ATUL N. CHOTAI

a writer – since 2014


પોરબંદરના પછાત વિસ્તારની ઝુંપડપટ્ટીમાં વૃધ્ધા શકરીમાં અનોખું ઘોડિયા ઘર ચલાવે છે

Ghodiya Ghar

Ghodiya Ghar

માંની મમતા વિશે ઘણું કહેવાયું છે અને  ઘણું સાંભળવા મળે છે ત્યારે સુદામા નગરી પોરબંદરમાં આવેલ છેવાડાના પછાત વિસ્તારની ઝુંપડપટ્ટીમાં રહેતી નાના પરિવારની માં મોટી મમતા સાથે નિઃસ્વાર્થ ભાવે ઘોડિયાઘર ચલાવતી બાળકોનો ઉછેર કરે છે. મધ્યપ્રદેશમાં રહેતા સુમજીના ૬૫ વર્ષના પત્ની શકરીબેન છેલ્લા ૬ વર્ષથી પોરબંદરની સૌરાષ્ટ્ર કેમીકલ્સ ફેકટરીના દંગામાં રહેતી અને મજુરીકામ કરતી પુત્રીના ઘરે રહેવા આવી હતી અને પુત્રી સહીત પરિવારજનો ફેકટરીમાં મજુરી અર્થે જાય ત્યારે દોહીત્રી – દોહીત્રને શકરીમાં સાચવતા – ઉછેરતા હતાં તે દરમ્યાનમાં એ જ વિસ્તારમાં અ્ન્ય પણ બે ડઝન જેટલા શ્રમીક યુગલો ફેકટરીમાં મજુરી કામે જતા હતા અને પેટીયું રળતા હતા. આથી સૌ પ્રથમ તો આજુબાજુના યુગલોના બે ત્રણ બાળકોને શકરીમાં પોતાની દીકરીના દીકરા દીકરીની જેમ દેખરેખ રાખીને નિઃસ્વાર્થભાવે ઉછેરવા લાગ્યા હતાં. બાળકોનો ખુબ જ વ્યવસ્થિત ઉછેર અને  સાર સંભાળ રાખતા શકરીબેન સુમજીના હાથ નીચે આજુબાજુનાં દંગાના બાળકો પણ હેવાયા બનીને મોટા થવા લાગતાં જોતજોતામાં તો દોઢથી બે ડઝન બાળકો અહીં સુમરીમાંના આશરે આવવા લાગ્યા  રેતીના કણ ગણાય પણ માંની મમતા ગણાય નહીં તે ઉક્તિ અહી સાર્થક થતી હોય તેમ દરેક બાળકને પોતાના સંતાનની જેમ જ પ્રેમ અને હુંફથી  શકરીમાં સાચવવા લાગ્યા બાળકો માટે પણ શકરીમાંનો ખોળો એટલે દુનિયાનું સલામત સ્થળ હોય તેમ રહેવા લાગ્યા સવારે મજુરીએ જતા દંપતિઓ પોતાના દોઢ બે વર્ષના બાળકને શકરીમાંના આશરે છોડી દે છે કોઈ તેના માટે નાસ્તો લાવે, તો કોઈ કપડા લાવે, કોઈ બાળકો માટે દુધ લાવે, તેવી રીતે કુદરતના ખોળે ઝુંપડપટ્ટીમાં જ ઘોડીયાઘર બની ગયું છે અહિયાં ઘોડીયું નહીં હોવાથી વૃક્ષની ડાળી ઉપર કપડા બાંધીને ઘોડીયું તૈયાર કરી તેમાં બાળકને ઝુલાવે, રડતા બાળકને રમકડું આપીને  છાના પણ રાખી દે છે અહીંયા બાળકોને સ્વેચ્છાએ પ્રેમથી સાચવતા શકરીમાં પાસે નથી પાક્કા રૃમ, નથી ઘોડીયા કે નથી કોઈ વ્યવસ્થા છતાં પણ પોતાના ઝુંપડામાં તથા ફળીયાનાં ઓટલા ઉપર વૃક્ષ નીચે બેસીને આ વૃધ્ધ માં ના જીવનમંદિરની આરતીમાં બાળકનાં જીવનસુરોનું ગુંજન અદ્ભૂત રીતે સાંભળવા મળે છે.

Advertisements


કલકતા ના શીલાબેન ઘોષ ૮૭ વર્ષની ઉમરે પણ મહેનત કરી સન્માનભેર જીવે છે

Sheela Ghosh - Kokata

Sheela Ghosh – kolkata

નવી દિલ્હી : ભારતમાં મંદિર, રેલ્વે સ્ટેશન, ટ્રાફિક સિગ્નલ પર ઘણી મહિલાઓ અને પુરુષો સામાન્ય રીતે ભીખ માંગતા જોવા મળે છે. ઘણા લોકો સંપૂર્ણ સ્વસ્થ હોવા છતાં પણ ભીખ માંગતા હોય છે જેમને જોઇને લોકો વિચારે છે કે આ લોકો કામ કેમ નથી કરતા..??  જો કે તેનાથી વિપરીત કલકતા ના ૮૭ વર્ષિય મહિલા શીલાબેન ઘોષ ઘણા લોકો માટે આદર્શ બની રહયા છે. શીલાબેન ઘોષ કોલકાતાની એક જાણીતી કંપનીના આઉટલેટ્સની બહાર ચિપ્સ વેચતા જોવા મળે છે. ૮૭ વર્ષિય આ મહિલાને સુપરવુમનનું ઉપનામ આપવામાં આવે તો નવાઇ નહીં મુશ્કેલીને કારણે હાર માનતા લોકો માટે શીલાબેન આદર્શ અને ઉત્તમ નમૂનો છે. કેન્સરને કારણે પોતાના પુત્રને ગુમાવ્યા બાદ આ મહિલા ઘણી મુશ્કેલીઓનો સામનો કરી ભીખ માંગવાને બદલે પોતાની જાતે જ મહેનત કરી સન્માન ભેર જીવન જીવી રહી છે. સામાન્ય રીતે આ વયના લોકોને ઘણી બિમારીઓ હોય છે અને તેઓ ઘરની બહાર પગ પણ મૂકી શકતા નથી. જો કે શીલાબેન સાથે આવું નથી અને તે છેલ્લા પાંચ વર્ષથી આ જ રીતે પોતાના પરિવારનું પાલન પોષણ કરે છે. આપણને બધાને આ વાત ઉપર થી ઘણું શીખવા અને સમજવા મળે છે


ગાંધીનગરની આ ગુજરાતણે એરફોર્સની મહિલા પાંખનું નેતૃત્વ કર્યું

Sneha Shekhavat

Sneha Shekhavat

રાષ્ટ્રપતિ બરાક ઓબામાની હાજરીના કારણે દિલ્હીમાં યોજાયેલી પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઐતિહાસિક બની રહી હતી. અતિથી ઓબામાની ઉપસ્થિતિમાં યોજાયેલ એરફોર્સની પરેડની એક એવી ક્ષણ જે ગુજરાતીઓ માટે ઐતિહાસિક બની રહી હતી. વાયુસેનાની પરેડ દરમિયાન જ્યારે મહિલા પાંખની ટુકડી શિસ્તબદ્ધ પરેડ કરતી પસાર થઇ ત્યારે ખુદ વડાપ્રધાન મોદીની પણ છાતી એક ગુજરાતી તરીકે ગજ ગજ ફૂલી.. કારણ હતું કે એરફોર્સની એ મહિલા પાંખનું નેતૃત્વ કરી રહી હતી એક ગૌરવવંતી ગુજરાતણ, આ ગુજરાતણ છે ગાંધીનગરની દિકરી સ્નેહા શેખાવત.

ક્ષત્રિય સમાજમાંથી આવતા એરફોર્સનાં ફલાઇટ લેફ્ટનન્ટ સ્નેહા શેખાવતનાં પિતાનો પરીવાર મુળ રાજસ્થાન સિકર જિલ્લાનાં હરીદાસ ગામનો વતની છે. પિતા મહાવિરસિંહ શેખાવત સચિવાલયનાં સંવર્ગનાં અધિકાર તરીકે રહ્યા બાદ રાજયપાલનાં ૧૦ વર્ષ સુધી ઉપસચિવ રહ્યા બાદ વર્ષ  ૨૦૧૩માં નિવૃત થયા છે.

નાનપણમાં જ સ્નેહાએ ૧૫ જેટલા કેમ્પ કર્યા હતા. પોતાનાં ક્ષાત્ર ધર્મ તથા દેશપ્રેમથી તેણીએ એરફોર્સનાં પાઇલોટ બનવાની મનોમન નક્કી કરી લીધું હતું. સ્નેહાએ ધાર્યુ હોત તો પ્રોફેસનલ પાઇલટ પણ બની શકી હોત પરંતુ દેશ સેવાની તેણીની ધગશ તેણીને આટલા ઉંચા મુકામ સુધી લઇ ગઇ. ગાંધીનગરની રહેવાસી સ્નેહા શેખાવતે આ પહેલા પણ  ૨૦૧૨ની પરેડમાં એરફોર્સની ૧૪૪  પુરુષો અને ૪ મહિલાઓના સંયુક્ત દળનું નેતૃત્વ કરીને ભારતના ઈતિહાસમાં સ્વાતંત્રય  દિનની પરેડમાં સરંક્ષણ દળનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ હતું.

સ્નેહા શેખાવત હાલ વડોદરા એરફોર્સમાં ફરજ બજાવે છે. સ્નેહાનાં પતિ સૌરભસિંહ પણ વડોદરા ખાતે એરફોર્સમાં જ સ્કોડ્રન લીડરનાં પદે નિયુક્ત છે. સ્નેહાનાં પિતા મહાવીરસિંહ, માતા જાગૃતિબા તથા ભાઇ અજીતસિંહ (સીએ) સહિતનો પરીવાર ગાંધીનગરના રાયસણ પાસે રહે છે. દેશદાઝની પ્રબળ ભાવના સાથે પ્રગતિના પંથો સર કરનાર સ્નેહાએ અત્યાર સુધીમાં અનેક મેડેલો પણ જીત્યા છે. પરંતુ સ્નેહાની આ સિધ્ધિએ તેની સાથે જ ગુજરાતને પણ ગૌરવ અપાવ્યું હતું. ગુજરાતની દિકરી વિશ્વના બે શક્તિશાળી નેતાઓ સામે એરફોર્સની મહિલા પાંખનુ નેતૃત્વ કરતી જોવા મળી હતી તેમજ ગુજરાતીઓ માટે આ ક્ષણ ઇતિહાસના પાને કંડેરાઇ ગઇ હતી.


હડિયોલમાં કુતરાઓને રોટલા અને મિષ્ટાન જમાડવામાં આવે છે

dog food

dog food

સામાન્ય રીતે હિંદુ શાસ્ત્રોમાં કુતરાઓને ભોજન કરાવવાનું પણ અનેરુ મહત્વ દર્શાવાયુ છે ત્યારે ગ્રામ્ય વિસ્તાર માં આજે પણ પ્રાણી પ્રેમીઓ તેમને ખવડાવીને અન્નદાનનું પુણ્ય મેળવે છે.

હિંમતનગર તાલુકાના હડિયોલ ગામે વર્ષ ૧૯૮૫માં પૂજય જેશીંગબાપાની પ્રેરણાથી દર માસની અગિયારસે શ્વાન માટે ૩૫ કિલો લોટમાં એક ડબો તેલ અને ૧૫ કિલો ગોળ નાખીને શીરો બનાવાય છે. તે જ પ્રમાણે દર માસની પૂનમ અને અમાસે ગામની મહિલાઓ બાજરીના રોટલા બનાવીને કુતરાઓના ટોળાઓને નિયમિત રીતે ખવડાવે છે. ગામમાં રહેતા લાખાભાઇ અમીચંદભાઇ પટેલનું કહેવુ છે કે અમારા વડવાઓએ ભૂતકાળમાં કહેલા કાર્યોની પ્રેરણા લઇ અમો પ્રાણીઓને ખવડાવીએ છીએ. ગામની ૩૫ થી વધુ મહિલાઓ દ્વારા કરાતા કાર્યમાં દાન આપવા માટે ગામલોકો આજે પણ ખૂબ ઉત્સુક છે.


સ્મશાનમાં ૫૦ વર્ષથી વધુ સેવા આપનાર કડવીમા આજે દરેક લોકોના હ્રદયમાં જીવંત છે

Kadviba Bareiya

Kadviba Bareiya

સામાન્ય રીતે સ્મશાન એ ડરામણુ સ્થળ છે પરંતુ ભાવનગરના ૮૫ વર્ષીય વૃદ્ધા કડવીમા માટે તે નિવાસસ્થળ છે. છેલ્લા ૫૦ કરતા વધુ વર્ષોથી તેઓ પોતાનુ જીવન અહીંજ વીતાવી રહ્યા છે. અત્યાર સુધીમાં શહેરના કેટલાય મૃતદેહોને અગ્નિદાહ આપીને પોતાનો સેવા ધર્મ બજાવી ચૂકયા છે.

સ્ત્રી પરંપરાઓની બેડી તોડીને તેઓએ અહીં આશ્રય લીધો છે. લાંબા અરસાથી વિધવા તરીકે જીવન ગુજારતા કડવીમા માટે અહીં કુંભારવાડા સ્મશાન જ જીવનનું અંતિમ ધ્યેય બની ગયુ છે. રેલવે ફાટક પાસે આવેલા સ્મશાનમાં કોઇની અંતિમ યાત્રા આવે છે કે સૌથી પ્રથમ લાકડા ઉંચકીને ગોઠવવાવાળા કડવીમાં હોય છે. તેમના અનેક સન્માનો થયા છે, મહિલા દિને ચંદ્રકોથી નવાજવામાં આવ્યા છે. કારણ કે તેમણે તેમના સ્ત્રીતત્વને ગૌરવમય બનાવ્યુ છે.

કડવીમા માટે આ કામ પસંદ કરવાનું મુખ્ય કારણ આર્થિક પરિસ્થિતિ છે. વર્ષો પૂર્વે તેઓએ આવકના સાધન તરીકે સ્મશાનમાં લાકડા હેરફેરનું કામ સ્વિકાર્યું હતું. જો કે  હાલમાં તો તેઓને માત્ર જીવન નિર્વાહ પૂરતી આવક મરણજનાર વ્યક્તિના સ્વજનો પાસેથી મળી રહે છે. વળી, તેના એકના એક પુત્ર પાસેથી પણ આર્થિક સંકડામણના લીધે કોઇ સહાય ન મળતા છેલ્લાં શ્વાસ સુધી આ જ સેવા સ્વિકારી લીધી છે. લોકોની સેવામાં કડવીમાએ આખી જિંદગી વીતાવી દીધી છે. પરંતુ હાલ વૃદ્ધાવસ્થામાં તેમની સ્થિતિ ડામાડોળ થઇ ગઇ છે.

મૂળ નામ કડવીબેન બારૈયા શહેરમાં કડવીમા તરીકે જ ઓળખાય છે. પતિનુ અવસાન થઇ ચૂકયુ છે અને સંતાનોમાં ૨ પુત્રો તેમજ એક પુત્રી પૈકી પણ એક દિકરાનુ અવસાન થઇ ગયુ હોવાથી અનેક સન્માનો, એવોર્ડઝ મેળવ્યા છતાં પણ આર્થિક સંકડાશમાં જિંદગી ગુજારી રહ્યા છે. અને અમને મળેલા એક સમાચાર મુજબ થોડા સમય પહેલા તેમનું અવસાન થયું છે. તેમણે સમાજ માટે કરેલી સેવા ખરેખર ધન્યવાદને પાત્ર છે.


વેરાવળના બાદલપરા ગામમાં મહિલાઓનું રાજ ચાલે છે

Badalpara Women Village

Badalpara Women Village

રાજય સભાના સાંસદ અને ધારાસભ્યો દ્વારા આદર્શ ગામ અને એમા પણ સ્વચ્છતાને અગ્રતાનો નિર્ધાર છેલ્લા કેટલાક સમયથી થઇ રહેલ છે. પણ ગીર સોમનાથ જીલ્લાના પ્રભાસપાટણ સોમનાથ થી પ કિલોમીટર દુર આવેલા બાદલપરા ગામ સીસી ટીવી કેમેરા અને વાઇફાઇ કનેકટીવીટીથી સજ્જ છે. જયારે આ ગામમાં સ્વચ્છતાનો મંત્ર અમલમાં છે અને ખરા અર્થમાં મહિલાઓનું અહિ રાજ પણ ચાલે છે.

આ ગામની વિશેષતાએ છે કે ગુજરાતની પ્રથમ મહિલા સમરસ બોડી ધરાવતા આ ગામની સત્તા મહિલાઓના હાથમાં છે અને સરપંચ સહિત તમામ મહિલાઓ સદસ્યો ગામના વિકાસ માટે હંમેશા તત્પર રહે છે. આટલુ જ નહિ આ ગામના તલાટી મંત્રી પણ મહિલા છે. ગામમાં કયાય પણ ગંદકી નજરે પડતી નથી અને શેરીએ શેરીએ ગંદકી ન થાય તે માટે ડસ્ટબીનો મુકવામાં આવેલ છે અને પીવાના પાણીની સમસ્યા નથી.

બાદલપરા ગામના પુરૂષો મહિલાઓને પુરૂષ સમોવડી ગણે છે અને એટલે જ માટે મહિલા સરપંચ નહિ પરંતુ તમામ સદસ્યો પણ મહિલા સાથે પંચાયતો કારોભાર મહિલાઓએ સંભાળેલ છે. ગીર સોમનાથ જીલ્લાના અક્ષર મહિલા બોડી ધરાવતા બાદલપરા ગામને મહિલા સરપંચ અને સભ્યોએ બનાવ્યું અત્યાધુનિક સુવિધા સજ્જ ગામને સજ્ઞાતિ દૃષ્ટીએ સીસીટીવી કેમેરાથી સજજ કર્યુ તો ઘરે ઘરે ઇન્ટરનેટના વપરાશ માટે આખા ગામને વાઇફાઇ કનેકટીવીટી ઉપલબ્ધ કરાવેલ સ્વચ્છતા સુરક્ષા અને સુવિધાની દૃષ્ટીએ રાજયમાં નમુનેદાર તરીકે આવતુ બાદલપરા ગામ. જયારે મેટ્રો સીટી પણ સંપૂર્ણપણે વાઇફાઇ કનેકટીવીટી કે સીસીટીવી કેમેરાથી સજજ નથી ત્યારે કદાચ ગુજરાત ભરનું એક માંત્ર ગામમાં આ બંને અત્યાધુનિક સુવિધાથી સંપૂર્ણ સજજ છે.

મહિલા શકિતનું અનેરૂ ઉદાકરણ પુરૂ પાડતા આ ગામના સરપંચ ભાવનાબેન બારડે જણાવેલ કે આજે વિશ્વ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં હરણફાળ ભરી રહેલ છે ત્યારે અમારૂ ગામ કેમ પાછળ રહે ગામને ૧૦ થી વધુ સી.સી કેમેરાની ત્રિજી આંખથી સુરક્ષીત કરાવુ છે. તો ઘરે ઘરે ઇન્ટરનેટ માટે સંપૂર્ણ ગામને વાયફાયથી કનેકટીવીટીવી સજજ કરાયું છે. સ્વચ્છતા સુવિધા અને સુરક્ષા ધરાવતા બાદલપરા ગામમાં સ્વચ્છતા ઉડીને આંખે વળગે છે વર્ષ ર૦૦૭માં આદર્શ ગામ બાદલ નિર્મળગામ ૧૦૦ ટકા સૌચાલય સહિતના એવોર્ડ આ ગામે હાસલ કરેલ છે આ ગામની મહિલા બોડીને પુરૂષો પણ પુરતું સમર્થન આપી વિકાસમાં મદદરૂપ બને છે. ગામમાં ધુમ્રપાન પ્રતિબંધ અને નિયમ તોડનારને રૂ. પ૦૦ નો દંડ છે.

સરસ્વતી નદીના કાંઠે વસેલુ બાદલપરા ગામની બાજુમાંથી પસાર થતી કપીલા નદીને સુંદર સરોવરમાં પરીવર્તીત કરી ત્યા તહેવારો સમયે નૌકા વિહાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે તો બાળકો માટે રમણીય અને રમત ગમત સાધનોથી સજજ બગીચાઓનું નિર્માણ કરવામાં આવેલ ગામમાં દરેક મકાનો ભીત સુત્રો તેમજ આકર્ષક તૈલી ચિત્રો દોરેલ છેતેમજ સમગ્ર ગામને જયારે સામુહિક જાણકારી આપવાની હોય છે ત્યારે દરેક શેરી મહોલ્લામાં સાઉન્ડ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે. ગામમાં એક પણ ગંદકી નજરે પડતી નથી ગામને મહિલો સતાધિશોએ વિજળી પાણી રસ્તા જેવી પ્રાથમીક સુવિધાથી વાઇફાઇ અને સીસીટીવી કેમેરાથી સજજ કરી અત્યાધુનિક બનાવી નમુનેદાર ગામ તરીકે પ્રસ્થાપિત કર્યુ છે.

આ ગામમાં પૂર્વ ધારાસભ્ય અને આ ગામના ભગવાનભાઇ બારડના પ્રયાસોથી ૧પ વર્ષ પહેલા સમગ્ર ગામના તમામ રોડ અને પંચાયતની જયા પડતર જગ્યા હતી તે તમામ જગ્યામાં લીમડા સહિત અને વૃક્ષો અને સુગંધીત ફુલો વાવવામાં આવેલ અને અંદાજીત પ હજાર જેટલા વૃક્ષો વાવેલ અને તેને જતન કરી અને મોટા કરવામાં આવેલ છે તેમજ ગામને અડીને કપીલા નદી પસાર થાય છે તેમાં વિશાળ સ્વ. ધાનાભાઇ માંડાભાઇ  સરોવાર બનાવવામાં આવેલ છે જેથી આજુબાજુની સીમના તળ ઉપર આવેલ અને ગામના ખેડુતોને સિચાઇ માટે આ તળાવમાંથી પાણી મળી રહી છે જેથી ગામના ખેડુતો અને સમગ્ર ગામ ખુશ અને નિરોગી જોવા મળે છે.


ગુજરાતના રેલવે ફાટક પર એક માત્ર શકુંતલાબેન ગજ્જર ગેટવુમન છે

Shakuntlaben Gajjar

Shakuntlaben Gajjar

ગુજરાતના સિદ્ધપુર કાકોશી ફાટક પાસે રાત્રે ૮ વાગ્યાથી બીજા દિવસે સવારે ૮ વાગ્યા સુધી અમદાવાદ ડિવિઝનનાં ૧૦૦૬ ગેટમેનો પૈકી એકમાત્ર શકુંતલાબેન ગેટવુમન તરીકે છેલ્લા ઘણા વર્ષોથી પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યાં છે. પતિના મૃત્યુબાદ પરિવારના બે પુત્ર અને બે પુત્રીની જવાબદારી નિભાવવા તેમણે આ પડકારરૂપે કામગીરી હસતા મોંએ સ્વીકારી હતી. જેની ફરજનિષ્ઠાને રેલવેવિભાગે પણ બિરદાવીને તાજેતરમાં તેઓને પુરસ્કારથી સન્માનિત કર્યા છે.

સિદ્ધપુર શહેરની ૧૮૮ A કાકોશી ફાટકે પર ઉભા રહી ફાટક ચાલુ બંધ કરી ટ્રેનોના ચાલકને લાલટેન બતાવી લીલીઝંડી ફરકાવી સંદેશો પાઠવતાં શકુંતલાબેન પ્રભુનારાયણ ગજ્જર અમદાવાદ ડિવિઝનમાં ફરજ બજાવતાં ૧૦૦૬ ગેટમેનો પૈકી એકમાત્ર મહિલા છે. જ્યાં ફરજ દરમિયાન પુરુષો પણ ડગી જાય તેવી ગેટમેનની નોકરી કરતાં ગેટવુમન એવાં મહેસાણાની દેવકીનંદન સોસાયટીમાં રહેતાં શકુંતલા બેન ગજ્જર પતિના મૃત્યુબાદ રેલવેમાં રહેમરાહે મળેલી નોકરીને પૂરી નિષ્ઠાને ખંતથી સહજતાપૂર્વક છેલ્લા સાત વર્ષથી નિભાવી રહ્યાં છે. જેઓ રોજ મહેસાણાથી સિદ્ધપુર ટ્રેનમાં અપડાઉન કરે છે.

આ અંગે શકુંતલબેને જણાવ્યું હતુ઼ કે મહિનામાં ૧૪ દિવસ નાઈટ રાત્રે ૮થી સવારે ૮ અને ૧૨ દિવસ સવારની નોકરી કરું છું. રાત્રિના દરરોજ 3પ ગાડીઓની આવન જાવન થતી હોવાથી પ્રત્યેક ગાડી દીધ ફાટક ખોલવું બંધ કરવું. લાલ-લીલી ઝંડી ફરકાવવી બત્તી બતાવવી અને ટ્રેનનો રેકોર્ડ લખવા આખી રાત જાગવું પડે છે. પરિવારમાં બે પુત્ર ને બે પુત્રોઅોને ભણાવી ગણાવી મોટા કર્યા છે. બે પુત્રીઓને પરણાવી છે. એક પુત્ર મિકેનિકલ એન્જિનિયર બીજો પુત્ર કોમ્પ્યુટર એન્જિનિયર બનાવ્યો છે. આપણે કોઈના ઓશિયાળા ન રહેતાં પગભર થઈ પોતાનું જીવન જીવવા માટે હસતા મોં એ આ નોકરી કરું છું. જેને માટે રેલવે તંત્રની આભારી છું.

અમદાવાદ રેલવે ડિવિઝનના જનસંપર્ક અધિકારી હિતેન્દ્રકુમાર જયંતના જણાવ્યા મુજબ અમદાવાદ ડિવિઝનમાં ફરજ બજાવતાં ૧૦૦૬ ગેટમેનો વચ્ચે સિદ્ધપુર ખાતે ફરજ બજાવતા઼ શકુંતલબેન બાદ તેમણે રહેમરાહે નોકરીમાં લેવાયા હતા અને માગ્યા મુજનો પોસ્ટિંગ અપાયું હતુ઼. જે ખંતથી ફરજ બજાવી રહ્યાં છે. અમદાવાદ રેલવે ડિવિઝનમાં સમાવષ્ટિ રેલવેફાટકો પર ફરજ બજાવતા ૧૦૦૬ ગેટમેનોમાં શકુંતલાબેન એકમાત્ર મહિ‌લા ગેટમેન છે. ગેટકીપર તરીકે સાથે નોકરી કરતા કર્મચારી ક્યારેક ન આવે ત્યારે ૨૪ કલાકની નોકરી કરવી પડે. આ સંજોગોમાં પૂરતા આરામના અભાવે રાત્રીના સમયે આંખ મીંચાઇ જવાનો ભય રહે છે. ઝોકું આવી જતાં ટ્રેન ફાટકે ઉભી રહી ગઇ હોવાના કિસ્સાનો પણ તેઓ નિખાલસપૂર્વક સ્વીકાર કરે છે..