ATUL N. CHOTAI

a writer – since 2014


ઐતિહાસિક અને અનોખું મહત્વ ધરાવતી આ ટ્રેનની સફર કરવી તે પણ લ્હાવો છે..

gujarat small train

gujarat small train

ગુજરાતની બીલીમોરા – વઘઇ ટ્રેન એ સુંદરતા અને આદિવાસી વિસ્તારના વાંસની રોજિંદી હેરાફેરીથી ઓળખાતી ટ્રેન છે. જેણે તાજેતરમાં ૧૦૪ વર્ષ પુરા કર્યા છે. ૬૩ કિલોમીટર લાંબો ટ્રેક ધરાવતી આ ટ્રેન નેરોગેજ લાઈન છે. જે ડાંગના જંગલોમાંથી પસાર થાય છે. આ ટ્રેનનો રૂટ વલસાડના બીલીમોરાથી શરુ કરીને ડાંગ જિલ્લાના વઘઇ સ્ટેશન સુધીનો છે. આ રૂટમાં ગણદેવી, ચીખલી રોડ, રંકાવા, ધોળીકુઆ, અનાવલ, ઉનાઈ અને વાંસડા રોડ, કેવડી રોડ, કાલા આંબા અને ડુંગરડા સ્ટેશન આવે છે. આ ટ્રેનમાં બધા જ સ્ટેશને ટિકિટ બારીની સુવિધા નથી અને સુવિધા માત્ર વઘઇ, ઉનાઈ અને બીલીમોરા સ્ટેશન પર છે. ૬૩ કિલિમીટરનો ટ્રેક ધરાવતી આ ટ્રેન અંગ્રેજોના સમયમાં સયાજીરાવ ગાયકવાડે ૧૯૧૩ માં ચાલુ કરી હતી. આ ટ્રેન તે સમયે ગાયકવાડ સરકારની ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવેના શાસન હેઠળ હતી જે તે સમયના બરોડા રાજ્યના તાબા હેઠળ હતી. આ ટ્રેનનો મુખ્ય હેતુ આ વિસ્તારની પ્રજાનો સંપર્ક બરોડા રાજ્ય સાથે સતત રહે એ હતો. સ્વતંત્રતા પછી પશ્ચિમ રેલવેમાં આ રેલવેને મર્જ કરી દેવામાં આવી. પાંચ ડબ્બાઓ સાથે દોડતી આ ગાડી ૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે અને ૩ કલાક જેટલા સમયમાં બીલીમોરા થી વઘઈ અને વઘઈ થી બીલીમોરા પહોંચે છે.

૧૯૩૭ સુધી સ્ટીમ એન્જીનથી ચાલતી આ ટ્રેનને ત્યારબાદ ડીઝલ એન્જીનમાં દેવામાં આવી. ૧૯૯૪ માં જુના સ્ટીમ એન્જીનને મુંબઈના ચર્ચગેટ સ્ટેશન પર શો પીસ તરીકે મૂકી દેવામાં આવ્યું છે. ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવેના મોટાભાગના નેરોગેજને બ્રોડગેજમાં ફેરવી દેવામાં આવ્યા છે. આ ટ્રેનને રસ્તામાં સાત જેટલા મોટા ક્રોસિંગ આવે છે પરંતુ એકપણ સ્ટેશને ગેટમેનની વ્યવસ્થા નથી. આની જગ્યાએ ટ્રેનમાં જ ગેટમેન હોય છે જે ટ્રાફિક પણ ક્લિયર કરે છે અને ગેટ પણ ઉતરીને બંધ કરે છે. આ ટ્રેન એક દિવસમાં બે ટ્રીપ લગાવે છે જેનો ઉપાડવાનો સમય નક્કી હોય છે પણ પહોચવાનો સમય નક્કી નથી હોતો. આ ટ્રેનમાં બેઠેલ ગાર્ડ જ ટિકિટ વહેંચે છે. આ ટ્રેનની ખાસિયત એ પણ છે કે એ વાંસડા નેશનલ પાર્કમાં રહીને પસાર થાય છે જ્યાં ચિત્તા, બિલાડી, અજગર, દીપડા, મોટી ખિસકોલીઓ જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. આવી ઐતિહાસિક અને અનોખું મહત્વ ધરાવતી ટ્રેનો આપણા ગુજરાતમાં છે એ ખુબજ આનંદની વાત છે..


રેલવેમાં બાળ ગુનેગારોને રોકવા માટે પ્લૅટફૉર્મ સ્કૂલનો નવતર પ્રયોગ

મુંબઇ: રેલવેમાં સ્ટેશનના પરિસર તથા ટ્રેનમાં મોબાઇલ, ચેન અને પાકીટની ચોરી-લૂંટફાટ સહિત અન્ય કિસ્સામાં બાળ ગુનેગારની સંખ્યાનું પ્રમાણ વિશેષ જોવા મળતું હોય છે, પરંતુ ગુનાખોરીની દુનિયાથી બાળકોને દૂર રાખવા માટે સ્કૂલની દિશા બતાવીને મુંબઇ પોલીસે ડૂબતાને તરણું આપ્યું હોવાનું કહી શકાય. સામાજિક સ્વૈચ્છિક સંસ્થા અને જીઆરપીના ઉપક્રમે ‘પ્લૅટફૉર્મ સ્કૂલ’માં ભૂલ્યા ભટક્યા બાળકની સાથે નિર્દોષ બાળકનું એડમિશન આપવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં ૨૦૧૩ ની તુલનામાં ૨૦૧૪ માં બાળ ગુનેગારના કિસ્સા ઘટ્યા છે અને  કેટલાક કિસ્સાઓમાં નિર્દોષ બાળક તથા અનાથ બાળકને સ્કૂલમાં એડમિશન આપીને તેમને સાચી દિશામાં વાળવાનો પ્રયાસ કર્યો છે. સામાજિક સ્વૈચ્છિક સંસ્થા અને રેલવે પોલીસના સંયુક્ત પ્રયાસથી ચૌદમી નવેમ્બર, ૨૦૧૪ માં આ પ્લૅટફૉર્મ સ્કૂલનું નિર્માણ કર્યું હતું જયારે સ્કૂલ શરૂ કરી ત્યારે સંસ્થામાં ૩૦ બાળકને રાખવામાં આવતા હતા. અમુક કિસ્સામાં ઘરેથી નાસીને મુંબઇ પહોંચનારા બાળકોની સંખ્યા વધારે રહેતી હોય છે. વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૪માં રેલવે સ્ટેશનમાં મોબાઇલ ચોરી, ચેન ચોરી, પાકીટની ચોરી વગેરે કિસ્સામાં બાળ ગુનેગારની કુલ સંખ્યા ૨૩૦ થી વધુ નોંધાઇ હતી એવું જીઆરપીના સાધનોએ જણાવ્યું હતું. હાલમાં સ્કૂલમાં ૧૧ જેટલા બાળકને શિક્ષણ આપવાથી લઇને તેમના ઉછેરની જવાબદારી સંસ્થાએ ઉપાડી છે, પરંતુ તેમને ઉછેરવાનો ઉદ્દેશ ફક્ત બાળકોને સાચી દિશામાં દોરી જવાનો છે. રેલવે સ્ટેશનના પરિસરમાં ચોરીના વધતા કિસ્સામાં બાળકોને વિશેષ દોરવતા જોવા મળ્યા છે. આઇપીસી ૩૭૯, ૩૯૨ ના વિશેષ કિસ્સા નોંધાયા હતા જ્યારે ૩૫૪, ૫૦૯, ૩૧૮, ૪૦૬ તથા ૩૨૪ અન્વયે એકલ દોકલ બનાવ બન્યા હતા આમ બે વર્ષમાં બાળ ગુનેગારના કિસ્સા મધ્ય રેલવેમાં થાણે રેલવે સ્ટેશન, સીએસટી તથા પચ્છિમ રેલવેમાં વસઇ અને બોરીવલી રેલવે સ્ટેશને વધુ જોવા મળ્યા હતા