ATUL N. CHOTAI

a writer – since 2014


આ બહાદુર ગુજરાતી મહિલાએ ૧૦૦ થી વધુ વાર સિંહનો સામનો કરેલ છે

manjuben makvana

manjuben makvana

આપણે જયારે ભણતા ત્યારે ચારણ કન્યા સાવજોને ભગાડતી હતી તેની વાત આવતી હતી તેવી જ રીતે અમરેલી જીલ્લાનાં ખાંભાના ૪૫ વર્ષિય મંજુબેન મકવાણા નામના મહિલા વર્ષોથી પોતાનાં બકરા ચરાવવાં ઘોર જંગલમાં એકલા જઈને અનેકવાર સિંહોને ભગાડી પોતાનાં બકરાનાં જીવ બચાવી આ મહિલાએ શુરવિરતાનું ઉદાહરણ પુરૃ પાડયું છે.

ખાંભાનાં ભગવતીપરામાં રહેતા મંજુબેન મકવાણા છેલ્લા ૨૦ વર્ષથી પોતાનાં બકરા જંગલમાં ચરાવી ગુજરાન ચલાવી રહ્યા છે. ગમે તેવા તડકા અને વરસાદમાં પણ સવારે આઠ વાગે બકરા લઈને જંગલમાં જતા મંજુબેન સાંજે છ વાગે પાછા ફરે છે. સવારે બકરાને લઈને ખંભે કુહાડી નાખી ઘરેથી નીકળી જતા મંજુબેન બપોરનુ ભોજન પણ સીમમા સાથે લઇ જાય છે. જંગલમાં સાવજની ડણકથી માનવીનાં હાજા ગગડી જાય છે પરંતુ ૪૫ વર્ષિય પાતળા બાંધાનાં મંજુબેન એક મહિલા હોવા છતાં પણ મરદ મુછાળા પુરૃષને શરમાવે તેવી લોખંડી હિંમત દાખવે છે. માલધારી ગોવાળો તેને ચારણ કન્યાનાં ઉપનામે સંબંધો છે.

સાવજોનાં નેશ ગણાતા બાવાગાળા, ધોળીનેશ, ભુત વડલી, રાહાગાળા વિસ્તારમાં કોઈપણ ડર વગર બકરા ચરાવતા મંજુબેનને અનેકવાર સાવજોનો ભેટો થઈ ચૂકેલો છે. તેઓએ જાનનાં જોખમે સાવજોને ભગાડી પોતાનાં બકરાનાં જીવ બચાવેલા છે. ઉંમર પ્રમાણે કાને ઓછું સાંભળતા મંજુબેન એક કિલોમીટર દૂરથી પ્રાણીઓને પારખવાની કુશળતાં ધરાવે છે. ખંભે કુહાડી અને કુહાડીનાં છેડે ભાથુ બાંધી જંગલનાં રાજાને હિંમતપૂર્વક બકરાની આસપાસ પણ ફરકવા દેતા નથી. લગભગ સો વખત સિંહોને બકરાથી દૂર હડસેલનાર મંજુબેનને હવે સાવજોનાં જરાપણ ડર રહ્યો નથી..


પાટડી ના ૧૦૫ વર્ષનાં માજી પરિવારના ગુજરાન માટે શાકની લારી ચલાવે છે

Kanuben Thakor - Patdi

Kanuben Thakor – Patdi

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી ગામમાં જીવનની અનેક તડકી – છાંયડી જોયા બાદ પોતાની બોબડી પુત્રવધુ અને અપંગ પુત્રની ૧૦૫ વર્ષની વૃદ્ધ માતા આજેય શાકભાજીની લારીથી પોતાના ગરીબ પરિવારનું ગુજરાન ચલાવે છે. જીવનમાં આવેલા એક પછી એક દુ:ખનાં પહાડને પાર પાડવા આ વૃદ્ધાએ અનેક માનતાઓ સાથે બહુચરાજી, અંબાજી, રણુંજા અને છેક દ્વારકા સુધીની પગપાળા યાત્રાઓ પણ કરી છે. પાટડી ખાતે આવેલી શાકમાર્કેટની મુલાકાત લો તો તમને યુવાનોને પણ શરમાવે એવા ૧૦૫ વર્ષનાં વૃધ્ધા કનુબેન  ઠાકોર વટથી શાકભાજીનો ધંધો કરતો જોવા મળે છે.  પોતાની આંખોમાં ઝળહળિયા સાથે તેઓ પોતાનું દુઃખ જણાવતા કહે છે કે  હું અને  મારા પતિ ચકાજી સડલીયા (ઠાકોર) દરબારી નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. મારે સંતાનમાં સાત દિકરા અને ૧  દિકરી હતી પરંતુ પતિનાં મોત બાદ કુદરતની ક્રૂર થપાટ સામે મારા ૭ દિકરામાંથી પાંચ દિકરા અકાળે મોતને  ભેટ્યા હતાં મારો મોટો દિકરો જીવો દુદાપર ગામે મજૂરી કામ કરે છે અને એનાથી નાનો દિકરો બળદેવ અપંગ છે. જ્યારે એની પત્ની બોબડી છે અને જીવનમાં આવેલા એક પછી એક દુઃખનાં પહાડ સામે મે અનેક માનતાઓ રાખી હતી અને  સતત ૨૫ વર્ષ સુધી દર પૂનમે પગપાળા બહુચરાજી પણ ગઇ હતી આ સિવાય માનતાઓ પુરી કરવા અંબાજી, રણુંજા અને છેક  દ્વારકા સુધીનાં પગપાળા યાત્રાઓ કરી છે. અને આજની તારીખે પણ હું મારા અપંગ દિકરાને લઈને સવારે નવ થી બપોરનાં એક વાગ્યા સુધી શાકભાજીની લારી પર બેસવા અચૂક જવુ છું. ખરેખર ૧૦૫  વર્ષની વયે પોતાના અપંગ દિકરા અને બોબડી પુત્રવધુ માટે શાકભાજીની લારી દ્વારા પેટીયુ રળતા પાટડી ના ૧૦૫ વર્ષના વૃદ્ધાની જીંદાદિલીને ચાલો તેમને દિલથી સલામ  કરીએ


મહિલા કલેક્ટરની દિકરી પાછળ માતાનું નામ લાગે છે

Rekhaba Sarvaiya - Deputy Collector

Rekhaba Sarvaiya – Deputy Collector

વહાલની ઢગલી પર પગલી પાડે એનું નામ દીકરી માતા – પિતાના સંસ્કાર અને શોખનો વારસો સાચવીને સંતાન ઉછરતું હોય ત્યારે માતા-પિતા માટે એ ધન્યતાની ઘડી છે આવી જ ધન્યતા મૂળ છત્રાળાના અને હાલ મોરબીમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા રેખાબા સરવૈયા અનુભવી રહ્યા છે. અપરિણીત રેખાબાની કૂખે ત્યાં 4 વર્ષ પહેલાં અવતરેલી ટેસ્ટ ટ્યૂબ બેબી આજે સુંદર ઢીંગલી બનીને આંગણું દીપાવી રહી છે એટલું જ નહીં આ દીકરી માતાની કવિતાનો વારસો પણ સાથે લઇને જન્મી હોય તેમ એજ કલ્પનાઓ સાથે ઉછરી રહી છે. જીવનમાં પડકારોથી ડરવાને બદલે પડકારોને જીવન માની લેનારા પણ કેટલાક લોકો હોય છે અને તેમાં નામ છે રેખાબા સરવૈયા જે  રૂઢિચુસ્ત ગણાતા રાજપૂત સમાજમાંથી આવે છે પોતાના પરિવારજનો અને સગાં સંબંધીઓના સહકારથી 39 વર્ષની વયે ટેસ્ટ ટ્યૂબ બેબી પદ્ધતિથી આજથી 4 વર્ષ પહેલાં 11 – 11 -1 1 નો શુકનાંક જાળવીને કૃત્રિમ ગર્ભાધાન થકી દીકરીને જન્મ આપીને પોતાના પરિવાર જ નહીં પરંતુ સમાજમાં પણ વૈચારિક અજવાળું પાથર્યું છે. રેખાબાએ ટેસ્ટ ટ્યૂબ બેબીને જન્મ આપ્યો તે અભિજ્ઞા નામની દીકરી  આજે  4 વર્ષની થઇ ચૂકી છે ત્યારે રેખાબા કહે છે કે, હું કવિતાઓ લખું છું. સર્જન કરું છું, પરંતુ આ મારું અત્યાર સુધીનું સૌથી મોટું સર્જન છે અને મારી દીકરી અભિજ્ઞા સાક્ષાત ઇશ્વરે લખેલી મારા માટેની કવિતા છે. અભિજ્ઞા મારી જેમ જ કલ્પનાઓ કરે છે. એટલું જ નહીં એ કલ્પના પછી તે મારી સાથે વાત કરે છે કે મા ચાંદામામા હવે કેમ દેખાતા નથી. આ તારાઓ કેવી રીતે ઝગમગે છે. શું હોય છે અને તેથી જ મને લાગે છે કે, તેણે મારો આ વારસો પણ સંસ્કારોની સાથે જ પહેલાં જ પોતાનામાં સંઘરી લીધો છે.  રેખાબાએ જણાવ્યું હતું કે, મારી આ દીકરીને હું પિતા વગર પણ સમાજમાં એક અદકેરું અને પ્રતિષ્ઠિત નાગરિકનું સ્થાન અપાવીશ અને તેના માટે જે કાંઇપણ ભોગ આપવો પડે તે આપીશ અને કોઈપણ જાતની પાછી પાની નહીં કરું.


એક સમયે પારકા કામ કરતી મહિલા આજે અન્યને રોજગારી આપે છે

Manjulaben Kananai

Manjulaben Kananai

રાજકોટ : હા.!! એ સમય હતો દારુણ ગરીબીનો.. જયારે મારી પાસે કોડી પાઇ નહોતી અને કોઇ સહારો પણ નહોતો  6 મહિનાની ફૂલ જેવી પુત્રી અને સાડા ત્રણ વર્ષના માસૂમ પુત્રને લઇને ક્યાં જવું..?? ભૂલકાંઓના પેટનો ખાડો કઇ રીતે પૂરવો..?? એ સમસ્યા હતી કોઇ માનશે નહીં પણ એક વખત તો કોઇએ શેરીમાં ફેંકી દીધેલી રોટલીનો ટુકડો ખાઇને દિવસ ટૂંકાવ્યો હતો..!! ટંકારાના નાનકડાં નેકનામ ગામના મંજુલાબેન કાનાણી ભૂતકાળની વાત કરે છે ત્યારે આજે પણ તેમની આંખમાં આંસુ આવી જાય છે. મંજુલાબેનની સંઘર્ષગાથા પણ અદ્દભુત છે. હડિયાણા નામના ગામમાં એક અતિ ગરીબ પરિવારમાં તેમનો જન્મ થયો હતો અને  નેકનામ ગામના પ્રવીણભાઇ સાથે તેમના લગ્ન થયા તેમના પતિ સુરતમાં નોકરી કરતા હતા દાંપત્યજીવન દરમિયાન એક પુત્ર અને એક પુત્રીના જન્મ થયો  વર્ષ  2003 માં પતિ પ્રવીણભાઇનું કેન્સરની બીમારીમાં યુવાન વયે નિધન થયું માત્ર 24 વર્ષની વયે મંજુલાબેનના ચૂડી – ચાંદલો નંદવાયા અને બે માસૂમ સંતાનો સાથે આવડા વિરાટ વિશ્વમાં મંજુલાબેન અચાનક સાવ એકલા – અટૂલા થઇ ગયા પિયરિયા એટલા ગરીબ હતા કે ત્યાં ઊલટા ભારરૂપ થવા જેવું હતું  તથા સાસરિયાંઓએ પણ તેમને તરછોડી દીધા  આવી દયનીય સ્થિતિમાં છપ્પનની છાતી ધરાવતો માણસ પણ ભાંગી પડે, તૂટી જાય અને  ન કરવાનું કરી બેસે પણ આ નારી નોખી માટીની હતી આવા સમય સામે મંજુલાબેન ઝૂક્યા નહીં  તેઓ કહે છે મેં નેકનામમાં જ રહેવાનું પસંદ કર્યું  હું તો અભણ હતી નોકરી ક્યાંથી મળે…??  તેમણે ચાર ઘરના કામ રાખ્યા અને સખીમંડળમાં જોડાયા કરકસર કરીને બ્યૂટી પાર્લરનો અને સિવણનો કોર્સ કર્યો અને સિવણ શીખવવાનું શરૂ કર્યું  તેમને ત્યાં સિવણ શીખવા આવતી કેટલીક યુવતીઓ ખાખરાના કારખાનામાં કામ કરતી હતી તેમની પાસેથી ખાખરા બનાવતા શીખ્યા. રૂ. 2.18 લાખની લોન લીધી અને વસંતભાઇ મહેતાના ઘરમાં નાના પાયે ખાખરા બનાવવાનું શરૂ કર્યું જે આજે બાલાજી ગૃહઉદ્યોગના નામે પ્રખ્યાત છે ધીરે ધીરે ખાખરાનો ધંધો જામતો ગયો અને આજે તેમના પ્લાન્ટમાં દરરોજ 300 કિલો ખાખરાનું ઉત્પાદન થાય છે.ડિમાન્ડ તો રોજની 1500 કિલોની છે  તેમને ત્યાં અત્યારે 25 કરતા વધારે યુવતીઓ કામ કરે છે એક સમયે જેમને ટુકડો રોટલીના સાંસા હતા એ મંજુલાબેન આજે દર મહિને દોઢ લાખનો પગાર ચૂકવી રહ્યા છે. મંજુલાબેને ભારપૂર્વક જણાવ્યું હતું કે ખરાબ સમય સામે ક’દી હારવું નહીં અને ગમે તેવા  સંજોગો સામે ઝૂકવું પણ નહીં સાહસ કરવું, ખરાબ સમય પણ વીતી જ જશે એ વિશ્વાસ રાખવો, પ્રચંડ પુરુષાર્થ કરવો અને એ પુરુષાર્થના જોરે સ્વયંનું પ્રારબ્ધ ઘડવું આજની યુવતીઓ માટે શિક્ષણ ખૂબ જરૂરી છે હું અભણ હતી એટલે મારે પારકા કામ કરવા પડ્યાપણ મારા સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવાનું મારું સ્વપ્ન હતું  અત્યારે તેમનો પુત્ર હાર્દિક કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે અને પુત્રી ખ્યાતિ એસએસસીમાં છે  મંજુલાબેન તેમના ગામની યુવતીઓને પણ અભ્યાસ માટે સતત પ્રેરણા આપતા રહે છે


ફ્રાંસની એક મહિલા ૪૦ વર્ષથી હનુમાનજીની પૂજા કરે છે

Mocha Hanuman - Porbandar

Mocha Hanuman – Porbandar

અમદાવાદ : રામાયણમાં ભગવાન રામના સેવક દૂત બનીને રાવણનો સંહાર કરવામાં મદદ કરનારા બળ અને બુધ્ધિના દેવ ગણાય છે વિવિધ દેવતાઓની પૂજા અર્ચના કરતા ભારત દેશમાં સૌથી વધુ મંદિરો હનુમાનજીના જોવા મળે છે. કારણ કે ભાગ્યે જ કોઇ ગામ કે શહેરોનો કોઇ વિસ્તાર જોવા મળે છે જયાં હનુમાનજીનું મંદિર ના હોય.પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે પોરબંદરના માધવપુર પાસે આવેલા મોચા ગામમાં ફ્રાંસની એક હનુમાન ભકત મહિલા છેલ્લા ૪૦ વર્ષથી હનુમાનજીનું મંદિર બનાવીને સેવા પૂજા કરે છે. માધવપુરથી દરિયા કિનારાના રસ્તે જતા મોચા ગામમાં આવે છે. દરિયા પાર હજારો કિમી દૂરથી આવીને મોચા ગામને કર્મભૂમિ બનાવનાર હનુમાન ભકત મહિલા જયારે ભારત આવ્યા ત્યારે માત્ર ૨૨ વર્ષના હતા. તેમણે વર્ષો પહેલા હિમાલય સહિત સમગ્ર ભારતનું ભ્રમણ કર્યા પછી તેઓ પોરબંદર આવ્યા અને મોચા ગામમાં રોકાઇ ગયા હતા. સામાન્ય રીતે મહિલાઓ હનુમાનજીના મંદિરમાં પુજા અર્ચના કરતી નથી ત્યારે તેઓ ભારતની પ્રથમ મહિલા પણ છે હનુમાનજીના મંદિરમાં સેવા પૂજા કરે છે. આ વિદેશી મહિલા ખૂબજ ઓછું બોલે છે પોતે પ્રસિધ્ધિ કે પ્રચારમાં માનતા નથી. તેમણે વ્હાલા વતન ફ્રાંસને છોડીને ભારતમાં વસ્યા ત્યારે જાત જાતની અફવાઓ પણ ચાલતી હતી. કેટલાક ને તો ફ્રાંસ જેવા દેશની વિદેશી મહિલાએ સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડામાં જઇને વસવાટ કર્યો તેની શંકા કુશંકા પણ થતી હતી પરંતુ ૪૦ વર્ષ પછી સૌરાષ્ટ્રના ભાતિગળ જીવનમાં એટલા ઓતપ્રોત થઇ ગયા છે કે તેઓ અસ્સલ કાઠિયાવાડી લહેકામાં સરસ ગુજરાતી બોલી શકે છે. આ ગામમાં માતાજી તરીકે ઓળખાતા ફ્રાંસના આ મહિલા ભારતીય સંસ્કૃતિ અને વિચારોના વાહક બનીને લોકોને હનુમાનજીની ભકિત કરે છે. એટલું જ નહી તેઓ આજુ બાજુના પંથકના લોકોને વ્યસન મુકિતનો મેસેજ આપે છે. દર્શન કરવા આવતા નવ દંપતિઓને કુટુંબ નિયોજન અંગે પણ સમજાવે છે. તેઓ આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને ભણાવવા માટે મદદ કરે છે.બાળકોને સાત્વિક ભોજન મળે તે માટે બટુક ભોજન પણ ચલાવે છે. તેમના મંદિર અને આશ્રમની મુલાકાતે અનેક લોકો આવે છે.જો કે આ ફ્રાંસની આ મહિલા પોતાના દેશના સગા સંબંધીઓ સાથે આજે પણ સંપર્કમાં છે. તે અવાર નવાર પોતાના વતન દેશની મુલાકાત પણ લેતા રહે છે.


પોરબંદરનાં લલીતાબેન ખુદાઇ ૬ર વર્ષની ઉંમરે પણ દરરોજ ૧ર કિ.મી. દોડે છે

આલેખનઃ  નિમેશ ગોંડલીયા : મો –  ૯૦૩૩ર ર૦૧૬૪

Laliteben Khudai -  Porbandar

Laliteben Khudai – Porbandar

ભારતની એક મહિલાનું નામ જયારે રનીંગ દોડની વાત આવે એટલે પી.ટી. ઉષાનું નામ મોઢામાં તરત આવે જેને એક સિધ્ધી હાંસલ કરી છે. જેથી તે સૌથી શ્રેષ્ઠ મહિલા દોડવીર તરીકે સુપ્રસિધ્ધ છે. તો બીજી બાજુ ઘણી મહિલાઓનું જંક ફુડ ખાઇને બેડોળ શરીર બની જાય છે અને ડોકટરો પાસેથી મોંઘી ડાયટીંગ ટીપ્સ લે છે અને પછી વોકીંગ શરૃ કરે છે અમુક પગલા ચાલ્યા બાદ શ્વાસ ચડી જાય છે અને બોલી ઉઠી છે બસ હવે આપણાથી હવે નહિ ચલાય હો..!! આ છે આધુનિક મહિલાની લાઇફ સ્ટાઇલ પરંતુ ઘણીવાર આપણી આસપાસ નજર કરીએ તો ઘણી એવી મહિલાઓ પણ છે કે જે પોતાના પરિવારનું ગુજરાત ચલાવવા ઝઝુમી રહી છે અને દિવસ રાત તનતોડ મહેનત કરે છે ઘણી વાર આપણને એમ થાય કે ધન્ય છે આ મહિલાને કે તે થાકતી નથી આજકાલ ઘણી મહિલાઓ દોડની સ્પર્ધામાં દોડતી કે જોગીંગમાં દોડતી જોઇ હશે પરંતુ કયારેય વ્યવસાય માટે દોડતી મહિલા ભાગ્યે જ જોઇ હશે. પોરબંદરના બસ સ્ટેન્ડ રોડ પાસે બરાબર સાડા અગિયાર વાગ્યે બપોરે એક ૬ર વર્ષીય મહિલા અચુક લારીમાં ટીફીન લઇને દોડતી જોવા મળશે. આ મહિલા ખારવાવાડ વિસ્તારમાં શહીદ ચોકથી સૌરાષ્ટ્ર કેમીકલ ફેકટરીના કર્મચારીઓના ઘરેથી ટીફીન લઇને આશરે છ થી સાત કિલોમીટર દુર આવેલ ફેકટરીમાં કર્મચારીઓને ૧ર વાગ્યે પહોંચાડે છે એ લારીમાં મુકીને ફરી પાછા લાવે છે એટલે કે રોજના આશરે ૧પ થી પણ વધુ કિ.મી. આ મહિલા દોડે છે એ પણ ૬ર વર્ષની ઉમંરે।.!! પોરબંદરના ખારવાવાડના શહીદ ચોકમાં રહેતી લલીતા નારણભાઇ ખુદાઇ ઉર્ફે લલકી આજે ૬ર વર્ષની ઉંમરે પણ ભલભલાને શરમાવે તેવું કામ કરી રહી છે. આ નાની ઉમરથી જ ચાલુ કરેલ ટીફીન આપવાનો વ્યવસાય ૬ર વરસે પણ ચાલુ રાખ્યો છે લલીતાબેન સવારે વહેલા ઉઠીને દિનચર્યા મુજબ ૧૦ વાગ્યે ઘરેથી નિકળી સૌરાષ્ટ્ર કેમીકલ ફેકટરી ના કર્મચારીઓ ના ઘરે – ઘરે જઇ ને ટીફીન એકત્રિત કરી લારીમાં મુકે છે અને ખારવાવાડ થી લારી સાથે દોડવાનું શરૃ કરે છે અને સાત કિલોમીટર દુર આવેલ સૌરાષ્ટ્ર કેમિકલ ફેકટરી સુધી કર્મચારીઓને ઘરનું ટીફીન બરાબર ૧૨ વાગ્યે પહોચાડે છે આપે મુંબઇ ના ડબ્બાવાળાઓનું મેનેજમેન્ટની વિશે ખ્યાલ હશે જેની ડીસ્કવરી અને જીયોગ્રાફી ચેનલે  નોંધ લઇ ડોકયુમેન્ટરી બનાવી છે તેવી જ રીતે આ લલીતાબેનનું કામ પણ આશ્ચર્ય પમાડે તેવું છે તેઓ કોઇપણ સમયે કડકડતી ઠંડી અને કાળઝાળ ગરમી કે ધોધમાર વરસાદની પરવાહ કર્યા વગર પણ દોડી ને આ કાર્ય ૬૨ વર્ષની વર્ષે પણ ચાલુ  રાખે છે તે દરમ્યાન તેની ટ્રાફિક અને અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે ઘણીવાર લલીતાબેન બીમાર પડે છે છતાં પણ તેઓ બીમારી ની ચિંતા છોડીતે તેનું કાર્ય ચાલુ રાખેલ છે.  લલીતાબેને બાળપણ થી જ પોતાના માતા પિતા ની છત્ર છાયા ગુમાવી હતી ઘરમાં ચાર બહેનો જ હતી એટલે ગુજરાત ચલાવવા માટે ટીફીન લારીમાં મુકી સાત કિમીદુર આવેલ સૌરાષ્ટ્ર કેમિકલ ફેકટરીના કર્મચારીઓને ટીફીન દેવાનો વ્યવસાય શરૃ કર્યો સમય જતા મોટી બહેનનું અવસાન થયું અને બીજી બન્ને બહેનોના લગ્ન કરાવ્યા બાદ લલીતાબેન ખારવાવાડ ના શહીદ ચોક પાસે આવેલા નાના ઘરમાં રહે છે અને એકલવાયું જીવન જીવી રહ્યા છે. આ લલકીને અમે ઘણી વાર બધા ના પણ પાડીએ છીએ કે હવે તારી ઉમર થઇ છે હવે કામ છોડી દે  અને ઘણીવાર તો ધોમ તડકામાં માથા પર ભીનું કપડું રાખીને પણ ટીફીન દેવા જાય છે ત્યારે અમારૃ હૃદય દ્રવી ઉઠે છે આ કામ મારાથી તો ના જ થઇ શકે પણ લલકી એક જ જવાબ  આપે છે મરીશ ત્યાં સુધી હું આ કાર્ય ચાલુ રાખીશ.કોઈપણ ઋતુ ની ચિંતા કર્યા વગર ૬૨  વરસે પણ દોડતી રહેતી આ મહિલા ખરેખર પોરબંદરની પી ટી ઉષા જ છે લાખો સલામ આ મહિલાને.. ટીવીમાં આવતી મહિલાઓને એવોર્ડ અને બ્રાંડ એમ્બ્રેસેડર બનાવાય છે પરંતુ આવી મહિલાઓ ના સન્માન અંગે પણ વિચારવું રહ્યું…


દારૂનું વેચાણ કરતી મહિલાઓને પોલીસે નૈતિક મનોબળ આપી પગભર બનાવી

Ladies in Business

Ladies in Business

:: આલેખન ::
દર્શન ત્રિવેદી
પ્રાદેશીક માહિતી કચેરી.
જયુબેલી બાગની  અંદર,
રાજકોટ- ૩૬૦ ૦૦૧

રાજકોટ શહેરના શ્રમજીવી બાહુલ્ય ધરાવતા કુબલિયાપરા વિસ્તારમાં એક દિવસ શહેર પોલીસની ટીમે રેડ પાડી. દેશી દારૂના વેચાણ કરતી એક મહિલાના ઝૂંપડા જેવા ઘરમાં પોલીસે તપાસ કરી તો મળી આવ્યો ૨૦૦ રૂપિયા નો દારૂ. પણ, એ ઘરની સ્થિતિ જોઇ કોઇ પણ ઋજુ હ્રદયના માનવી પીગળી જાય.. એ ઘરમાં મહિલાના ચાર બાળકો ખાવા માટે રડતા હતા, ગંભીર બિમારીથી પીડાતો મહિલાનો પતિ કણસતો ખાટલામાં પડ્યો હતો. સ્થિતિ એવી હતી કે દારૂના વેચાણમાંથી થતી આવકથી આ છ માણસનું ઘર ચાલતું હતું. આ પૂર્વેની રેડમાં પણ આ મહિલા બૂટલેગર પાસેથી ૨૦૦ – ૫૦૦ રૂપિયા નો જ દેશી દારૂ પકડતો હતો. પોલીસ તેને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી. પોલીસની કસ્ટડી દરમિયાન મહિલાના પરિવારની હાલત અતિ દારુણ બની જતી હતી. આસીસ્ટન્ટ પોલીસ કમિશનર બન્નો જોશીના ધ્યાને એક વાત આવી કે આ સમસ્યાનું મૂળ ગુનેગાર નથી, એમની આર્થિક સ્થિતિ છે. એટલે તેમણે સુરક્ષા સેતુ અને ગતિશીલ ગુજરાત અંતર્ગત નવતર કાર્યક્રમ શરૂ કર્યો….

તેમણે મહિલા  બૂટલેગરોને  આર્થિક પગભર બનાવી દારુ  વેચાણની પ્રવૃત્તિ છોડાવવાનો નિર્ધાર કર્યો. થોરાળા પોલીસ સ્ટેશનના ગુના શોધક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી હેમેન્દ્ર ધાધલ તથા કોન્‍સ્ટેબલ શ્રી નરેન્દ્રભાઇ હૂદડે પ્રથમ તો એક સર્વે કર્યો. જેમાં કેટલાક તથ્યો મળી આવ્યા. તેના પોલીસ થાણા વિસ્તારમાં જ મોટાભાગની મહિલા બૂટલેગરો કાર્યરત  હતી. તે પૈકીની કેટલીક મહિલાઓ સામે તો દસથી વધુ નશાબંધીના ગુના નોંધાઇ ચૂક્યા હતા. પણ, એમની પારિવારિક પૃષ્ઠભૂમિ બહુ જ કરુણ હતી. કેટલીક મહિલાઓને તેના પતિએ તરછોડી દીધી હતી તો કેટલાકના પતિ ગંભીર પ્રકારના ફોજદારી ગુનામાં જેલમાં હતા. કોઇના પતિ બિમાર, નિઠલ્લા અને આળસુ પ્રકૃત્તિના અને કામચોર અને બેરોજગાર હતા. એટલે પરિવારના લાલનપાલનની જવાબદારી મહિલાના શીરે હતી. તે સમાજથી વિમુખ થઇ ગઇ હતી. પોલીસ સામે મોટો પડકાર હતો કે અશિક્ષિત અને દારૂ ગાળવા સિવાયની કોઇ આવડત ન ધરાવતી આ મહિલાઓને પગભર બનાવી સમાજમાં કેવી રીતે પુનઃસ્થાપિત કરવી..??

પ્રથમ તો આ મહિલાઓને સમજાવવાનું કપરૂ કાર્ય હાથ ધરવામાં આવ્યું. પોલીસ કમિશનરશ્રી મોહન ઝા અને એસીપીશ્રી જોશી દ્વારા આ કામ પણ બખૂબી પાર પાડવામાં આવ્યું. મહિલાઓના ઘરે જઇ રૂબરૂ મુલાકાત કરવામાં આવી. તેમના મનમાં રહેલી ભયવૃત્તિને દૂર કરવામાં આવી. દારૂના દુષણથી સમાજ અને તેના પરિવારને થતી પ્રતિકૂળ અસર મનોવૈજ્ઞાનિક ઢબે તેને સમજાવવામાં આવી. આ મહિલાઓને નોકરીવ્યવસાય અપાવી આર્થિક સમસ્યા દૂર કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું. પ્રત્યેક મહિલા બૂટલેગર સાથે ત્રણ ચાર બેઠકો બાદ તેઓ આ ગુનાઇત પ્રવૃત્તિ છોડવા માટે રાજી થઇ.

હવે પ્રશ્ન એ હતો કે તેમને આર્થિક સક્ષમ કેવી રીતે બનાવવી..?? પહેલા તો કારખાનામાં કામે રાખવાનું વિચારવામાં આવ્યું. પણ મહિલાઓ પાસે વિશેષ આવડત અને કારખાનેદારોમાં વિશ્વાસના અભાવનું વિઘ્ન આવ્યું. એથી સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલાઓને સીલાઇ મશીન આપી દરજી કામ શીખવાડવાનું આયોજન કર્યું. પણ એની તાલીમ લાંબી હોવાથી શક્ય નહોતું. એટલે પોલીસે એક અનુકુળ રસ્તો શોધી લીધો. થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇમિટેશન જ્વેલરીના ઘણા કારખાના કાર્યરત છે, ત્યાંથી મહિલાઓ ઘરે કાચો માલ લાવે અને તૈયાર કરી પરત દઇ આવે. તેમાં માત્ર એકાદ અઠવાડિયાની તાલીમની જરૂર હતી. પોલીસે પોતાના વાહનો દોડાવી આ ૧૫ બૂટલેગર મહિલાઓને ઘરેણા બનાવવાની તાલીમ આપી. વિશ્વાસ સંપાદનના ભાગરૂપે શરૂઆતના તબક્કે કોન્સ્ટેબલ નરેન્દ્રભાઇએ કાચા અને તૈયાર માલની હેરાફેરી કરાવી. આમ થોડાક જ મહિનાઓમાં આ મહિલાઓ ૬ થી ૯ હજાર રૂપિયા પ્રતિ માસ કમાતી થઇ ગઇ. આર્થિક જરૂરિયાત સંતોષાતા જૂની પ્રવૃત્તિ ભૂલાઇ ગઇ મોરલ પોલીસિંગ કામ કરી ગયું..

દારૂબંધી ભંગના અગિયાર કેસનો સામનો કરી રહેલા આ પૈકીના એક મહિલા જીલુબેન કુરેશી કહે છે હું ક્યારેય દારૂ વેચવા માંગતી નહોતી પણ, મારા પતિએ મને બળજબરીપૂર્વક આ ધંધામાં ધકેલી દીધી હતી. મે ઘણા સામાજિક અનિષ્ટોનો સામનો કર્યો. પણ પોલીસના નૈતિક સહયોગથી  હું હવે એ પ્રવૃત્તિ છોડી શકી છું. ઓછા પૈસા કમાઉ છું પણ પરિવાર અને સમાજમાં ફરી આવી શકી છું. આવા જ એક મહિલા સતિબેન બોહકિયા કહે છે, મહેનતો રોટલો ખાઇ અમે ખુશ છીએ. પોલીસનો ડર દૂર થયો છે અને કાયદાકીય ઝંઝટથી મુક્તિ મળી છે. અમને પોલીસનું નવું સ્વરૂપ જોવા મળ્યું છે. થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ  નિયમિતપણે આ મહિલાઓની મુલાકાત લે છે અને કોઇ સમસ્યા હોય તો ઉકલી પણ આવે છે. મહિલા સશક્તિકરણની દિશામાં રાજકોટ શહેર પોલીસનો આ પ્રયાસ ખરા અર્થમાં અભિનંદનને  પાત્ર છે..


ભુજની મહિલા ગર્વથી કચ્છની પ્રખ્યાત દાબેલી વેચે છે

Bhuj Women

Bhuj Women

મહિલાઓ અત્યાર સુધી ઘરમાં રહીને જ કામ કરતી હતી. ધીમે ધીમે નોકરી કરતી થઇ  પણ જે ધંધામાં પુરુષોનો ઇજારો છે, તેમાં પોતાની આવડત હોવા છતાં ઝંપલાવવામાં મહિલાઓ શરમ અનુભવે છે, પણ હવે તેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓ કામ કરતી થઇ છે.

ભુજના જ વર્ષાબેન મહેન્દ્ર સોનેતાની વાત લઇ લ્યો, એક સારા પરિવારમાં થી આવતાં હોવા છતાં કામ કરવામાં શરમ શેની..?? તે વિચારધારા સાથે તેઓ કચ્છના પ્રથમ એવાં મહિલા હશે જે ભુજના હમીરસર કાંઠે રેકડી કાઢે છે અને તેના પર ગર્વથી કચ્છની પ્રખ્યાત દાબેલી વેચે છે.