નવી દિલ્હી ખાતેનું રાષ્ટ્રપતિ ભવન હવેથી જાહેર જનતા માટે અઠવાડિયામાં ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારના દિવસે ખુલ્લુ રહેશે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો ભારત સરકાર – અમદાવાદની યાદી મુજબ હવેથી જાહેર રજા સિવાય સવારે ૯ કલાક થી સાંજે ૪ કલાક સુધી જાહેર જનતા માટે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ ચાલુ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન જોવા માટે આવનારા વ્યક્તિ ભવનના ગેઈટ નંબર ૨ (રાજપથ) તથા ગેઈટ નંબર ૩૭ (હુક્મીભાઈ માર્ગ) અને ગેઈટ નંબર ૩૮ (ચર્ચ રોડ) થી પ્રવેશ અને નિકાસ કરી શકશે.
રાષ્ટ્રપતિ ભવન જોવા માટે ૫૦ રૂપિયા પ્રતિ વ્યક્તિ લઘુત્તમ નોંધણી ફી રખાઈ છે. (૮ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકો માટે પ્રવેશ નિઃશુલ્ક છે) ભારતીય નાગરિકો માટે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ માટે પોતાનું ફોટો ઓળખપત્ર આવશ્યક છે. વિદેશી નાગરિકોને પ્રવેશ સમયે પોતાનો મૂળ પાસપોર્ટ બતાવવો પડશે. રાષ્ટ્રપતિ ભવન જોવા ઈચ્છતા લોકો વહીવટી એકમના ફોન નંબર ૦૧૧-૨૩૦૧૩૨૮૭ – ૨૩૦૧૫૩૨૧ – એક્ષટેન્શન ૪૬૬૨ તથા ફેક્સ નંબર ૦૧૧-૨૩૦૧૫૨૪૬ તેમજ ઈ-મેઈલ : reception-officer@rb.nic.in પર કોઈપણ રીતે જાણકારી અને સહાયતા માટે સંપર્ક કરી શકે છે. રાષ્ટ્રપતિ ભવન જોવા માટે વેબસાઈટ http://rashtrapatisachivalaya.gov.in/rbtour પર ઓનલાઈન બુકિંગ પણ કરી શકાય છે.
ભારત દેશમાં લગભગ 8000 રેલ્વે સ્ટેશન છે, પરંતુ કેટલાક રેલ્વે સ્ટેશનોના નામ એટલા અજીબોગરીબ છે કે તમે હસી હસીને લોટપોટ થઇ જશો. કેટલાક સ્ટેશનના નામ એવા છે જે હકિકતમાં વ્યક્તિના સંબંધો જેવા કે બાપ, સાલી, બીવી, બીબી, મહેબૂબનગર વગેરે… તો કેટલાક દિવાના, મહેબૂબનગર વગેરે જેવા રેલ્વે સ્ટેશનને નામ આપવામાં આવ્યા છે. જાણો, કેટલાક વિચિત્ર પ્રકારના સ્ટેશનોના નામ…
સાલી : આ સ્ટેશન ઉત્તર પશ્ચિમ રેલ્વેમાં જયપુર ડિવિઝનમાં આવેલું છે. બે પ્લેટફોર્મવાળા આ નાના સ્ટેશન પર રોજ બે ટ્રેન ઉભી રહે છે. તેનો સ્ટેશન કોડ પણ SALI છે.
બાપ : આ સ્ટેશન પણ રાજસ્થાનમાં ઉત્તર પશ્ચિમ રેલ્વેના બીકાનેર ડિવિઝનમાં આવે છે. તેનો સ્ટેશન કોડ બીએએફ છે. આ પ્લેટફોર્મ પર માત્ર બે ટ્રેન હૉલ્ટ કરે છે. મહારાષ્ટ્રમાં બેલાપુરના રેલ્વે સ્ટેશનનું સ્ટેશન કોડ પણ BAP છે. આ સ્ટેશન પર રોજ 48 ટ્રેન હોલ્ટ કરે છે.
રાની :રાજસ્થાનના પાલીના નાનકડા પ્લેટફોર્મ પર સામાન્ય સુવિધાઓ છે હરિદ્વાર મેલ, આશ્રમ એક્સપ્રેસ, અરાવલ્લી એક્સપ્રેસ, અમદાવાદ- શ્રીમાતા વૈષ્ણવદેવી, કટારા એક્સપ્રેસ, ઉતરાંચલ એક્સપ્રેસ જેવી ટ્રેન ત્યાં આવે છે.
ઓઢનિયા ચાચા :રાજસ્થાનમાં પોખરણ નજીક આ સ્ટેશન ઉત્તર-પશ્ચિમ રેલ્વેના જોધપુર ડિવિઝનમાં આવે છે. એક પ્લેટફૉર્મવાળા સ્ટેશન પર માત્ર બે ટ્રેન ઉભી રહે છે. નજીકમાં પોખરણ, જોધપુર અને જૈસલમેર સ્ટેશન આવે છે.
મહેબૂબનગર :આ સ્ટેશન તેલંગાણામાં મહેબૂબનગર જિલ્લામાં આવેલું છે. દક્ષિણ મધ્ય રેલ્વેમાં સ્થિત આ સ્ટેશન હૈદરાબાદ ડિવિઝનમાં આવે છે.
સહેલી :મધ્ય રેલ્વેના હોશંગાબાદ જિલ્લામાં ભોપાલ અને ઇટારસીની નજીક નાગપુર ડિવિઝનમાં છે. પંચમઢી, ભીમબેટકા જેવા પર્યટક સ્થળો અહીંથી ઘણા નજીક છે. બે પ્લેટફોર્મ ધરાવતા આ સ્ટેશન પર ચાર ટ્રેન ઉભી રહે છે.
બીબીનગર : દક્ષિણ મધ્ય રેલ્વેમાં વિજયવાડા ડિવિઝનનું આ સ્ટેશન તેલંગાણામાં છે. આ સ્ટેશન સિકંદરાબાદ, ગુંટૂર અને સિકંદરાબાદ વચ્ચે છે.
ગુડિયા : ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝન (પાલી)ના આ સ્ટેશન પર કોઇ પ્લેટફૉર્મ નથી અહીંયા રોજ ચાર ટ્રેન ઉભી રહે છે.
દીવાના : ઉત્તર રેલ્વેના દિલ્હી ડિવિઝનમાં આવતું આ સ્ટેશન હરિયાણામાં પાણીપતની નજીક છે. અહીં બે પ્લેટફૉર્મ પર દરરોજ સોળ ટ્રેન એક-બે મિનિટ માટે ઉભી રહે છે.
નાના : નાના રેલ્વે સ્ટેશન રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલું છે. નાના રેલ્વે સ્ટેશન પાસે કોઠાર, કેશવગંજ સ્ટેશન છે. તેની પાસે ઉદયપુર સૌથી પ્રમુખ રેલ્વે સ્ટેશન છે. નાના રેલ્વે સ્ટેશનનો સ્ટેશન કોડ NANA છે.
ભૈંસા : આગરા પાસે આવેલું આ સ્ટેશન તેના નામને કારણે જાણીતું છે.
સુઅર :ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં આ સ્ટેશન આવેલું છે. રામપુર જિલ્લો યુપીના મુરાદાબાદ મંડળ અંતર્ગત આવનાર જિલ્લો છે. આ જગ્યા રામપુરિયા ચપ્પૂ માટે અને એક એવા રેલ્વે સ્ટેશન માટે પ્રસિદ્ધ છે જેનું નામ સુઅર છે.
કાલા બકરા : આ સ્ટેશન પંજાબના જાલંધર શહેરમાં આવેલું છે.
કુત્તા: કુત્તા કુર્ગના દક્ષિણમાં કર્ણાટક-કેરળ બૉર્ડર પાસે આવેલું સ્ટેશન છે. આ સ્ટેશન નાગરહોલ નેશનલ પાર્કથી માત્ર 10 કિલોમીટર દૂર છે. (ગુજરાત સમાચાર માંથી સાભાર)
પોરબંદર પાસે આવેલા બરડા ડુંગર વિષેની માહિતી આપતી એક નાની ઈ -બુક મેં સંકલીત કરી છે. જે તમારા સહુના વાંચન અને રેફરન્સ માટે છે જેને નીચેની લિન્ક દ્વારા નિઃશુલ્કડાઉન લોડ કરી શકાશે… આ બુક આપ સહુને જરૂર ઉપયોગી થશે એવી અપેક્ષા સહ…
ઓરીસ્સાના પુરી શહેરમાં શ્રી જગન્નાથ મંદિર સ્થિત છે આ મંદિર ભગવાન જગન્નાથ (શ્રીકૃષ્ણ) ને સમર્પિત છે. જગન્નાથનો અર્થ છે જગતના સ્વામી તેમની નગરી જ જગન્નાથપુરી કહેવાય છે. આ મંદિર હિન્દુઓના ચાર ધામો પૈકી એક છે. જગન્નાથ મંદિરની વાર્ષિક રથયાત્રા તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે જેમાં મંદિરના ત્રણેય મુખ્ય દેવતા ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ત્રણેય અલગ – અલગ ભવ્ય રથોમાં વિરાજીત થઈ પોતાની માસીને ત્યાં જાય છે ત્યાં ભગવાન 8 દિવસ રોકાય છે તમને આ મંદિરથી જોડાયેલી કેટલીક રસપ્રદ અને રહસ્યમય વાતો જણાવી રહ્યા છીએ જેના પાછળનું કારણ વિજ્ઞાની પણ શોધી શક્યા નથી. આ મંદિર એ વાતનું પ્રમાણ છે કે આપણા પૂર્વજો કેટલા મોટા ઈજનેર અને સ્થાપત્ય નિષ્ણાત હતાં..
(૧) સામાન્ય રીતે દરિયા કિનારા પર દિવસ દરમિયાન પવન દરિયાથી જમીન તરફ આવે છે અને સાંજે જમીનથી દરિયા તરફ જાય છે પણ પુરીમાં આનું વિપરિત થાય છે અહીં દિવસ દરમિયાન પવન જમીનથી દરિયા તરફ જાય છે.
(૨) સામાન્ય રીતે મંદિરોના શિખર પર પક્ષીઓ બેસતાં હોય છે પણ મંદિરના ગુંબજની આજુ બાજુ કોઈ પક્ષી ઉડતું નથી મંદિરની ઉપરથી વિમાન પણ પસાર નથી થતાં.
(૩) રોજ 500 રસોઈયા 300 સહયોગીઓ સાથે મળીને ભગવાન જગન્નાથનો પ્રસાદ બનાવે છે. કહેવાય છે કે પ્રસાદ 8 – 10 હજાર લોકો માટે જ બનાવવામાં આવ્યો હોય તો પણ આનાથી લાખો લોકો પેટ ભરીને જમી શકે છે. અહીં આશરે 20 લાખ શ્રદ્ધાળુઓ રોજ ભોજન કરી શકે છે. અહીં ક્યારે પણ પ્રસાદ ફેંકવો નથી પડતો. પ્રસાદ બનાવવા માટે 7 વાસણો એક ઉપર એક મૂકવામાં આવે છે પ્રસાદ લાકડીઓ ઉપર જ બનાવવામાં આવે છે. રસપ્રદ વાત છે કે સૌથી ઉપરના વાસણમાં મુકેલી વસ્તુ પહેલાં ચઢે છે પછી ક્રમશઃ નીચેના વાસણોમાં મુકેલી વસ્તુઓ ચઢે છે.
(૪) શ્રી જગન્નાથ મંદિરની ધ્વજા હંમેશા હવાની વિપરિત દિશામાં લહેરાય છે આનું કારણ હમણા સુધી શોધી નથી શકાયું. આ ધ્વજાને રોજ સાંજે બદલવામાં આવે છે જે વ્યક્તિ ધ્વજા બદલે છે તે ઉંધો થઈને ઉપર ચઢે છે. આ ધ્વજા ખૂબ જ ભવ્ય અને સુંદર છે તેના પર ભગવાન શિવનો ચંદ્ર બનેલો છે.
(૫) આ દુનિયાનું સૌથી ભવ્ય અને ઊંચુ મંદિર છે. આ મંદિરનો વિસ્તાર આશરે 4 લાખ વર્ગફુટ છે, આની ઊંચાઈ આશરે 214 ફુટ છે. મંદિર પાસે ઉભા થઈ તેનું મુખ્ય ગુંબજ જોવું અસંભવ છે. આખા દિવસમાં ક્યારેય મુખ્ય ગુંબજનો પડછાયો દેખાતો નથી આ મંદિર જોઈને અંદાજો લગાવી શકાય કે આપણા પૂર્વજો કેટલા મોટા ઈજનેર રહ્યા હશે.
(૬) મંદિરના શિખર પર સુદર્શન ચક્ર લાગેલું છે શહેરના કોઈ પણ વિસ્તારથી તમે આ ચક્ર જોઈ શકો છો કોઈ પણ સ્થળથી આ ચક્ર જોવા પર તે આપણી સામે હોય એવું જ લાગે છે. અહીં દર 12 વર્ષે નવી પ્રતિમાઓ બનાવવામાં આવે છે આ પ્રતિમાઓનો આકાર અને રૂપ એ જ હોય છે કહેવાય છે કે તે મૂર્તિઓની પૂજા કરવામાં નથી આવતી માત્ર દર્શન માટે મૂકવામાં આવે છે.
(૭) કહેવાય છે કે દરિયાએ 3 વાર જગન્નાથ મંદિરને ક્ષતિ પહોંચાડી હતી ત્યારે ભગવાન જગન્નાથે હનુમાનજીને અહીં દરિયાને નિયંત્રિત કરવા નિયુક્ત કર્યા હતાં. હનુમાનજી વારંવાર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના દર્શન કરવા નગરમાં જતા રહેતા હતાં અને તેમની પાછળ દરિયો પણ નગરમાં પ્રવેશ કરી જતો હતો. આ કારણથી ભગવાન જગન્નાથે, હનુમાનજીને અહીં સોનાની બેડીઓથી બાંધી દિધા હતાં. જગન્નાથપુરીના દરીયા કિનારે બેડી હનુમાનજીનું પ્રાચીન અને પ્રખ્યાત મંદિર છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.
(૮) મહારાજા રણજીત સિંહએ આ મંદિરને ઘણુ બધું સોનું દાન કર્યુ હતું તેમણે અમૃતસરના સુવર્ણ મંદિરમાં આપેલા સોનાથી આ માત્રા ઘણી વધુ હતી.
(૯) કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો ભગવાન જગન્નાથના દર્શન કરવા આવ્યા હતાં. માનવામાં આવે છે કે પ્રભુ ઈસુ સિલ્ક રૂટથી કાશ્મીર આવ્યા હતાં ત્યારે બેથલહેમ પાછા જતા પહેલાં તેમણે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતાં. 9 મી શતાબ્દીમાં આદિ શંકરાચાર્ય અહીં આવ્યા હતાં અને ચાર મઠો પૈકી એક ગોવર્ધન મઠની સ્થાપના કરી હતી.
(૧૦) આ મંદિરમાં ગેર ભારતીય ધર્મના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. અગાઉ મંદિરને ક્ષતિ પહોંચડાવાના પ્રયાસ કરવામાં આવ્યા હતાં આ જ કારણથી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
(૧૧) મંદિરના મુખ્ય દ્વારથી અંદર પ્રવેશ કરતાંની સાથે તમને દરિયાની કોઈ અવાજ નહી સંભળાશે પણ જેમ જ તમે મંદિરથી એક પગલું બહાર આવશો તમે તે અવાજને સાંભળી શકશો.
(૧૨) આ મંદિરની બહાર સ્વર્ગ દ્વાર છે જ્યાં મોક્ષ પ્રાપ્તિ માટે મૃતદેહોનું અગ્નિસંસ્કાર કરવામાં આવે છે, પણ તમે મંદિરની બહાર જશો ત્યારે જ તમને મૃતદેહોના સળગવાની ગંધ આવશે. (Courtesy : Divya Bhaskar)
ધાર્મિક નગરી અને વિશ્વ પ્રસિધ્ધ માતૃગયા તિર્થ સિધ્ધપુરમાં અનેક દેવ મંદિરો આવેલા છે જેમાં બિંદુ સરોવર ખાતે આવેલ ભારતનું એક માત્ર કાર્તિકેય સ્વામીનું મંદીર આવેલું છે જેના દ્વારા કારતક સુદ આઠમથી પૂનમ સધી ફક્ત સાત દિવસ માટે વર્ષમાં એકજ વાર ખુલે છે. સરસ્વતી નદીના પટમાં બારસથી પૂનમ સુધી કાત્યોકનો લોક મેળો ભરાતો હોવાથી તેમજ કારતક માસમાં માતૃ શ્રાધ્ધનો અનેરો મહિમા હોવાથી આ સમય દરમિયાન આ મંદીરે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનનો લાભ લે છે. ભગવાન શિવજીના બે પુત્રો કાર્તિક સ્વામી અને ગણેશજીની કથા સાથે જોડાયેલ આ મંદીરના કારતક માસમાં કાર્તિક સ્વામીના દર્શન કરવાથી ઉધ્ધાર અને મોક્ષ મળતો હોવાનું પ્રચલિત ધાર્મિક કથાને લઇને વર્ષમાં સાત જ દિવસ આ મંદીર ખુલ્લુ રહેતું હોવાનું મંદિરના પૂજારીએ જણાવ્યું હતું. ભગવાન કાર્તિકના મંદિરો સમગ્ર વિશ્વમાં જવલ્લે જ જોવા મળે છે.જે પૈકીનું આ મંદીર સીદ્ધપુર માં આવેલું છે.
તાલાલા: ગીર જંગલમાં વસવાટ કરતા સિંહ, દિપડા જેવા ખુંખાર પ્રાણીઓની હાજરીમાં ફરજ બજાવવામાં ભલભલાનાં હાંજા ગગડી જતા હોય છે ત્યારે આવાં પ્રાણીઓનાં સંરક્ષણ – સંવર્ધન માટે ફરજ બજાવતી ત્રણ મહિલા વનકર્મીઓની હિંમતની ઉમદા નોંધ લેવાઇ છે. એશીયાટીક સિંહોનું અંતિમ નિવાસસ્થાન ગીર સમગ્ર દેશ – વિદેશમાં પ્રસિધ્ધ છે. આ જંગલની વન્યસૃષ્ટિ અને જૈવિક વિવિધતા પણ અન્ય જંગલ કરતા વિશેષ છે. ૨૦૦૭ ના વર્ષથી ગીર જંગલમાં નિમણૂંક પામેલી મહિલાઓ યોગ્ય તાલીમ બાદ પુરૃષ સમોવડી નથી પરંતુ ચડીયાતી સાબિત થઇ છે. હાલ ગીર જંગલ વિસ્તારમાં ૫૦ જેટલી મહિલાઓ સિંહ – દીપડા જેવા હિંસક પ્રાણીઓ સાથે રહી રાત – દિવસ ફરજ બજાવી રહી છે. આ મહિલાઓની કામગીરીથી પ્રભાવિત થઇ આંતરરાષ્ટ્રીય ચેનલ ડિસ્કવરીએ આ ”લાયન્સ કવીન ઓફ ઇન્ડીયા” શિર્ષક હેઠળ ચાર એપીસોડ બનાવ્યા છે. જે થોડા સમય પહેલા પ્રસારીત થયાં હતા આ અંગે સાસણના ડી.સી.એફ. ડો. સંદીપ કુમારે જણાવ્યું હતું કે, મહિલા વનકર્મી કિરણબેન પિઠીયા, રસિલાબેન વાઢેર અને દર્શનાબેન કાગડા સહિત કર્મચારીની વન્યપ્રાણી સાથેની કામગીરીના ડિસ્કવરી ચેનલે ચાર એપીસોડ તૈયાર કર્યા છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કઠીન ગણવામાં આવતી કામગીરી મહિલાઓ આરામથી કરી રહી છે. અને તેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમની નોંધ લેવામાં આવી છે. જે દેશ માટે ગૌરવની બાબત છે.
નર્મદા મૈયાના પવિત્ર કિનારે પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજની કર્મભૂમિ માલસર આવેલી છે. આ પુણ્યસ્થળ માલસર જવા માટે અમદાવાદ થી વડોદરા, ડભોઇ, શિનોર થઇને જવાય છે. અમદાવાદથી ૧૭૦ કિલોમીટર છે. સીધી બસ બપોરે ૧ વાગે એસ.ટી. સ્ટેન્ડથી ઊપડે છે. સાંજે ૬ વાગે પહોંચાડે છે. બાકી વડોદરા, ડભોઇ, શિનોરથી સગવડ મળે છે. શિનોરથી ૭ કિલોમીટર છે.
અહીં પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજનો સેવાશ્રમ છે. અહીં નજીવા ચાર્જથી બે ટાઇમ જમવાનું, બે ટાઇમ ચા અને એક વાર નાસ્તો આપવામાં આવે છે. સવારે ૫-૩૦ વાગે આરતી, પ્રાર્થનામાં યાત્રિકે હાજર રહેવાનું હોય છે. જો અહીં રહેવું હોય તો વ્યક્તિ વર્ષમાં ફક્ત એક માસ રહી શકે છે. જેનો નજીવો ચાર્જ લેવામાં આવે છે. અહીં અંગારેશ્વર મહાદેવનું ઐતિહાસિક સ્થળ આવેલું છે.
કચ્છી સેવાશ્રમમાં પણ સુંદર વ્યવસ્થા છે. બે ટાઇમ જમવાનું, બે ટાઇમ ચા આપવામાં આવે છે. સવારે ૭-૩૦ વાગે, સાંજે ૭-૦૦ વાગે આરતી, પ્રાર્થનામાં હાજરી આપવાની હોય છે. વર્ષમાં એકવાર અમુક રૂપિયાથી અહીં આરતી ઊતરવા દેવાય છે. અહીં સત્યનારાયણ મંદિર, પંચમુખી હનુમાન, અંબાજી મંદિર વગેરે સ્થળો પણ છે. જેમાં પંચમુખી હનુમાનમાં રહેવા, જમવાની વ્યવસ્થા છે.
પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજની કર્મભૂમિ સત્યનારાયણનું મંદિર છે. દરેક જગા ખૂબ જ પવિત્ર વાતાવરણવાળી છે. વડ, આંબા, લીમડા, આસોપાલવ વગેરે લીલોતરીથી ખૂબ જ આનંદ આવે. નર્મદા મૈયાનાં ફક્ત દર્શનથી જ આપણાં પાપો નાશ પામે છે. કિનારાનાં અનેક પવિત્ર સ્થળોની મુલાકાત માટે ટેક્સીની વ્યવસ્થા હોય છે. અહીં શ્રાવણ અને ચૈત્ર માસમાં અનેક ધાર્મિક કાર્યક્રમો ચાલતા જ હોય છે અને અહીંનું વાતાવરણ પણ પવિત્ર હોય છે. દરેક કુટુંબે વર્ષમાં એકાદ વખત આવા આધ્યાત્મિક પવિત્ર સ્થળની મુલાકાત મનની શાંતિ માટે લેવી જ જોઇએ. માલસર પ.પૂ. ડોંગરેજી મહારાજના આશ્રમ અંગે ફોન નંબર ૦૨૬૬ – ૨૬૪૩૪૮ ઉપર વધુ વિગતો મેળવી શકાય છે
રેલની યાત્રા દરમિયાન મુસાફર પોતાનો માલ સામાન ચોરાઇ જવાની ચિંતામાં હોય છે. જ્યારે મુસાફરનો માલ – સામાન ચોરાય ત્યારે રેલ્વે પોલીસ ખાનાપૂર્તિ માટે ફરિયાદ દાખલ કરતી હોય છે. મુસાફરોનો ચોરાયેલ માલ – સામાન મોટે ભાગે પાછો મળતો નથી, પરંતુ હવે તેમ નહીં થાય.
તાજેતરમાં સુપ્રિમ કોર્ટ દ્વારા એતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં રેલ્વેની યાત્રા દરમિયાન મુસાફરોનો માલ સામાન ચોરાય તો રેલ્વેએ મુસાફરને ચોરાયેલ માલ સામાનનું વળતર ચુકવવું પડશે. સામાન્ય રીતે ટીટીઇ ટિકિટ ચેકિંગ અથવા બર્થ એલોટમેન્ટ કરવા સિવાય બીજું કોઇ કામ કરતા હોતા નથી. જ્યારે કે મુસાફરોના માલ સામાનની સુરક્ષાની જવાબદારી ટીટીઇનીજ હોય છે. ચાલુ ટ્રેનમાં અનઅધિકૃત લોકો પ્રવેશે નહીં. ફેરિયાઓ કોચમાં ચઢે નહીં. રાત્રી મુસાફરીમાં કોચના દરવાજા બંધ કરવા જેવી અનેક જવાબદારી ટીટીઇના માથે હોય છે પરંતુ ટીટીઇ પોતાના જવાબદારી નહી નિભાવતા હોવાને કારણે માલ – સામાન ચોરી થવાના બનાવો બને છે તેમ સુપ્રિમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે.
એક મહિલા પ્રોફેસર લખનોથી જબલપુર તરફ એ.સી કોચમાં પ્રવાસ કરી રહ્યાં હતાં. તેમની પાસે રહેલા બેગમાં લાખોનું ઝવેરાત અને રોકડ રૂપિયા પણ હતા. કોઇક અજાણી વ્યક્તિ તેમની માલ સામાન ચોરી ફરાર થઇ ગયો હતો. માલ સામાન ચોરાયાની એફઆઇઆર તેમજ ઉપભોગતા ફોરમમાં ફરિયાદ કરી હતી. તેથી સુપ્રિમ કોર્ટે આ ઘટનામાં રેલ્વેની ચુક થઇ હોવાને કારણે માલ સામાન ચોરી થયો હોવાનું ટાંક્યું હતું. સુપ્રિમ કોર્ટે રેલ્વેને વળતર ચુકવવા આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આ એક ચુકાદાએ રેલ યાત્રીઓને વિશેષ સુવિધા અપાવી છે, પરંતુ વળતર મેળવવા પિડીત મુસાફરે ઉપભોગતા ફોરમમાં રેલ્વે વિભાગ દ્વારા થયેલી ચુકની ફરિયાદ દાખલ કરવી જરૂરી છે. રાષ્ટ્રીય ઉપભોગતા વિવાદ નિવારણ આયોગ પ્રમાણે રિઝર્વ કોચમાં અનઅધિકૃત લોકોના પ્રવેશને રોકવાની ટીટીઇની જવાબદારી છે. જો ટીટીઇ આ બાબતે નિષ્ફળ સાબિત થાય તો રેલ્વે વિભાગની જવાબદારી રહેશે.