ATUL N. CHOTAI

a writer – since 2014


મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે આજના નેટિઝન માટે એક ઉદાહરણીય દાખલો બેસાડ્યો છે..

Miss India Manushi Chhillar

Miss India Manushi Chhillar

નાની નાની વાતમાં દુ:ખી થઈ જતા અને માઠું લાગી આવતા સોશિયલ મીડિયા પર ઘૂરકતા આજના નેટિઝન માટે તાજેતરમાં જ મિસ વર્લ્ડનો ખિતાબ જીતી આવેલી માનુષી છિલ્લરે એક ઉદાહરણીય દાખલો બેસાડ્યો છે. પોતાની અટકને લઈને કૉંગ્રેસી નેતા શશી થરૂરે સોશિયલ મીડિયા પર કરેલી ટિપ્પણીને મન પર ન લગાડતા છિલ્લરે ટ્વિટ કરી આ મામલે કોઈ વધારે ઊહાપોહ ન કરવા જણાવ્યું હતું. થરૂરે નરેન્દ્ર મોદી દ્વારા લાદવામાં આવેલી નૉટબંધીની ટીકા કરવા લખ્યું હતું કે ચલણી નૉટો પર પ્રતિબંધ મૂકી કેટલી મોટી ભૂલ કરી છે. ભાજપને ખબર હોવી જોઈએ કે ભારતનું નાણું વિશ્વમાં ચાલે છે. જૂઓ.. આપણી છિલ્લર (ચિલ્લર) પણ મિસ વર્લ્ડ બની છે. તેના જવાબમાં માનુષીએ લખ્યું હતું કે જે છોકરી હમાણાં જ વિશ્વ જીતીને આવી છે તે આવી ટિપ્પણીથી દુ:ખી થાય તેમ નથી. ચિલ્લર બહુ સામાન્ય વાત છે. એ છોકરીની અંદરની ચિલ (ખુશમિજાજી) ભૂલશો નહીં.

જો કે સોશિયલ મીડિયામાં થરુરની ટિપ્પણીથી ભારે નારાજગી વર્તાઈ હતી. આ જોતા થરુરે માફી પણ માગી હતી. જો કે તેમની માફી પણ એક કટાક્ષ જ હતી. તેમણે લખ્યું હતું કે માની લઈએ કે આ વિનોદ બહુ નીચા સ્તરનો હતો. જે લોકોને આવા હળવા વિનોદથી દુ:ખ થયું હોય તેમની હું માફી માગું છું. જે છોકરીના જવાબને મેં ખાસ વખાણ્યું હતું તેને અપમાનિત કરવાનો મારો ચોક્કસ કોઈ ઈરાદો ન હતો. આજકાલ એક સામાન્ય વાક્ય કે રમૂજમાં કરેલી ટિપ્પણી મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. સોશિયલ મીડિયાને લીધે વાત બહુ પ્રસરી જાય છે અને નાનકડી વાત પણ મોટી બની જાય છે. લોકો રમૂજ અને અપમાનમાં ફરક સમજી શકતા નથી કે સમજવા ઈચ્છતા નથી.. ત્યારે આ યુવાન મિસ વર્લ્ડની આ પરિપક્વતા દાદ માગી લે તેવી છે.. (પીટીઆઈ)


ગામડાંની મહિલાઓ અહીં તાલીમ લઈને રેડિયો જોકી બને છે

FM Radio Station in Manipur

FM Radio Station in Manipur

અમદાવાદ ના સાણંદ પાસે આવેલા મણીપુર ગામના આ રેડિયો સ્ટેશનને મહિલાઓ રૂડો રેડિયો તરીકે ઓળખે છે. સેવા એકેડમી નામની સંસ્થા દ્વારા આ રેડિયો સ્ટેશનનું સંચાલન કરવામાં આવે છે. આ એકેડમીનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને ટ્રેનિંગ આપી લીડરશીપના ગુણ વિકસિત કરવાનો છે. તેના માટે મણિપુરમાં ટ્રેનીંગ સેન્ટર છે. અહીં રાજ્યભરની પસંદ થયેલી મહિલાઓને તાલીમ આપી ગામડાઓમાં અન્ય મહિલાઓને તે સેવા આપવા માટે પ્રેરિત કરવામાં આવે છે. તેની અંદર એક ખાસ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે, જે  છે કમ્યુનીકેશન  એક તો મહિલાઓ સારી રીતે લોકો સુધી તેમની વાત પહોંચાડે અને તેનાથી લોકોને ફાયદો થાય એમ બેવડા ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે આ રેડિયો સ્ટેશનનું નિર્માણ થયું છે. સેવા એકેડમીની સ્થાપના ઇલા ભટ્ટ દ્વારા કરવામાં આવી છે જેઓ હાલમાં ગુજરાત વિદ્યાપીઠના ચાન્સલર પદે છે  ઉપરાંત  તેમને અગાઉ પદ્મભુષણ એવોર્ડથી પણ સન્માનિત પણ કરવામાં આવ્યા છે.  ૨૦૦૯ ની સાલમાં સરકાર તરફથી લાયસન્સ 30 લાખ રૂપિયાના ખર્ચે સ્ટુડીયોનું નિર્માણ કરવામાં આવ્યું

આ રેડિયો દ્વારા ૧૦  કિલોમીટરની ત્રિજ્યામાં 90.4 એફએમ બેન્ડ પર ૪૦ ગામડાઓમાં પ્રસારણ જાય છે. મહિલાઓ દ્વારા જ સંપૂર્ણપણે સંચાલિત આ સ્ટુડીયો બાળકો, વડીલો, મહિલાઓ, સ્વાસ્થ્ય, શિક્ષણ તેમજ મનોરંજનના અલગ અલગ કાર્યક્રમો રજૂ કરે છે. સ્વાસ્થ્ય માટે તબીબોની ટીમ દ્વારા પ્રશ્ન જવાબના સેશનના માધ્યમથી લોકોની શંકાઓનું સમાધાન કરવામાં આવે છે. બાળકો માટે ખાસ કાર્યક્રમો અહીં પ્રોગ્રામ કરવામાં આવે છે. પ્રેરણારૂપ કિસ્સાઓનો ઉલ્લેખ તેમજ જાણીતા લોકોના ઇન્ટરવ્યૂ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. મહિલાઓ માટે રસોઇ થી માંડીને અન્ય જરુરી માહિતીની ટિપ્સ પણ રજૂ કરવામાં આવે છે. સંચાલકોના જણાવ્યા પ્રમાણે ઘણા કિસ્સાઓમા અન્ય ગામડાઓમાં વ્યસન મુક્તિ અને સ્વાસ્થ્યના અન્ય સકારાત્મક ઉદેશ્યમાં અહીંથી રજૂ થતી માહિતી લોકોને ફળી છે. પરિણામે ઘણા લોકોએ વ્યસન ત્યજ્યુ પણ છે તેમજ સ્વાસ્થ્યને લઇને જાગૃતિ આવી છે. આ માટે  મહિલાઓની ટીમ પ્રોગ્રામિંગ માટે રિસર્ચ કરે છે. લોકોના પ્રતિભાવ જાણે છે અને કાર્યક્રમથી તેમને શું ફાયદો થયો તેના વિશે માહિતી મેળવે છે. તે સિવાય તેમની માંગણીઓ પ્રમાણે કાર્યક્રમ ડિઝાઇન કરે છે. દરરોજ સવારે ૯  વાગ્યાથી ૧ વાગ્યા સુધી ચાર કલાક માટે કાર્યક્રમ રજૂ થાય છે. જેને બપોરના ચાર વાગ્યા પછી ફરી પ્રસારિત કરવામાં આવે છે. અહીં પસંદ કરાયેલી મહિલાઓને રેડિયો સિવાય કોમ્પ્યુટર, આઇટી અને અન્ય વોકેશનલ કોર્સની તાલીમ પણ વિના મૂલ્યે આપવામાં આવે છે. ત્રણ મહિનાની અંદર મહિલાઓને દરેક ટ્રેનિંગ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. મોટાભાગની મહિલાઓ  ૧૦ – ૧૨   ધોરણ સુધીનો અભ્યાસ ધરાવે છે જે હવે ન માત્ર કોમ્પ્યુટરને સારી રીતે ઓપરેટ કરે છે પણ સ્ટુડીયોમાં સ્ક્રિપ્ટિંગ, એડીટિંગ અને વોઇસ ઓવર પણ આસાનીથી કરી શકે છે. ગામઠી ભાષાથી થતી રજૂઆતના લીધે લોકો સુધી સચોટ રીતે સંદેશો પહોંચે છે, તેમ સંચાલકોનું કહેવુ છે.