનો એક પણ બાળક પ્રવાસથી વંચિત રહેતો નથી.